19/11/2025
Gujarat Samachar – Shatdal – Vedana Samvedana Column
બાળકોને પ્રેમ અને માતા-પિતાને સન્માન આપો
- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ
*********************
આપણા દેશમાં હજી ત્રણ પેઢી સાથે જીવે છે. બાળકોના સફળ અને તંદુરસ્ત ઉછેર માટે આ વ્યવસ્થા આવકારદાયક છે. તેમાં પડતાં ગાબડાઓને સમયસર અટકાવીએ
*********************
ભારતીય સંસ્કૃતિ અને પરિવાર વ્યવસ્થાની સૌથી મોટી જો કોઈ ઓળખાણ હોય તો એ છે પ્રેમ, સંસ્કાર અને સંબંધોની ઉષ્મા. આપણા સમાજમાં માતા-પિતા અને સંતાનોનો સંબંધ માત્ર જવાબદારી નહીં પરંતુ પરસ્પરની લાગણી, એકબીજા માટે ત્યાગ અને પરસ્પરમાં વિશ્વાસ અને શ્રદ્ધાનું પ્રતિબિંબ છે.
કમનસીબે આજનાં જનરેશન ઝેડ અને જનરેશન આલ્ફાના જમાનામાં એક તદ્દન નવું પરિવર્તન આવી રહ્યું છે જેમાં માતા-પિતા પોતાના નાના સંતાનોને તો અપાર પ્રેમ, કાળજી અને ધ્યાન આપે છે. સંતાનો પ્રત્યેની તમામ ફરજો એ બજાવે છે પરંતુ આ ફરજો બજાવતા વ્યસ્ત માતા-પિતાઓ સંતાનો માટે સમય કાઢ્યા પછી તેમનાં પોતાના વૃદ્ધ માતા-પિતાઓને સમય અને સન્માન આપવાનું ભૂલી જાય છે. આ વિષય પર ચર્ચા કરવાનો ઉદ્દેશ્ય કોઈ પણ પેઢીને દોષ આપવાનો નથી કે કોઈને સુધારવા માટેનો કાર્યક્રમ હાથમાં લેવાનો પણ નથી. પરંતુ એક સંવેદનશીલ દર્પણ સૌ કોઈની સામે મુકવાનો છે. જેમાં સૌ કોઈ પોતાનું પ્રતિબિંબ નિહાળી શકે. પોતાના પરિવાર અને જીવનશૈલીને સમજી શકે. કોઈપણ માતા-પિતા માટે બાળકોનો ઉછેર, પાલન અને પોષણ જેટલું જરૂરી છે તેટલું જ વૃદ્ધ માતા-પિતાની સેવા કરવી, એમને સન્માન આપવું અને તેમની સાથે થોડો સમય ગાળવો એ પણ જીવનનું એક કર્તવ્ય છે. જ્યારે આ બન્ને વચ્ચે સંતુલન જળવાય છે ત્યારે પરિવાર સંપૂર્ણ બને છે અને બાળકોનો ઉછેર તંદુરસ્ત રીતે થઈ શકે છે.
ઘરમાં બાળકોનો જન્મ થતાવેત પ્રત્યેક માતા-પિતાના હૃદયમાં એક આગવું અને આશ્ચર્યજનક પરિવર્તન થાય છે. બાળકના એક સ્મિત માટે માતા-પિતા કલાકો મહેનત કરે છે. અડધી રાત્રે ઉઠીને પણ એના બાળોતિયા બદલાવે છે, સ્તનપાન કરાવે છે અને તમામ પ્રકારની સંભાળ રાખે છે. આ માટે પોતાના એશોઆરામનો પણ ત્યાગ કરે છે. સંતાનોનાં ભવિષ્ય માટે પોતાના સપનાઓને કચડી નાંખીને પણ પૈસા બચાવે છે અને બાળકને આગળ વધારવા માટે પોતાનું આખુ આયખું ઘસી નાખે છે. આ બધું યોગ્ય અને સ્વીકાર્ય છે. બાળક માટે જીવવું, તેને શ્રેષ્ઠતમ ભવિષ્ય આપવું, તેનામાં શિક્ષણ, જીવન કૌશલ્યો અને સંસ્કારનું સિંચન કરવું અને એક સારા માણસ તરીકેનું ઘડતર કરવું એ પ્રત્યેક માતા-પિતાની ફરજ છે. પરંતુ અહીં એક વાત યાદ રાખવી જરૂરી છે કે આ બધું જ તેઓ જ્યારે બાળક હતાં ત્યારે તેમના માટે કરવામાં આવ્યું હતું. એટલે જ પોતાના સંતાનોને લાડ લડાવતા આપણે આપણા માતા-પિતાની ઉપેક્ષા તો નથી કરી રહ્યા કે એમને ભૂલી તો નથી રહ્યા એ વાતનો વિચાર એક વાર કરવો જરૂરી છે. જ્યારે તમારા માતા-પિતા વૃદ્ધાવસ્થા તરફ જઈ રહ્યા હોય છે ત્યારે એમની અપેક્ષાઓ અને જરૂરિયાતો બદલાઈ જાય છે. બાળપણમાં જેમ બાળકને પ્રેમ, સુરક્ષા, સલામતી, સાથ, સહકાર અને સ્પર્શ જોઈએ, એ બધી વસ્તુઓ વડીલો- વૃદ્ધોને પણ જોઈતી હોય છે.
વૃદ્ધાવસ્થા એ માત્ર શારીરિક નહીં પણ ભાવનાત્મક ફેરફારોનો પણ સમય છે. આ અવસ્થામાં શરીર નબળું પડે છે. શક્તિ ઘટે છે. વિવિધ અંગો ઘસાય છે અને મન સંવેદનશીલ બને છે. જીવનનાં આ નાજુક તબક્કે તેમને લાગણીઓનો સહારો પણ વધારે પ્રમાણમાં જોઈએ છે. તેમને જરૂરીયાત મુજબ દવાઓ અને ભોજન પૂરું પાડો એટલું પૂરતું નથી. જીવનની આ અવસ્થામાં પ્રિયજનોની હાજરી, હાસ્યમજાક, બેચાર ધડીની વાતચીત, કહેવું હોય તે સંભાળનાર કાન અને સમજણવાળું હૃદય હોય એ પણ જરૂરી છે. પરંતુ અત્યારના જમાનામાં મોટાભાગે એવું જોવા મળે છે કે ઘરમાં નાના બાળકોની સંભાળમાં એટલું બધું ધ્યાન, સમય અને ઉર્જા વપરાય જાય છે કે વૃદ્ધ માતા-પિતા માટે સમય રહેતો નથી. તેઓ હકીકતમાં આપણા ઘરમાં આપણી વચ્ચેજ જીવે છે પરંતુ ઘરના જીવનમાં- કો લીવીંગમાં તેઓ ક્યાંય હોતા નથી.
ઘણીવાર તેઓ ખુરશી કે સોફા ઉપર આખો સમય બેઠા રહે છે. ટી.વી. જોતા રહે છે કે પછી મોબાઈલ મચડયા કરે છે. ક્યારેય આલ્બમનાં એકાદ ફોટાની યાદોમાં તેઓ ખોવાય જાય છે. તેમની પણ ઇચ્છા બાળકો સાથે રમવાની હોય છે. વાર્તાઓ કહેવાની હોય છે પરંતુ સમય કોણ આપે ? બાળકો એમેઝોન, નેટફલીક્ષ વગેરે મિડિયા પર પો પ્રેટ્રોલ, પેપાપીગ, નીન્જા ગો, ટોમ એન્ડ જેરી જેવી બાળ સિરિયલો જોવામાં મશગુલ હોય છે અથવા તો તેમના અભ્યાસ અને વિવિધ કલાસો જેવા કે સ્વિમિંગ, મ્યુઝિક, આર્ટ, કરાટે, ટેનીસ, સ્કેટિંગ વગેરેમાં વ્યસ્ત હોય છે. જ્યારે એમના માતા-પિતા અને દાદા-દાદીનાં સંતાનો નોકરી, ધંધો, સામાજિક જવાબદારી, બાળકોનું શિક્ષણ, ટયુશન, કલાસીસ વગેરેમાં વ્યસ્ત હોય છે અને આ વ્યસ્તતામાં પ્રાથમિકતાઓ બદલાઈ જાય છે. વડીલો પ્રત્યેનાં પ્રેમની સરવાણી સૂકાઈ અને ઔપચારિકતા બની જાય છે અને અસલી પ્રશ્ન એ ઉભો થાય છે કે વડીલો એમનું એમની મેળે કેમ ફોડી લેતા નથી ? અમારે સમય જ ક્યાં છે ? અહીં સવાલ સમયનો નહીં પણ પ્રાથમિકતાઓનો હોય છે. જો લોંગ વીકએન્ડમાં વિવિધ પ્રવાસો યોજી શકાય, મોબાઈલમાં મોઢું નાંખી સોશિયલ મીડિયા પર વ્યસ્ત રહી શકાય, વિવિધ પાર્ટી અને સમારંભોમાં જઈ શકાય તો માત્ર ૧૦-૧૫ મીનીટ માતા-પિતા માટે કેમ નહીં. વડીલોને માત્ર સમય જોઈએ છે. આ સમયનો અર્થ લાંબો એવો નથી. તેમને થોડો પણ પ્રેમભર્યો હોય એવો કિમતી સમય, એકાદી અને પ્રેમભરેલી નજર માત્ર જોઈએ છે.
જનરેશન આલ્ફાનાં માતા-પિતાને એટલું જ કહેવાનું કે તમે જ્યારે નાના હતાં ત્યારે એવું કોઈએ
ક્યારેય નહોતું કહ્યું કે 'હવે હું થાકી ગયો છું.' તારી સાથે વાત કરી શકું તેમ નથી. તારી સાથે વાત કરવાનો સમય નથી. રડીને સૂઈ જા. તમારા માતા પિતાઓએ પોતાનું સર્વસ્વ છોડીને તમારામાં જીવન ખર્ચી નાખ્યું. તો શું વૃદ્ધાવસ્થામાં તેમને એજ પ્રેમ, એ જ સમય કે એજ સન્માન આપવું તમારું પવિત્ર કર્તવ્ય નથી ?
વૃદ્ધ માતા-પિતાની અવગણના એ બદલાતા જમાનાનાં પરિવર્તનનું પરિણામ માનવાની ભૂલ કરવા જેવી નથી. કારણ વડીલો માટે આ એક માનસિક આઘાત સમાન છે. માણસ જ્યારે વૃદ્ધ થાય છે ત્યારે તેની લાગણીઓ વધારે નાજુક બની જાય છે. બાળકોનું એક વાક્ય, એક ઉદાસીનતા, વાત ન કરવાની ચેષ્ટા તેમના હૃદયનાં ટુકડે ટુકડા કરવા માટે પૂરતી હોય છે. તેવો બહારથી ગમે તેટલા મજબૂત દેખાય તો પણ મનમાંને મનમાં તૂટતા જાય છે. બાળપણમાં જેમ બાળક વાતાવાતમાં પડી પડ છે એમ વૃદ્ધાવસ્થામાં પણ માતા-પિતાનું અંતર રડતું રહે છે. ફરક બસ એટલો જ હોય છે કે બાળકો રડતા દેખાય છે જ્યારે વૃદ્ધો રડતા ભાગ્યે જ દેખાય છે.
વૃદ્ધાવસ્થામાં અવગણના મળવાથી વડીલોમાં અપમાન, એકલતા, નિરર્થકતા, હતાશા, ડીપ્રેશન અને જીવવાની ઇચ્છા મરી પરવારમાં જેવા માનસિક પરિણામો જોવા મળે છે. તેઓ મનમાં વિચારે છે કે 'જેમના માટે મેં સર્વસ્વ આપ્યું, આજે હું તેમને માટે સાવ અજાણ્યો બની ગયો ?' આ વેદના શબ્દોમાં સમજાવવી મુશ્કેલ છે. વડીલોની આ અવગણનાનો બીજો મોટો ખતરો છે. જનરેશન આલ્ફાનાં બાળકો પર થતો પ્રભાવ. યાદ રાખો, બાળકો જે જુએ છે તે જ શીખે છે. જે બાળકો પોતાના માતા-પિતાને વૃદ્ધો માટે ઉદાસીનતા અને અવગણના દાખવતા જુએ છે તો એજ વર્તનને તેઓ સામાન્ય માનવા લાગે છે. પરિણામે આ બાળકો જ્યારે મોટા થશે ત્યારે તેઓ એ જ વર્તન, વલણ અને હાવભાવ પોતાના માતા-પિતા સામે પ્રદર્શિત કરશે. મનોવિજ્ઞાનની ભાષામાં આને 'જનરેશન સાયકલ ઓફ નીગલેક્ટ' કહેવાય છે. જનરેશ આલ્ફાનાં માતા-પિતા એટલું ચોક્કસ યાદ રાખો કે બાળકોને વારસામાં પૈસા અને મિલકત નહીં પણ મૂલ્યસભર વર્તન અને સંસ્કાર મળે છે.
આપણા સંસ્કાર આપણો સૌથી મોટો વારસો છે. ગાડી, બંગલા, સોનુ, પૈસા વિવાદ ઉભો કરે છે પરંતુ સંસ્કાર પેઢી દરપેઢીને જોડીને રાખે છે. વૃદ્ધોનું સન્માન શીખવાડવાથી બાળકોમાં કૃતજ્ઞાતા, આદર, જવાબદારી, સંવેદના અને નૈતિકતાની જડ મજબૂત થાય છે. હવે સૌથી અગત્યનો પ્રશ્ન છે કે આજનાં માં-બાપોએ સંતાનો અને વડીલો વચ્ચે સંતુલન કેવી રીતે જાળવવું ? ઉત્તર સરળ છે. પ્રેમ બધાને વહેંચો. સમયને અનુરૂપ તમારી પ્રાથમિકતા નક્કી કરો. બાળકોને પ્રેમ અને સુવિધાઓ આપો. જીવનસાથીને પણ સાથ અને સહકાર આપો તથા માતા-પિતાને સન્માન આપો. આ બધું શક્ય છે. માત્ર બાળકોને જ પરફેક્ટ બનાવવા દોડતા રહેશો તો વડીલો સાથેનાં સંબંધોમાં ખાલીપણું ચોક્કસ આવશે. યાદ રાખો, બાળકોને સુવિધા કરતાં પણ સંસ્કાર વધારે જરૂરી છે. સુવિધા તેમને ઉંચે ઉડાડે છે પરંતુ સંસ્કાર તેમને મૂળ સાથે બાંધે છે. એક જ ઘરમાં ત્રણ પેઢીઓ જ્યારે સહજીવન ગાળતી હોય ત્યારે રોજબરોજનાં જીવનમાં નાના-મોટા પરિવર્તન મોટો ફરક પાડી શકે છે. દૈનિક જીવનમાં અપનાવા જેવી કેટલીક સરળ રીતો નીચે મુજબ હોઈ શકે છે.
- રોજ ૧૦-૧૫ મિનીટ ઘરના વડીલો માટે રાખો.
- અઠવાડિયામાં એકવાર સાથે ભોજન લો.
- દાદા-દાદી અને બાળકો વચ્ચે ઇન્ટરેક્શન વધારો.
- બાળકની સ્કૂલ તથા કલાસીસ વિષે તેમની સાથે ચર્ચા કરો અને તેના નિર્ણયોમાં પણ દાદા-દાદીને સામેલ કરો.
- તમારા અન્ય મિત્રો આગળ તેમને સન્માનપૂર્વક રજુ કરો
- તહેવાર અને જન્મદિવસની ઉજવણીમાં તેમને સામેલ કરો
બાળકોને તમે શું આપો છો એનાથી વધારે મહત્ત્વનું એ છે કે તમે એમને શું શીખવો છો. જો તમે એમ ઇચ્છો છો કે કાલે તમારા બાળકો તમને સન્માન આપે તો આજે તમારા માતા-પિતાને તમે સન્માન આપો.