24/01/2018
'પદ્માવત' રિલીઝ થાય કે નહીં, આપણી હેવાનિયત અને અણસમજ તો રિલીઝ થઈ જ ગઈ! મોલ પાસે જેમના બાઈક સળગાવવામાં આવ્યા, એમને ઇન્સ્યોરન્સના અડધા પૈસા પણ નહીં મળે. નવું બાઈક લેવાના પૈસા હશે કે નહીં કોને ખબર? એ નોકરીએ કેવી રીતે જશે? સંતાનોને ફરવા લઈ જઈ શકશે? સ્કૂલે મૂકવા જઈ શકશે? એમના પરિવારને અને બાળકોને તકલીફ આપવાનો આપણને શું અધિકાર છે?
સરકારી બસ સળગાવીને શું મળે? સરકારી બસ કંઈ સંજય લીલા ભણશાળીના પૈસામાંથી લેવામાં નથી આવી, એ તો આપણે જ ચુકવેલા ટેક્સિસમાંથી આપણી જ સગવડ માટે રસ્તા પર મૂકાયેલી ચીજ છે...
સૌથી મહત્ત્વની વાત, ફિલ્મ રિલીઝ નથી થવા દેવી, ન થવા દો! એ અધિકાર છે તમારો...
પરંતુ ગાંધીજીએ જેમ દારુના પીઠાની બહાર પીકેટિંગની વ્યવસ્થા ગોઠવી હતી એમ દિવસ આખો બગાડવાની તૈયારી છે કોઈની? ઊભા રહો એ દરેક મોલ, થિયેટરની બહાર... ટિકિટ લેવા આવનાર દરેકને સમજાવીને પાછા કાઢો. એ આપણી પરંપરા છે, ઇતિહાસ છે, વારસો છે. એને ભૂલી ગયા છીએ. આઠસો વર્ષ પહેલાં જન્મેલી કોઈ સ્ત્રીની ઇજ્જત, મર્યાદા માટે મોલમાં કેટલી સ્ત્રીઓને ડરાવી?
રોજ જેમના અપમાન થાય છે એવી અનેક સ્ત્રીઓ, દીકરીઓની ઇજ્જત, આબરુ કે મર્યાદા બચાવવા કેમ કોઈ 'સેના' આગળ નથી આવતી?
શું આપણે બધા ભાંગફોડિયા બની ગયા છીએ? આપણને માત્ર ડિસ્ટ્રક્શન અને વિનાશ જ સૂઝે છે?
એક માસ્ટરપીસ ફિલ્મ રિલીઝ થાય તો સારું, ન થાય તો નુકસાન માત્ર એના નિર્માતાને છે...
આપણે આપણું પોતાનું નુકસાન કરી રહ્યા છીએ એવી પણ સમજ નથી બચી?
જાગો!
તોડફોડનો, ભાંગફોડનો, બિનજરુરી જ્ઞાતિવાદ કે જાતિવાદનો વિરોધ કરો.
જો આજે નહીં અટકાવીએ તો આવતીકાલે મોલને બદલે માણસને પણ આમ જ સળગાવશે, આ તોફાની તત્ત્વો, નહીં બચીએ...