07/01/2025
સર્વ સંસ્કારો ભેગા મળીને ભારતીય જનને ઘોડિયાથી સ્મશાન સુધી જ નહીં પરંતુ ગર્ભધાન પહેલાથી મોક્ષ સુધી પવિત્રતા, ગુણ સંપન્નતા અને રક્ષણ આપે છે.
સંસ્કાર શું કામ કરવા ?
આ માટે આપણે પ્રથમ પરિચિત બે પૌરાણિક વાતનું અનુસંધાન લઇશું. મહર્ષિ વેદવ્યાસે અભિમન્યૂની કથામાં એને ચક્રવ્યૂહના ૬ કોઠાની વિદ્યા ગર્ભમાં જ શીખતો વર્ણવ્યો છે. ૭મા કોઠાની વિદ્યા શીખવાની રહી ગઇ તે રહી જ ગઇ અને પરિણામે કૌરવોએ ગોઠવેલા કોઠા યુદ્ધના વ્યૂહમાં અભિમન્યૂએ પ્રાણ ખોવાનો વારો આવ્યો.
બીજી વાતમાં અષ્ટાવક્રની કથામાં પિતાના વેદ પઠનમાં અષ્ટાવક્રને ક્ષતિ બતાવતો વર્ણવ્યો. પરિણામે એને આઠેય અંગ વાંકાથવાનો શ્રાપ મળ્યો. આવા કુરૂપ અલ્પકાર્યવાહી અંગો હોવા છતાં એણે મહારાજા જનકના દરબારમાં બ્રહ્મ વિદ્યાના નિરૂપણમાં ભલભલાને છક્કડ ખવડાવીને પિતા સહિત અનેકની મુક્તિ મેળવી. આ બંને કથા આપણને એ સ્પષ્ટ બતાવે છે કે, જીવના આગમન (ગર્ભધાન) ની પળથી માનવ બાળનું શિક્ષણ આરંભાય છે અને મૃત્યુ પર્યંત ચાલુ જ રહે છે.
આધુનિક નિરંતર શિક્ષણ, માનસ શાસ્ત્ર અને મેડિકલ સાયન્સ અનુસરીને અનુમોદિત કરે છે. માટે પ્રતિપાદિત થાય છે કે, સજીવ કે નિર્જીવ સંસ્કાર વિહીન અર્થ વિહીન છે અને તેનું કોઇ પણ સ્થાન કે મૂલ્ય નથી. માટે સંસ્કાર એ નફા-નુકસાન, વ્યય – ઉપયોગિતાથી પર છે અને જીવનનો ઊર્ધ્વગામી માર્ગ છે.