31/05/2024
તમાકુ ની વાત….
…………………ડો. શ્રીરામ સોની.
આજે “વિશ્વ તમાકુ મુક્તિ દિવસ, “વિશ્વ ને તમાકુ મુક્ત કરવાનો દિવસ. વિશ્વમાં ધુમ્રપાન બધાજ દેશોમા થાય છે પણ આપણા દેશમા ધુમ્રપાન , બીડી સિગરેટ નુ તો થાય જ છે પણ એ સિવાય વિવિધ સ્વરુપે તમાકુ સેવન થાય છે. ખાસ કરીને ગુટકા ને મસાલા રુપે. વિશ્વમા ગુજરાત માં સહુથી વધુ માોંના કેન્સર આ તમાકુ ચાવવાથી થાય છે. ખૂબ મોટુ ગુજરાત નુ યુવાધન , આ વ્યસન મા ફસાયેલુ છે. ગામડામા શ્રમજીવી વર્ગ મા પુરુષ અને સ્ત્રીઓ પણ મસાલા ગુટકા ખાતી હોય છે પણ ભણેલા યુવાનો અને ડાકટરો ને પણ ગુટકા ખાતા જોઈ નવાઈ લાગે છે. સાવર કુંડલા ની હોસ્પિટલ માં અમે કામ કરતા ,ત્યાં આવતા દર્દીઓ માં ૧૦ માંથી ૮ યુવાનો ના મોં મા મસાલા ભર્યા હોય.આ વ્યસન, ખૂબ સમજાવાથી પણ છુટતુ નથી . ગામડાના મેડીકલ કેમ્પે માં અમે તમાકુ વ્યસન અને મોંના કેન્સર પછી ના ભયંકર દેખાતા દેખાવ ના ફોટાનુ પ્રદશન રાખતા હોઇએ છીએ . લોકો તમાકુ ખાતા ખાતા ફોટા જુએ પણ છોડવાનુ નામ નહી. મારો અનૂભવ છે કે ડોકટર ના ગમે તેટલુ સમજાવાથી પણ વ્યસની , વ્યસન છોડતા નથી પણ કોઈ સંત છોડાવે તો તે થઈ શકે છે. એક ગામડામાં અમારો મેડીકલ કેમ્પ હતો. બહાર નાનાં બે છોકરા રમતા હતાં.ને એમના મોંમાં તમાકુ હતુ. આ જોઈ અમે ચમક્યા અને એમના માબાપ ને બોલાવી લાવવા કહ્યુ. મા બાપ બંને આવ્યાં ને એ બંનેના મોં મોં પણ તમાકુ.
“અલ્યા, આ તમારાં છોકરાં તમાકુ ચાવે છે તે તમને ખબરછે? તમારુ જોઈને જ શીખ્યા લાગે છે.”
“તે મૂઆં ભલે ખાતાં . ઘેર ઓછુ ખાય.”મા નો જવાબ.
“પણ તમાકુ કેટલુ ખરાબ અને આટલા નાનાં છોકરાં અત્યાર થી લેવા માંડ્યાં .તમે માબાપ થઈને ખાઓ પછી છોકરાં ખાયજ ને.”
“આ ખઈેએ નઈ તો કોંમ જ ના થાય. ન્ શોકરાં , તમારા જેવા શાયેબ આવન્ તે એક બે રુપિયા ની ભીખ આલ્ તે મૂઆં ખાય!”
અમારી પાસે ક્લિનિક માં આવતા યુવાનો ને વ્યસન છોડવાનું કહીએ તેો એકજ જવાબ મળે "સાહેબ, એતો છુટતુ નથી"હું એમને કહેતો કે"તમે ઝાડ ને પકડ્યુ છે અને તમે કહોછો , ઝાડ મને છોડતું નથી. એ કેવું? છોડવું જ છે એવું દ્રઢ મનોબળ રાખો તો છૂટી શકે."
ગુટખાના વ્યસનથી , નાની ઉંમર થી જ છોકરાઓના મોં પૂરા ખુલતા નથી જેમાંથી કેન્સર ડેવલોપ થઈ શકે છે.