28/07/2021
#તજ!!!!
દસ હજાર વર્ષનો સુગંધી ઇતિહાસ છે તેની પાસે..
મરી મસાલામાં વપરાતા તજના નામથી કોણ અજાણ હશે? ભારતમાં સદીઓથી રસોઈ અને ઔષધોની બનાવટમાં તજનો ઉપયોગ થતો આવ્યો છે. આયુર્વેદમાં પણ તજના ઔષધીય ગુણોનું ખાસ્સુ વર્ણન છે. ભારતના લગભગ દરેક રાજ્યો અને દરેક સમુદાયોની રસોઈનું તે અવિભાજ્ય અંગ છે. ખાસ કરીને પંજાબી ડીશ, મોગલાઈ ભોજનમાં તે ફરજિયાત છે. ગુજરાતી ભોજનમાં અને તૈયાર મસાલાઓમાં પણ તેનો એટલો જ ઉપયોગ થાય છે. રસોઈ ઉપરાંત તજનો ઉપયોગ પરફ્યુમ તૈયાર કરવામાં, બામ અને અન્ય પીડા શામક ઓઇન્તમેન્ટ ની બનાવટમાં પણ તજની છાલ અને તજના ફૂલના તેલનો વ્યાપક ઉપયોગ છે. કેટલાક સિદ્ધહસ્ત અગરબત્તી નિર્માતાઓ પણ અગરબત્તી બનાવવામાંમાં કુશળતા પૂર્વક તજના તેલ અને તજ પાઉડરનો ઉપયોગ કરે છે. રોજબરોજના ઉપયોગમાં આપણે જે તજ વાપરીએ છીએ તે તેના થડની છાલ છે. તે એક બારમાસી વૃક્ષ છે અને ખાસ કરીને ગરમ પ્રદેશોમાં તેની ખેતી થાય છે. તેનું ઝાડ અત્યંત સુગંધી હોય છે અને તજનું મોટા પાયે વાવેતર હોય તે આખો વિસ્તાર આ સુગંધથી મહેકતો રહે છે. તજ વૃક્ષના ફૂલ પાન, તેનો સમગ્ર દેખાવ અતી સુંદર હોય છે.
તેનું મૂળ વતન શ્રીલંકા, મ્યાનમાર અને ભારતનો મલબાર કિનારો ગણાય છે. તજના જે પ્રાચીનતમ અશ્મિભૂત અવશેષો મળ્યા છે તે આઠ હજાર વર્ષ પહેલાના છે. ઇજિપ્તવાસીઓએ આ તજ અને તેના જેવા કાસિયા નામના એક બીજા મસાલાનો ઉપયોગ પિરામિડમાં શબને જાળવી રાખવા કરતા હતા.
પુરાવા સૂચવે છે કે તેનો ઉપયોગ પ્રાચીન સમયના ભારત મધ્ય પૂર્વના દેશો અને યુરોપીય કંત્રીમાં પણ થતો. તેને યુરોપ પહોંચાડવામાં આરબ દરિયાખેડુઓનો ફાળો મુખ્ય છે. કહેવાય છે કે પોતાની બીજી પત્ની પોપેઆ સેબીનાનું મોત નિપજાવવાના પશ્ચ્યાતાપ રૂપે ધાર્મિક વિધિઓ દરમિયાન રોમન સમ્રાટ નીરોએ ઈસુના 65ના વર્ષમાં હજજરો કિલો તજ ની આહુતિ આપી હતી.
પ્રથમ સદીમાં યુરોપમાં તજનો ભાવ વિક્રમ સપાટીએ હતો. ત્યાંના એક શાસકે એક વખત 350 ગ્રામ તજ માટે પાંચ કિલો ચાંદી આપવી પડી હતી.
તજના વૃક્ષની ઉંચાઈ 32 થી 48 ફૂટ જેટલી હોય છે
તેના પાંદડાનો આકાર જેવો અને તેનું કદ 7થી 8 સેન્ટીમીટર હોય છે.
તજના ફૂલો લીલાશ પડતાં હોય છે અને તેની ગંધ અસહ્ય તીવ્ર હોય છે.
તેના ફળ જાંબુડિયા રંગના હોય છે અને તેનું કદ એક થી દોઢ સેન્ટીમીટર હોય છે. તેના તમામ ફળોમાં એક જ બીજ હોય છે. અમેરિકામાં તજનો ઉપયોગ અનેક બેક્ડ સ્વિતમાં સુગંધી દ્રવ્ય તરીકે થાય છે અને ત્યાં બજારમાં તજના સીરપ તૈયાર મળતા હોય છે.
ગ્રાઉન્ડ તજમાં લગભગ 11% પાણી, 81% કાર્બોહાઇડ્રેટ, 4% પ્રોટીન અને 1% ફેટ હોય છે
યુરોપ અને યુનાનાની દેશી દવાઓમાં હજારો વર્ષથી તજનો ઉપયોગ થાય છે.
તજનાં સ્વાસ્થ્ય લાભો જોઈએ તો તે ડાયાબિટીઝના નિયંત્રણમાં મદદ કરે છે. ફૂગ અને બેક્ટેરિયાના ચેપ સામે રક્ષણ આપે છે. માનસિક સ્ફૂર્તિ આપે છે. પાચનમાં સુધારણા, રોગપ્રતિકારક શક્તિની શક્તિને વધારવામાં મદદ કરવાની ક્ષમતા ધરાવે છે. તજ વિટામિન કે, કેલ્શિયમ અને આયર્નનો સમૃદ્ધ સ્રોત છે, જ્યારે વિટામિન બી 6, વિટામિન ઇ, મેગ્નેશિયમ અને જસતની મધ્યમ માત્રા પ્રદાન કરે છે.
તજના ઘટકોમાં 80 જેટલા સુગંધિ તત્વો હોય છે, તેના પાંદડા તેની છાલ અને ફૂલોમાંથી મળી આવતા તેલમાં જે યુજેનોલ નામનું ઔષધીય તેલ મુખ્ય છે.
આયુર્વેદના ગ્રંથોમાં તજનું જે વર્ણન છે તે મુજબ તે ગરમ, તીક્ષ્ણ, પચવામાં હળવા, પીત કરનાર, ગળું ચોખ્ખું કરનાર, ગર્ભાશયનું સંકોચન કરનાર, પીડા મટાડનાર, લીવરની કામગીરીને વેગ આપનાર, જાતીય ઉત્તેજના આપનાર, છે. તે કફ વાયુ અરુચિ મંદાગ્નિ શરદી ઉધરસ દમ ખંજવાળ હ્રુદયરોગ પક્ષાઘાત માસિકપીડા આમ વિશ અને કૃમિ ખત્મ કરે છે. તજનું તેલ વાયુ દોષ દૂર કરે છે,દુખાવો મટાડે છે, નાના મોટા જખમની સારવારમાં ઉત્કૃષ્ઠ પરિણામ આપે છે. તજમાંથી મળી આવતા તેલમાં અદભૂત ઔષધીય ગુણો ધરાવતા સીનામોલ્ડિહાઇડ અને યુજીનોલ નામના પદાર્થ સાઈઠ થી પંચોતેર ટકાની માત્રામાં હોય છે. તજ બગડેલા ખરાબ લોહીને તેની મૂળ સ્થિતિમાં લાવવાની ક્ષમતા ધરાવે છે. તે કાન નાક મોઢા કે શરીરના અન્ય કોઈ પણ ભાગના રક્તસ્રાવ ને અટકાવે છે. મરડો અને ઝાડામાં તજનું ચૂર્ણ આપવાથી લોહી અને રસી પડતાં બંધ થાય છે. તજ સાથે આ પ્રયોગમાં કાથો આપવાથી વધુ સારા પરિણામ મળે છે. તજ ભૂખ ઊઘડે છે. તે પાચનક્રિયાને વેગ આપે છે. તે વાયુને નીચેની તરફ ધકેલે છે તેથી પેટના રોગોમાં તે અતી ઉપયોગી છે. અજીર્ણ, ઉલ્ટી અરુચિ મોળ પેટની ચુંક, આફરો મટાડી શકે છે. માસિકની અનેક સમસ્યાઓમાં તે ઉપયોગી છે. આ સમયની પીડાને તે દૂર કરી શકે છે. માસિક આવવાના બે ત્રણ દિવસ અગાઉથી પા ચમચી તજ નો ભૂકો એક કપ પાણીમાં ઉકાળી દિવસમાં બે વખત લેવાથી અકલ્પ્ય રાહત થશે. તે ગર્ભાશયનું સંકોચન કરતા હોવાથી પ્રસુતિ પછી ઉત્તમ છે.
કબજિયાતમાં તજ અને હિમેજનું ચૂર્ણ ફાયદાકારક છે. અલબત્ત તજ બહુ લાંબો સમય વધુ માત્રામાં લેવાથી તે જાતીય સમસ્યા પેદા કરી શકે છે. ગરમ પ્રકૃતિ વાળાએ તજના ઉપયોગ ઓછો કરવો. આયુર્વેદના જાણીતા ઔષધ સિતોપલાદી ચૂર્ણમાં તે મુખ્ય ઘટક છે.
તજનો ઉપયોગ અસંખ્ય આલ્કોહોલિક પીણામાં પણ થાય છે. યુરોપના તાંત્રિકો તેનો ઉપયોગ કહેવાતી મેલી વિદ્યા માટે કરે છે.
ઇન્ડોનેશિયા અને ચીન વિશ્વના 75% પુરવઠા સાથે વિશ્વના સહુથી મોટા તજ ઉત્પાદક છે પરંતુ શ્રીલંકાના તજની ગુણવત્તા ઉત્કૃષ્ઠ હોય છે.
તજ માટેનો અંગ્રેજી શબ્દ Cinamon તેના રંગને સૂચવે છે. પ્રાચીન યુરોપમાં ગ્રંથોમાં તજ કાસિયા અને ઓલિવ ઓઇલનું મિશ્રણ ઘરમાંથી મલિન તત્વોને દૂર કરવા સૂચવવામાં આવ્યું છે. તજનો ઉલ્લેખ અંગ્રેજી ભાષાના કેટલાક નીતિ ગ્રંથોમાં પણ જોવા મળે છે.
હેરોદરસ અને અન્ય પ્રાચીન લેખકોએ પણ તજનો મહિમા ગાતા ઘણું લખ્યું છે. ફોનિક્સ પક્ષી પોતાનો માળો બનાવવા ફકત તજના સાઠિકડા નો જ ઉપયોગ કરે છે.
(Ref dr manish achary)