15/03/2026
.....હમણાં, બેસવાનું જ કામ કરનાર એક ભાઈ મળ્યા: "મારું પેટ વધી ગયું છે, કોઈક દવા આપો ને..!". "તમે, રાત્રે જમીને તરત, ધીમે ધીમે 20 થી 30 મિનિટ ચાલો ને..!" "ના. રાત્રે 10 વાગ્યે જમ્યા પછી તો થોડો સમય ફેમિલી સાથે બેસીએ ને." "પણ ભાઈ, તમારા ખૂબ વધેલાં પેટ અને હૃદય વચ્ચે પરાણે બે ઇંચ પણ વધતા નથી. આમાં જો હાર્ટએટેક આવે તો તમે ફેમિલી સાથે રહેશો જ નહીં..! એટલે, રાત્રે જમીને ધીમે ધીમે ચાલવાની કસરત એ આ ફેમિલી સાથે વર્ષો સુધી રહી શકો એ માટે જ કરવાની છે."
અત્યારે જો હું ઇચ્છું તો, તમને એક પાવડર આપી શકું છું. એ પાવડર લીધા પછી પેટ હળવું થઈ જાય છે અને ચાલવાની તકલીફ પણ ઘટી જાય છે. કારણકે, એનાંથી ગેસ, એસિડનું હૃદય પરનું પ્રેશર ઘટે. પણ, જો હું અત્યારે આ પાવડર આપું તો તમારી અંદર કોઈ જ સુધારો નહીં આવે. કારણકે, આમાં તમે શું કર્યું?
દોસ્તો, ઉપર જે લખ્યું એ હમણાં બે કલાક પહેલાંની જ સત્ય ઘટના છે. મારી કેબિનમાં દર્દી તરીકે જ્યારે કોઈ આવે ત્યારે મારો વધુ ભાર તો દર્દીનું પેટ સરળ મહેનતથી કઈ રીતે ઉતરે એની ઉપર હોય છે. અને સાથે, ઔષધનાં થોડાક ટેકા આપવામાં આવે છે. જે સમજદાર લોકો છે એ ઝડપથી સાજા થઈ જાય છે, એમનું પેટ ઓછું થાય છે અને અમુક મહિનાઓ પછી તો એમને કોઈ ઔષધની નિયમિત જરૂર રહેતી નથી.
હવેનું આ છેલ્લું લખાણ ગંભીરતાથી વાંચજો. "હૃદયની નળીઓ બ્લોક હોય, ખૂબ વજનને કારણે હૃદયને તકલીફ પડતી હોય, વધુ પડતું ટેન્શન હોય અને હાર્ટએટેક આવે તો એ સમજી શકાય છે. પરંતુ, દર્દી પોતાનાં શરીર-મન માટે કોઈ જ વ્યાયામ, હલનચલન કરવા તૈયાર ન હોય, ખાવાપીવામાં એણે સાચવવું ન હોય તો, પછી જે આવે છે એને હાર્ટએટેક ન કહેવાય. પણ, દર્દીએ જાતે જ હૃદય પર કરેલો હુમલો એટલે કે, "એટેક ઓન હાર્ટ " કહેવાય. બેદરકારી અને આળસને કારણે જે બીમારી આવે છે એને માટે વ્યક્તિ પોતે જ જવાબદાર હોય છે. આભાર, મુકેશ પટેલ, 9913230263 7874744676, નિહાર આરોગ્ય મંદિર, અમદાવાદ.