
17/07/2025
*રસ્તાનું સ્પીડ બ્રેકર તમને કેટલું નુકસાન કરે છે? આદર્શ સ્પીડ બ્રેકર કેવા હોવા જોઈએ?*
https://t.me/DrNehalVaidya/434
જ્યારે પણ નવા રસ્તા બને ત્યારે સ્પીડબ્રેકરો ગાયબ થાય છે અને ફરી પાછા બિલાડીના ટોપની માફક ફૂટી નીકળે છે. આપણી આસપાસ નજર કરીએ છીએ તો લાગે છે કે સ્પીડબ્રેકર્સ બનાવવા માટે કોઈ ધારા-ધોરણો તો છે પણ સ્પીડબ્રેકર્સ બનાવનારા તેનું પાલન કરતા નથી.
*તમેય સાહેબ, આ હેલ્થનું લખવાને બદલે વળી જાહેર બાંધકામના વિષયમાં ક્યાં માથું મારવા લાગ્યા ?*
આપણી સામાન્ય સમજ એવી છે કે જાહેર બાંધકામના વિષયને જાહેર સ્વાસ્થ્યના વિષય સાથે કોઈ નિસબત નથી. - જો કે હકીકત કંઈક બીજી જ છે.
રોડ રસ્તાની હાલત અને સ્પીડબ્રેકરની બાંધણીની અસર જાહેર સ્વાસ્થ્ય પર પડે જ છે.
*એમ ? તમેય શું વળી! કોઈ મોટો ખાડો હોય તો થોડું પડી જવાય. કોઈ ખરાબ આકારનું સ્પીડબ્રેકર આવે તો થોડી કમર દુઃખી જાય. બીજું તો વળી શું થવાનું હતું ?*
એક યુવાન વ્યક્તિને કદાચ ઉબડ-ખાબડ રસ્તા અને ખરાબ આકારના સ્પીડબ્રેકરથી કદાચ ખાસ નુકસાન ન થાય પણ નાના બાળકો, સગર્ભા માતા અને વડીલોને ઘણું નુકસાન થઈ શકે છે.
અને હા, યુવાનોને પણ યુવા વયમાં લાગતા સ્પીડબ્રેકર્સના ઝાટકાની અસર વર્તાતી નથી પણ જ્યારે પણ તેમની ઉંમર વધે છે ત્યારે તેમના શરીર પર પણ આવા ઝાટકાઓની અસર વર્તાય છે.
*ઓહો, આ વાતનો તો ક્યારેય વિચાર જ નહોતો આવ્યો! અચ્છા ડોક્ટર, સામાન્ય રીતે સ્પીડબ્રેકરના ઝાટકા ખાવાથી શું નુકસાન થઈ શકે છે?*
નુકસાન ટૂંકા ગાળે અને લાંબા ગાળે એમ બન્ને રીતે થાય છે.
ટૂંકા ગાળાની અસરમાં જો કોઈ સૌથી સામાન્ય અસર હોય તો તે છે પીઠ અને ગરદનમાં દુઃખાવો. આવું ખાસ ત્યારે થાય છે જ્યારે અચાનક જ જોરથી ઉછળીને પડવાનું બને છે.
*હા. ડોક્ટર, સામાન્ય રીતે આપણા રસ્તાઓ પર સ્પીડબ્રેકર્સ રંગેલા હોતા નથી. વળી, ચેતવણીનું પાટિયું પણ લાગેલું હોતું નથી એટલે ચાલક જો ઝડપથી વાહન ચલાવતો હોય તો તેણે અચાનક જ સ્પીડબ્રેકરનો સામનો કરવો પડે છે. આવે વખતે ચાલક અને બીજા સહપ્રવાસીઓ ઉછળીને પટકાય છે. આવું થાય ત્યારે શું બને છે?*
જો ઉછાળ સામાન્ય હોય તો મુશ્કેલી થતી નથી પણ જો ઉછાળ વધારે હોય તો ગળાના સ્નાયુઓ, હાડકાં અને લિગામેન્ટ પર ઈજા થાય છે. આને “વ્હિપલેસ ઈન્જરી” કહેવાય છે.
આવી ઈજા બાદ ગરદન અને માથાના પાછળના ભાગે
સખત દુઃખાવો થાય છે. દર્દીને દિવસો સુધી માથાને ટેકો આપતો ગળાનો કોલર પહેરવો પડે છે.
દુઃખાવાની દવાઓ અને ફિઝિયોથેરાપી પણ કરવી પડે છે. આવી તકલીફ મટતા વાર કરે છે.
*આ તો બહુ તકલીફવાળું કહેવાય. આ સિવાય ટૂંકા ગાળે શું તકલીફ થઈ શકે ?*
-જેમ ગરદનના સ્નાયુ અને હાડકાં પર ઈજા થાય છે તેવી જ રીતે કમરના સ્નાયુ અને કરોડરજ્જુના હાડકાંને પણ નુકસાન થઈ શકે છે. આ કારણે કમરની નીચેના ભાગે દુઃખાવો થઈ શકે છે.
અચાનક ઉછળતા-પટકાતા હીપ જોઈન્ટ અને ઘૂંટણના સાંધા પર પણ દબાણ ખેંચાણ આવે છે એટલે ત્યાં પણ ઈજાની શક્યતાઓ રહેલી છે.
આ ઉપરાંત પ્રવાસમાં ઝાટકા લાગવાને કારણે ખૂબ થાક અનુભવાય છે.
બાઈક અને સ્કૂટર જેવા વાહનો અચાનક આવી જતા સ્પીડબ્રેકરને કારણે કાબૂ ગુમાવીને અકસ્માત નોતરી શકે છે. જેમાં જીવ પણ જઈ શકે છે.
*અને લાંબાગાળે શું નુકસાન થાય ?*
લાંબાગાળે એક તો કરોડરજ્જુની ગાદીને નુકસાન થાય છે. આ કારણે ડિસ્ક પ્રોલેપ્સ એટલે કે ગાદીનું ખસી જવું કે ડિસ્ક હર્નીએશન જેવી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે.
બીજું, આપણા સાંધાઓને વારે-વારે ઝાટકા લાગવાથી લાંબે ગાળે તેની કાસ્થિઓ એટલે કે કાર્ટીલેજ ઘસાઈ જાય છે. આ કારણે સંધિવા થઈ શકે છે.
આ ઉપરાંત લાંબાગાળે ઝાટકાઓને કારણે માથાનો દુઃખાવો અને ઉઠતા બેસતા ચક્કર આવવાની સમસ્યા પણ થઈ શકે છે.
*માર્યા ઠાર ! આવી તો અમને ખબર જ નહોતી. અચ્છા ડોક્ટર, બાળકો, સગર્ભા માતા અને વડીલોને શું નુકસાન થાય છે?*
- બાળકોના હાડકાં નાજૂક હોય છે અને સામાન્ય ઉછાળ પણ તેમના માટે જીવલેણ બની શકે છે.
- ખાસ તો આજકાલ બાઈક પર પરિવાર સહિત નીકળવાનું ચલણ વધ્યું છે. ઘણા પરિવારો બાઈક પર એક ગામથી બીજે ગામ પણ જતા હોય છે. બાળકો માટે આવો પ્રવાસ ખૂબ જોખમી બની શકે છે.
- સગર્ભા માતાઓને તો ખૂબ કાળજી રાખવાની જરૂર છે. પ્રથમ ત્રણ માસ અને છેલ્લા ત્રણ માસ દરમ્યાન તો તેમણે કોઈ જ પ્રવાસ કરવો જોઈએ નહીં. અણઘડ સ્પીડબ્રેકરને કારણે તેમને એબોર્શન થઈ શકે છે. ક્યારેક ગર્ભાશયની દિવાલ પર ચોંટેલો પ્લેસેંટા ઈજા પામી શકે છે. આથી તેમને લોહી નીકળી શકે છે અને પેટમાં રહેલા બાળકોનો જીવ જોખમમાં આવી શકે છે. આ ઉપરાંત ઝાટકાને કારણે પ્રીમેચ્યોર ડિલિવરી પણ થઈ શકે છે.
- વડીલોનાં હાડકાં મજબૂત હોતાં નથી એટલે સામાન્ય ઝાટકામાં પણ તેમને ફ્રેક્ચર થઈ શકે છે. સાચું પૂછો તો ટુ-વ્હીલર અને રિક્ષામાં પ્રવાસ કરી રહેલા વડીલો માટે અણઘડ આકારના સ્પીડબ્રેકર શાપરૂપ છે.
*ડોક્ટર, તમારી વાત વાંચ્યા પછી તે એવું લાગે કે સ્પીડબ્રેકર્સ જ કાઢી નાખવા જોઈએ. ન હોય વાંસ અને ન વાગે વાંસળી ! કેમ, બરાબર ને ?*
ના. આ વાત બરાબર નથી. જો સ્પીડબ્રેકર જ ન હોય તો રોજ અનેક રાહદારીઓના જીવ, વિદ્યાર્થીઓના જીવન જોખમમાં મૂકાય.
- એ વાત બરાબર સમજો કે સાચી સમસ્યા સ્પીડબ્રેકર્સ નથી. સાચી સમસ્યા તો સ્પીડબ્રેકર્સ અને રસ્તો બનાવવાની રીત છે.
*તો શું તમે એમ કહેવા માંગો છો કે જે ઈજનેરે રસ્તા બનાવે છે અને જે લોકશાહીની સંસ્થાઓ તેમને કામ સોંપે છે. તેમને યોગ્ય રીતે રસ્તા અને સ્પીડબ્રેકર બનાવતા નથી આવડતા એમ ?*
બિલકુલ. આપણા શહેરો અને ગામડાઓમાં આપણે જે રસ્તાઓ ભોગવી રહ્યા છીએ તે ખૂબ જ પ્રાથમિક કક્ષાના છે.
કહો કે જૂના જમાનાની ગાડાવાટથી બે ડગલાં જ આગળના છે.
*એમ ? તો ખરેખર શું થવું જોઈએ ?*
- યોગ્ય રીતે રસ્તા અને સ્પીડબ્રેકર્સનું નિર્માણ થવું જોઈએ. જે દેશોમાં રસ્તા અને સ્પીડબ્રેકર્સ યોગ્ય રીતે બનાવેલા હોય ત્યાં વાહનચાલકો અને રાહદારીઓ એમ બંનેને ફાયદો મળે છે.
આપણે ત્યાં જ્યારે રસ્તાની વાત આવે ત્યારે રાજકીય પક્ષો પેરિસ જેવા રસ્તા બનાવી દઈશું કે યુરોપિયન સ્ટાન્ડર્ડના રસ્તા બનાવી દઈશું તેવું કહેતા હોય છે.
*તો શું આવા સ્ટાન્ડર્ડ વિદેશમાં જ બનાવવામાં આવ્યા છે? ભારત દેશનું પોતાનું રોડ રસ્તાની યોગ્ય બનાવટ માટે કોઈ સ્ટાન્ડર્ડ છે ખરું ?*
બિલકુલ છે. ભારતના રોડ રસ્તા અને સ્પીડબ્રેકર્સને નીતિનિયમો જે સંસ્થા બનાવે છે તેનું નામ છે : ઇન્ડીયન રોડ કોંગ્રેસ
આ સંસ્થા ભારતના રસ્તા અને સ્પીડ બ્રેકર્સ કેવા હોવા જોઈએ. તેની ગાઈડલાઈન બહાર પાડે છે.
*અચ્છા ? અહીં જ્યુબિલી ગ્રાઉન્ડ પાસે વીસ ફુટના અંતરે બે સ્પીડ બ્રેકર લગાયેલા છે એને કોર્ટ પાસેના ઢાળ પર તો ચાર-પાંચ ત્રીસ-ત્રીસ મીટરન અંતરે મૂકી દીધેલા છે તો ઈન્ડિયન રોડ કોંગ્રેસની ગાઈડલાઈન મુજબ બે સ્પીડ બ્રેકર વચ્ચે ઓછામાં ઓછું કેટલું અંતર રાખવું જોઈએ ?*
- આઈઆરસીની ગાઈડલાઈન મુજબ બે સ્પીડબ્રેકર વચ્ચે ઓછામાં ઓછું ૧૦૦ મીટરનું અંતર હોવું જોઈએ.
- શાળાઓ અને હોસ્પિટલો હોય તો આ નિયમમાં જરૂર મુજબ છૂટ લઈ શકાય છે.
*લ્યો કરો વાત. અહીં તો ક્યાંય આવી ગાઈડલાઈનનું પાલન થતું હોય તેવું લાગતું નથી. ગમે તે અંતરે ગમે તેવા સ્પીડબ્રેકર ઊભા કરી દેવાય છે. અચ્છા ડોક્ટર, ઈન્ડિયન રોડ કોંગ્રેસ મુજબ એક આદર્શ સ્પીડબ્રેકર કેવું હોવું જોઈએ ?*
સરસ સવાલ. સામાન્ય રીતે નગરપાલિકા વિસ્તારમાં વપરાતા સ્પીડબ્રેકર રાઉન્ડેડ હંપ (Rounded Hump) પ્રકારના હોય છે. તેમની વચ્ચેના ભાગની ઉંચાઈ મૂળ રસ્તાથી ૧૦ સે.મી. હોય છે અને પહોળાઈ ૩.૭ મીટર રાખવામાં આવે છે.
આવા સ્પીડબ્રેકર પરથી ૨૫ કિ.મી./કલાકની ઝડપે જો ગાડી કે સ્કૂટર ચલાવવામાં આવે તો ચાલક અને સહપ્રવાસીઓને કોઈ જ નુકસાન થતું નથી.
*સ્પીડબ્રેકર તો આદર્શ બની જાય પણ ચાલકને ખબર કેમ પડે કે રસ્તામાં આગળ સ્પીડબ્રેકર છે? તેની કોઈ આઈ.આર.સી.ની ગાઈડલાઈન છે ?*
ચોક્કસ છે. સ્પીડબ્રેકર બન્યાથી ૪૦ મીટર દૂર ચેતવણી આપતું બોર્ડ મૂકાવું જોઈએ.
આ ઉપરાંત ચાલકને રોડ પર દૂરથી જ સ્પીડબ્રેકર દેખાઈ જાય તે માટે તેના પર સફેદ પટ્ટા કરવા ફરજિયાત છે.
*શું સ્પીડબ્રેકર ગમે ત્યાં ગમે તે લોકો બનાવી શકે ?*
- બિલકુલ નહીં. આઈ.આર.સી.ની ગાઈડલાઈન મુજબ સ્પીડબ્રેકર્સ માત્ર યોગ્ય સત્તાવાળા બનાવી શકે અને એ પણ યોગ્ય ધારાધોરણો મુજબ જ બનાવી શકે. સત્તાવાળા પણ પોતાની મરજીથી ગમે ત્યાં સ્પીડબ્રેકર બનાવી શક્તા નથી.
*આઈ.આર.સી. મુજબ ક્યાં-ક્યાં સ્પીડબ્રેકર બનાવવાની મંજૂરી છે?*
–
(૧)નાના રસ્તાઓ પર જ્યાં તેઓ મોટા રસ્તાને મળતા હોય
(૨) શાળા-કોલેજો, હોસ્પિટલો અને આંગણવાડી કેન્દ્રો પાસે બાળકો અને દર્દીઓની સુરક્ષા માટે
(૩) દરેક રેલવે ક્રોસિંગ પહેલાં
(૪) ગ્રામિણ રસ્તાઓ હાઈવેને મળતા હોય ત્યાં
(૫) અકસ્માત સંભવિત વિસ્તારમાં.
*તો શું આ સિવાય સ્પીડબ્રેકર પાલિકા વાળા કે પંચાયતવાળા પણ ન બનાવી શકે એમ ?*
હા, ગુજરાત હાઈકોર્ટ સ્પીડબ્રેકર્સ બનાવવાના નિયમોનું સખત પાલન કરવા સૂચના આપેલી છે. ગેરકાયદેસર અને ર્નિયમોનું પાલન કર્યા વગર બનાવેલા સ્પીડબ્રેકર્સને દૂર કરવાના આદેશ પણ થયેલા છે.
*અચ્છા, શું કોઈ એવા રોડ હોય જ્યાં સ્પીડબ્રેકર બનાવવાની મનાઈ હોય?*
હા, નેશનલ હાઈવે, એક્સપ્રેસ-વે જેવા રસ્તાઓ પર સ્પીડબ્રેકર્સ બનાવવાની મનાઈ છે. એટલે જ તેમને મળતા રસ્તાઓ પર યોગ્ય અંતરે સ્પીડબ્રેકર્સ મૂકવાની ભલામણ કરવામાં આવી છે.
*વિદેશોમાં રસ્તાઓ પર સરસ સાઈનબોર્ડ હોય છે, સૂચનાઓ હોય છે, નિશાનીઓ અને ચિહ્નો હોય છે. રસ્તા પર પણ સરસ પટ્ટાઓ દોરેલા હોય છે. આપણે ત્યાં આવું કેમ નથી ?*
– કેમ નથી એ તો બનાવનારા જ કહી શકે પણ રસ્તાઓ યોગ્ય રીતે વપરાય અને ઓછા અકસ્માત થાય તે માટે તેમને રંગવા, સૂચનાઓ મૂકવી, સફેદ પટ્ટાઓ કરવા વગેરે ખૂબ જરૂરી છે.
🌸🌸🌸