
28/05/2025
"હારા-કિરી" શબ્દ જાપાની શબ્દો "હારા" (પેટ) અને "કિરી" (કાપવા) પરથી આવ્યો છે અને તેનો અર્થ પેટમાં તીક્ષ્ણ વસ્તુથી ઘા મારવાનો થાય છે. ૧૨મી થી ૧૭મી સદી સુધી, જાપાનમાં હારા-કિરી ધાર્મિક આત્મહત્યાનું એક સ્વરૂપ હતું. પરાજિત યોદ્ધાઓ (સમુરાઈ) ઘણીવાર હારા-કિરીનો આશરો લેતા હતા. ૧૭મી થી ૧૯મી સદી સુધી, હારા-કિરી જાપાનના યોદ્ધા વર્ગના આરોપી વ્યક્તિઓ માટે આત્મહત્યાના વેશમાં મૃત્યુદંડનું એક સ્વરૂપ હતું. સામાન્ય રીતે, હારા-કિરી જાપાની આદર્શ પર આધારિત છે કે શરમજનક જીવન કરતાં માનનીય મૃત્યુ વધુ ઇચ્છનીય છે.
સર ટી હોસ્પિટલમાં હજીતો એક ઓપરેશન શરુ હતું ત્યાં જ ફોન આવ્યો કે casulaty માં એક દર્દી આવ્યું છૅ એકવીસ વર્ષનું, self inflicted stab સાથે અને નાના આંતરડા બધા બહાર આવી ગયા છૅ!
આવું કોઈ કઈ રીતે કરી શકે? વિચારી તો જુઓ.
આમ તો આ પારિવારિક કલેશ થી ભાઈ એ જીવન ટૂંકાવવા માટે કર્યું.
આવા કિસ્સા માનસિક અસ્થિર દર્દીઓ માં પણ જોવા મળતા હોય છૅ. અગાઉ પણ બે વાર આવા કિસ્સાઓ આવ્યા છૅ પણ તેઓ માનસિક અસ્થિર હતા. આમ જોવા જઇયે તો આત્મહત્યા કરનારા દરેક વ્યક્તિ માનસિક પીડાતા હોય એ સ્વાભાવિક છૅ.
મને યાદ છૅ અમારે MBBS દરમિયાન પેથોલોજીમાં હિમેટોલોજી ના પ્રેક્ટિકલ કરવાનાં આવતા. ત્યારે લેન્સેટ વડે આપણી આંગળીમાં કાણું પાડી લોહી નીકાળવાનું અને એને સ્લાઈડ પર મૂકી માઈક્રોસ્કોપમાં નિરીક્ષણ કરવાનુ.
એમાં પણ બીક લાગતી. ન ગમતું. પણ કોઈ છૂટકો ન હોય એટલે કરવું જ પડે.
ત્યાં અહીં તો ચપ્પા વડે ખુદ ને કેટલા વેગથી માર્યું હશે કે અંદર જઈને આંતરડા બહાર કાઢી નાખ્યાં??
આતે કેવો રસ્તો? આત્મહત્યા એ કોઈ રસ્તો નથી જ એ વિશે સહુ જાણે છૅ પણ એમાં પણ આં તે કેવો અત્યંત પીડાદાયક રસ્તો?
મને ઘણી વાર આવા વ્યકતિઓ ની માનસિકતા જાણવામાં રસ પડે,
દર્દી આવ્યું ત્યારે જ લોહી લુહાણ હાલત માં હતું , બહાર પણ ઘણું લોહી વહી ગયું હતું અને ઓપરેશન દરમિયાન પેટમાં પણ ઘણું લોહી પડ્યું હતું.લોહી ના બાટલા ચડાવતા ચડાવતા જ ઓપરેશન થિયેટરમાં શિફ્ટ કર્યું.
આંતરડાની ઇજાઓ , ત્યાંની અમુક લોહીની નસોં ફાટી હતી, બધું રીપેર કર્યું અને ઓપરેશન પૂરું કર્યું. હાલ આ ભાઈ ની હાલત એકદમ સ્ટેબલ છે અને મોઢે થી ખાવાનું શરુ પણ કરી દીધું છે.
ભાઈ ને મરવું હતું પણ આવો જટિલ રસ્તો અપનાવ્યો, ભયંકર ઇજા થઇ, અમારી પાસે આવ્યું, અને હવે બચી તો ગયા છે, પણ એમને અફસોસ થશે કે ખુશી થશે??
એટલી જ આશા કે પારાવાર પસ્તાવો થાય અને જે તે કારણસર એણે આ પગલું ભર્યું એ કલેશ કંકાસ આ ઘટના પછી પૂરો થાય તો જ એનું આગળનું જીવન કામનું..અને અમારી મહેનત કામની.એ માટે
રજા આપતાં પહેલા માનસિક વિભાગ નો રેફરન્સ ચોક્કસ કરાવીશું.
૨૦૨૪ ની જબરદસ્ત જાપાનીસ વેબસિરીઝ 'SH**UN' માં પણ આ 'હારા- કિરી' જોવા જાણવા મળે છૅ.
- ડો. સ્મિત મહેતા