27/08/2024
ગણેશ ઉત્સવ
દર વર્ષે ભાદરવા મહિનાની સુદ પક્ષની ચતુર્થી તિથિથી ગણેશ ઉત્સવની શરૂઆત થાય છે. દસ દિવસ સુધી ચાલનારા આ ઉત્સવમાં બાપ્પાની વિધિવત્ પૂજા સાથે પ્રસાદ વગેરે કરવામાં આવે છે. તેમની વિધિવત્ પૂજા કરી અને શુભ સમયે અનંત ચતુર્દશીના રોજ તેમનું વિસર્જન કર્યા પછી તેમને વિદાય આપવામાં આવે છે.
# ગણેશજીની મૂર્તિ કેવી હોવી જોઈએ?
* ડાબી સૂંઢના ગણપતિ લાવવા જોઈએ. આ ગણપતિને વામમુખી ગણેશ કહેવાય છે. ડાબી સૂંઢના ગણપતિ લક્ષ્મી, આનંદ, સુખ, સમૃદ્ધિ, કીર્તિ આપનાર છે.
ગણપતિ બાપાની મૂર્તિ ખરીદતી વખતે એ ધ્યાન રાખો કે તેમની મૂર્તિમાં તેમનું વાહન મૂષક જરૂર હોવું જોઈએ. આ સાથે ગણેશજીની મૂર્તિ લેતી વખતે તેમની પસંદગીની મીઠાઈ મોદકનું જરૂર ધ્યાન રાખવું જોઈએ. ગણપતિજીની મૂર્તિમાં જો મોદક ડાબા હાથમાં હોય અને સાથે જ એ પણ ધ્યાન રાખો કે ભગવાન ગણેશની સૂંઢ પણ એ દિશા તરફ હોય એવી મૂર્તિ જ શુભ માનવામાં આવે છે. તેમનો એક હાથ આશીર્વાદની મુદ્રામાં હોવો જોઈએ. એક હાથમાં દાંતણ હોય આવી મૂર્તિની ઘરમાં સ્થાપના કરવાથી તમારું ઘર ધન, સંપત્તિ અને સમૃદ્ધિથી ભરાઈ જાય છે.
જમણી બાજુની સૂંઢવાળા ગણપતિ પર સૂર્યનો પ્રભાવ હોય છે. મોટાભાગના મંદિરોમાં આવા ગણપતિની પૂજા કરવામાં આવે છે. કારણ કે તેમની પૂજા, આરતી નિયમિતપણે અને યોગ્ય વિધિ સાથે કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. સહેજ ભૂલ પણ મુશ્કેલીનું કારણ બની શકે છે.
* એવા ગણેશની મૂર્તિ લાવવી જે બેઠેલી મુદ્રામાં હોય. અને તેમના પગ જમીનને સ્પર્શતા હોય.
* જો તમે ઇચ્છો તો ઘરમાં જ માટીમાંથી ભગવાન ગણેશની મૂર્તિ બનાવી શકો છો.
* સફેદ આંકડાના મૂળથી બનેલી ગણપતિની મૂર્તિની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.
* જો તમે માટી કે આંકડાના મૂળથી બનેલી મૂર્તિ રાખવા નથી માગતા તો તમે ચાંદી કે તાંબાથી બનેલી મૂર્તિની પણ પૂજા કરી શકો છો.
* જો તમે સ્ફટિકની મૂર્તિ રાખો છો તો એ પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે.
* ઇકો-ફ્રેન્ડલી માટીથી બનેલી મૂર્તિ લાવવી જોઈએ.
* સફેદ રંગની, લાલ રંગની ગણેશ મૂર્તિ લાવી શકો છો.
# બેઠક
* ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના હંમેશા ઇશાન ખૂણામાં કરવી જોઈએ. અને તેમનું મુખ ઉત્તર દિશામાં હોય તે વાતનું ધ્યાન રાખવું.
* ભગવાન ગણેશજીની મૂર્તિને ક્યારેય ભૂલથી પણ દક્ષિણ દિશામાં સ્થાપિત ન કરવી જોઈએ.
* ભગવાન ગણપતિની મૂર્તિ ઘરના કોઈપણ ખૂણામાં ન રાખવી જોઈએ.
# વિધિ
* ગણપતિ બાપ્પાની મૂર્તિ લાવતી વખતે સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ. બાપ્પાની મૂર્તિ લાવતી વખતે મહિલાઓએ સોળે શ્રૃંગાર કરવા જોઈએ. પુરુષોએ માથા પર ટોપી કે રૂમાલ રાખવો જોઈએ.
* ગજાનંદને લેવા જતી વખતે એક ચાંદીની થાળી અવશ્ય સાથે રાખો, જેથી તમે તેના પર ગણેશજીની મૂર્તિ મૂકી શકો અને તેમને ઘરે લાવી શકો. જો તમારી પાસે ચાંદીની થાળી ન હોય તો તમે તાંબા કે પિત્તળની થાળી પણ લઈ શકો છો. જો તમારે થાળી ન રાખવી હોય તો લાકડાની થાળી પણ લઈ શકો છો.
* ચતુર્થીના દિવસે વિઘ્નહર્તાને ઢોલ-નગારા સાથે ખૂબ જ ધામધૂમથી ઘરે લાવવા જોઈએ.
* ભગવાન ગણેશજી ઘરે પધારે ત્યારે ઘરની માલિકણ ભગવાન ગણેશજીને ઘરના દરવાજે રોકીને પોતે ઘરની અંદર તરફ રહીને તેમની પૂજા કરે અને તેમની આરતી કરે. ત્યારપછી તેમને ઘરની અંદર પ્રવેશ કરાવો અને તેમના સ્થાન પર સ્થાપિત કરો.
* તમે ભગવાન ગણેશજીને જ્યાં બીરાજમાન કરવા માગો છો એ જગ્યાને સ્નાન કર્યા પછી, ભગવાન ગણેશના મંત્રનો જાપ કરતા કરતા તેને શુદ્ધ કરવા માટે ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ. ત્યાં કુમકુમથી સ્વસ્તિક બનાવો. બનાવેલા સ્વસ્તિક પર હળદરના ૪ ચાંદલા કરો. મુઠ્ઠીભર અક્ષત (ચોખા) મૂકો. જેની ઉપર તમારે ચોકી અથવા બાજોઠ મૂકવાની છે. આ બાજઠ પર પીળું અથવા લાલ રંગનું કપડું પાથરીને અને તેની ઉપર ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરો. ચોકીની આસપાસ ફૂલોની સુંદર સજાવટ કરો. સારી રોશની માટે લાઈટિંગ પણ કરો. એના માટે તમે બજારમાં ઉપલબ્ધ રંગબેરંગી લાઇટનો પણ ઉપયોગ કરી શકો છો. ધ્યાન રાખો કે ચોકીની આસપાસ અંધારું ન હોવું જોઈએ.
* તમારા ઘરને એવી રીતે સજાવો કે જ્યારે બાપ્પા તમારા ઘરમાં પ્રવેશે ત્યારે આ બધી તૈયારીઓ જોઈને તેઓ ખુશ થઈ જાય અને તમારા ઘરના સભ્યોને આશીર્વાદ આપે.
* આ પછી ગણપતિને સુંદર વસ્ત્રો, આભૂષણો, કલવ, અક્ષત, ફૂલ, માળા, મુગટ વગેરેથી શણગારો. લાલ ચંદનથી ભગવાનનું તિલક કરો.
* ગણપતિ બાપ્પાને બિરાજમાન કર્યા પછી તેમને પવિત્ર દોરો અવશ્ય અર્પણ કરવો જોઈએ.
* તેમની સામે કળશ સ્થાપિત કરવું જોઈએ.
* કળશ સ્થાપિત કર્યા પછી તેમને દુર્વા ઘાસ, ફૂલ, મોદક અથવા બૂંદીના લાડુ, પંચામૃત, પાંચ ફળ અને પંચમેવા અર્પણ કરવા જોઈએ.
* અખંડ જ્યોત પણ પ્રગટાવવી જોઈએ.
* આખા પરિવારે ભેગા થઈને ભગવાન ગણેશજીની કપૂરથી આરતી કરવી જોઈએ અને ભોગ ચઢાવવો જોઈએ.
* પ્રસાદ માટે મોદક કે લાડુ હોવો ખૂબ જ જરૂરી છે.
* દરરોજ સવાર-સાંજ ભગવાન ગણેશની પૂજા કરો, તેમની આરતી કરો અને પ્રસાદમાં મોદક, લાડુ, પંચમેવા અને ડ્રાયફ્રૂટ્સ રાખો.
* વ્યક્તિએ સંપૂર્ણ વિધિ સાથે ગણપતિ બાપ્પાની આરતી કરવી જોઈએ. અને તેમના પરિવારના સુખ અને સમૃદ્ધિ માટે તેમની પાસે પ્રાર્થના કરવી જોઈએ.
# હેતુ
* જો ઘરમાં લાંબા સમયથી કોઈ બાળક નથી અને તમે સંતાનની ઈચ્છા સાથે ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરવા ઈચ્છતા હોવ તો ગણેશ ઉત્સવ પર બાલ ગણેશની મૂર્તિ ઘરે લાવો.
* આનંદ, ઉત્સાહ અને પ્રગતિ માટે નૃત્યની મુદ્રામાં ભગવાન ગણેશની મૂર્તિ ઘરે લાવો.
* જે લોકો કળામાં વિશ્વાસ રાખે છે, તેમણે પણ પોતાના ઘરમાં નૃત્ય કરતા ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ.
* જો તમે ઘરમાં કાયમી સુખ, શાંતિ અને આનંદ માટે ભગવાન ગણેશની મૂર્તિ લાવવા માંગો છો, તો ભગવાન ગણેશની એવી મૂર્તિ ઘરમાં લાવો જેમાં ભગવાન ગણેશ નીચે સૂતા હોય અને આરામ કરતા હોય. પરિવારના સભ્યો માટે પણ આવી મૂર્તિ ખૂબ જ શુભ માનવામાં આવે છે.
* ઓફિસો કે બિઝનેસની જગ્યાએ ભગવાન ગણેશજીની મૂર્તિને ઊભી મુદ્રામાં રાખવી જોઈએ.
# મંત્રનો જાપ કરો.
वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ।
निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा॥
નોંધ: કેટલીકવાર લોકો બે ગણપતિની મૂર્તિઓ લાવે છે. ઘરમાં એકથી વધુ ગણપતિની મૂર્તિઓ રાખવાથી રિદ્ધિ-સિદ્ધિ નારાજ થઈ જાય છે અને આવા ઘરમાં સમૃદ્ધિ નથી આવતી.