06/09/2024
છેલ્લા કેટલાક સમય થી ઉપવાસ એક દેખા દેખી નો વિષય બની ગયો છે જેમાં ઉપવાસ દરિમાન અન્ય દિવસો માં ગ્રહણ કરવામાં આવતા ભોજન કરતા ઉપવાસ ના દિવસે ફરાળ ના નામે વધુ ભોજન ગ્રહણ કરવામાં આવે છે તથા આજ ના અત્યાધુનિક સમય બજાર માંથી વેંચતા તૈયાર પડીકા નો ઉપયોગ થાય છે ત્યારે આજે આપણે આપણા હિન્દૂ શાસ્ત્ર તથા આયુર્વેદિક શાસ્ત્ર મુજબ ઉપવાસ નું મહત્વ જાણીયે તેની મર્યાદા નું પાલન કરી શકાય
ઉપવાસ (હિંદુ ધર્મમાં)
ઉપવાસ (उप + वस्) એટલે સમીપે રહેવું. ઇન્દ્રિય નિગ્રહપૂર્વક મનને ઇષ્ટદેવમાં પરોવવું એ તેનો ફલિતાર્થ છે. વૈદિક તેમજ સ્માર્ત કર્મકાંડમાં મુખ્ય કર્મવિધિ જે દિવસે કરવાનો હોય તેના આગલા દિવસે યજમાને તે કર્મમાં ઉપયુક્ત સાધનસંભાર અગ્નિશાળામાં એકઠાં કરી, દીક્ષા ગ્રહણ કરી, અનૃત વ્યવહાર તજી, સત્યાચરણપૂર્વક રાત્રે અગ્નિશાળામાં વસવાનું હોય છે. તે કર્મમાં નિમંત્રિત દેવો પણ તે રાત્રે અતિથિ થઈ અગ્નિશાળામાં આવી વસે છે. યજમાને આમ અગ્નિ અને દેવોની સંનિધિમાં વસવાનું બને છે. તેથી ઉપવાસનો લાક્ષણિક અર્થ, ‘વ્રતોપવાસપૂર્વક દેવ સમીપે વસવું’ એવો થાય છે.
ઉપવાસ એ શ્રૌતગૃહ્યાદિ કર્મોમાં આવશ્યક શુદ્ધિનું સાધન છે. તેથી કર્મકાંડમાં ઉપવાસનું વિધાન છે. ધર્મશાસ્ત્રો અને પુરાણોમાં ઉપવાસનો ઘણો મહિમા વર્ણવાયો છે. સ્વતંત્ર વ્રત રૂપે તેનું નિરૂપણ કરાયું છે તથા પ્રસંગ અને પ્રકારભેદે તેનું સૂક્ષ્મ નિરૂપણ થયેલું છે. દેવતા પ્રત્યેની ભક્તિના નિમિત્તે, શુદ્ધ નિમિત્તે, કોઈ કર્મવિધિ કે વ્રતના અંગ રૂપે, વિશિષ્ટ પ્રસંગ નિમિત્તે કે પ્રાયશ્ચિત્ત નિમિત્તે ઉપવાસ થાય છે. નિમિત્ત અનુસાર અને આહાર, અનાહાર તેમજ સમયમર્યાદા અનુસાર તેના અનેક ભેદો છે. શિવરાત્રી, કૃષ્ણજન્માષ્ટમી, રામનવમી આદિના ઉપવાસ તે તે દેવ પ્રત્યેની ભક્તિશ્રદ્ધાના દ્યોતક છે. એકાદશી હરિવાસર (હરિનો દિવસ) કહેવાય છે તે પણ વિષ્ણુભક્તિનો દ્યોતક છે. જુદા જુદા માસોની અનેક તિથિઓ તે તે દેવની જયન્તી તરીકે ઊજવાય છે. એ નિમિત્તનો ઉપવાસ પણ ભક્તિદ્યોતક ઉપવાસ છે. શ્રૌતગૃહ્ય કર્મોમાં દીક્ષા નિમિત્તે અને શુદ્ધિ અર્થે ઉપવાસ થાય છે. મન-કર્મ-વચનની શુદ્ધિ અર્થે પણ ઉપવાસ થાય છે. કોઈ અપવિત્ર કે અમેધ્ય પદાર્થના સંસર્ગને લીધે આવેલી અશુદ્ધિ દૂર કરવા સારુ ઉપવાસ થાય છે. ગ્રહણના અશૌચ વગેરે પ્રસંગે ઉપવાસ થાય છે. ધર્મવિધિમાં થયેલી ક્ષતિ કે પાપાચરણના પ્રાયશ્ચિત્ત રૂપે પણ ઉપવાસ થાય છે.
એક ઉપવાસમાં આગલા દિવસનું સાયં ભોજન, મુખ્ય દિવસનાં બંનેય ભોજન અને પછીના દિવસનું પ્રથમ ભોજન એમ ચાર ભોજન તજવાં એમ વિહિત છે. કૃચ્છ્ આદિવ્રતોમાં એક પક્ષ જેટલા સમયના ઉપવાસ થાય છે. ચાંદ્રાયણ વ્રતમાં શુક્લ-કૃષ્ણ પક્ષ અનુસાર ચંદ્રકલાની વધઘટ પ્રમાણે તેટલા ગ્રાસ લઈ પરિમિત ભોજન કરાય છે. કેટલાક ઉપવાસોમાં નિરાહાર રહેવાનું હોય છે.
બધા ઉપવાસ પૂર્ણ નિરાહારરૂપ હોતા નથી. નિરાહાર ઉપવાસમાં પણ નિયત હવિષ્યાન્ન, દૂધ કે ફળનો પરિમિત આહાર કરી શકાય છે. પ્રાયશ્ચિત્ત નિમિત્તના ઉપવાસમાં અનાહાર કે અતિ પરિમિત આહાર કરવાનો હોઈ આવા ઉપવાસ કષ્ટસાધ્ય હોય છે. કોઈ વ્યાવહારિક હેતુની સિદ્ધિ માટે કે કોઈ કારણે હઠપૂર્વક આમરણ અનશન થાય છે, એને પ્રાયોપવેશન કહે છે પણ તે ઉપવાસ નથી.
કોઈ પણ અનશનમાં મન, કર્મ, વચનની ત્રિવિધ શુદ્ધિ અને મન દ્વારા દેવતાનું સાન્નિધ્ય હોય ત્યારે જ તે નિમિત્તનો અનાહાર ઉપવાસ કહેવાય. અન્નાભાવે થતો અનાહાર કે સ્વાસ્થ્યસાધનાર્થે થતો મિતાહાર કે અનાહાર પણ પ્રસ્તુત અર્થમાં ઉપવાસ નથી.
ઉપવાસ (આયુર્વેદની ર્દષ્ટિએ) :
આયુર્વેદિક પરિભાષામાં ઉપવાસને ‘લંઘન’ (fasting) કહે છે. આયુર્વેદને મતે રોગો બે પ્રકારે થાય છે : (1) સંતર્પણજન્ય અને (2) અપતર્પણજન્ય. શરીરમાં વાયુ, પિત્ત, કફરૂપી દોષો વિકૃત રીતે વધે, દેહ વધુ તૃપ્તિ અને પુષ્ટિ અનુભવે તે અવસ્થાજન્ય તે ‘સંતર્પણજન્ય’. આ પ્રકારમાં પ્રાય: શરીરમાં આહારનો અપરિપક્વ રસ ‘આમ’ સંજ્ઞા પામીને શરીરમાં અનેક રોગોમાં નિમિત્ત બને છે. તેથી સંતર્પણજન્ય દોષોથી આમદોષ પેદા થાય છે, જે શરીરના રક્તને દૂષિત કરી, ધીમા ઝેરરૂપ બનીને રોગ પેદા કરે છે. આવા રોગો ‘સામ’ (આમદોષયુક્ત) કહેવાય છે. સંતર્પણજન્ય – આમદોષજ દર્દોમાં શરીરની વિકારરૂપ વધેલી ધાતુઓનું પ્રમાણ ઘટાડનારી, આમદોષને પકવનારી અને દેહનો કચરો સાફ કરનારી ‘સંશોધન-ચિકિત્સા’ કરવાનો સિદ્ધાંત છે.
આ સિદ્ધાંતમાં વમન, વિરેચન, સ્વેદનાદિ 10 પ્રકારોમાં ‘લંઘન’ પણ એક દેહશુદ્ધિકર્તા ચિકિત્સા પ્રકાર છે.
આયુર્વેદોક્ત ‘ઉપવાસ’ના બે પ્રકારો છે : (1) પૂર્ણ લંઘન (2) લઘુ લંઘન. ‘લંઘન’ શબ્દનો અર્થ છે – શરીરમાં લઘુતા (હળવાશ) પેદા કરવી તે. પૂર્ણ ઉપવાસમાં દર્દીએ ખૂબ ઉકાળીને ગરમ કરેલા પાકા પાણી ઉપર જ રહેવાનું હોય છે. એમાં કોઈ પણ પ્રકારનાં ફળ, પેય કે ખાદ્ય પદાર્થો લેવાતા નથી. આવા ઉપવાસ વધુ જટિલ, ગંભીર કે અસાધ્ય દર્દોમાં કરાય છે. આવા ઉપવાસથી દેહશુદ્ધિ થાય છે અને શરીર નિરામય બને છે. લઘુ લંઘનમાં પૂર્ણ ઉપવાસ ન કરતાં તેમાં દાળ, ભાત, ખીચડી જેવો સાવ હળવો, સુપાચ્ય ખોરાક થોડા પ્રમાણમાં લઈ, સામાન્ય દોષવૃદ્ધિને કાબૂમાં લેવાય છે. વિકૃત દોષો શુદ્ધ થાય અને દેહ આમદોષરહિત નીરોગી બને ત્યાં સુધી જ ઉપવાસ કરવાની મર્યાદા છે.
લંઘન-ઉપવાસથી મટતાં દર્દો આ મુજબ છે : કફદોષજન્ય દર્દો શરદી, ઉધરસ, ખાંસી, શ્વાસ, દમ, મેદસ્વિતા, અજીર્ણ, સોજા, આમવાત, ઊલટી, સંધિવા, બહુમૂત્ર વગેરે તથા પિત્તદોષજન્ય ભારે તાવ, રક્તવિકાર, ત્વચાવિકાર, કૉલેરા, હોજરીનાં ચાંદાં, ઝાડા-મરડો વગેરે અને વાયુપ્રકોપજન્ય આફરો, ઝાડો-પેશાબ બંધ થવો, અંગઘાત, મંદાગ્નિ વગેરે.
ઉપવાસની પ્રક્રિયાથી દેહમાં કુદરતી રીતે ઉષ્મા વધે છે, જેથી દેહના કાચા દોષો (કફ-પિત્તાદિ) પાકી જાય છે અને તેથી વ્યક્તિ સ્વસ્થ બને છે.
ભારતમાં આયુર્વેદવિજ્ઞાને શરીરને અને હિંદુ ધર્મે તન-મનને શુદ્ધ કરવા માટે અને જીવન સાત્વિક બનાવવા માટે ‘ઉપવાસ’ને હજારો વર્ષ પૂર્વેથી મહત્વ આપેલ છે. ભારતમાં તેનો પ્રચાર 5,000 વર્ષથી છે.
આધુનિક કાળમાં છેલ્લા 200-250 વર્ષોમાં યુરોપ-અમેરિકા જેવા દેશોમાં પણ ઉપવાસ ઉપર ઘણાં લોકોએ અનેક પ્રયોગો કર્યા છે, જેમાં અમેરિકન ડૉ. બર્નાર મેકફેડનના પ્રયોગો ખૂબ જાણીતા બનેલા છે. તેની અસર મહાત્મા ગાંધીજી પર પણ પડેલી અને તેમણે પણ જીવનમાં માંદગી માટે તથા રાજકારણમાં પોતાની વાત રજૂ કરવા ઉપવાસ કરેલા. એ પછી અનેક નિસર્ગોપચારકોએ પણ ઉપવાસને ખાસ મહત્વ આપેલું છે. આજે નિસર્ગોપચાર(નૅચરોપૅથી)માં ઉપવાસ એ સારવારનું એક મહત્વનું અંગ છે. ડૉ. બર્નાર મૅકફેડનના મત અનુસાર, જેઓ સ્વસ્થ હોય પણ થોડા થોડા સમયાંતરે કંઈ ને કંઈ પેટમાં પધરાવતા હોય, તેઓ જ જલદી બીમાર પડે છે અને એ સ્થિતિમાં તેમને સ્વસ્થ થવા માટેનો ઉત્તમ ઉપાય ઉપવાસ જ હોય છે.
શાણી વ્યક્તિ હિંદુઓની જેમ અઠવાડિયે-પખવાડિયે કે મહિને (ભલે ધાર્મિક ર્દષ્ટિએ) પણ એકાદ ઉપવાસ કે એકટાણું કરે તો તે માંદગીમાંથી જરૂર બચી શકે. શરીરસ્વાસ્થ્ય અને શક્તિ ટકાવી રાખવા માટે માણસ જેટલું ઓછું ખાય, તેટલું જ તેનું શરીર વધુ સ્ફૂર્તિવાન અને મન વધુ સ્વસ્થ રહે તથા તેનું આયુષ્ય પણ લંબાય.
ઉપવાસ માંદગીમાંથી મુક્તિ મેળવવાનો સહેલો, બિનખર્ચાળ અને ઉત્તમ ઉપાય છે; પરંતુ ઉપવાસ કેટલા દિવસ કરવા, ક્યારે તોડવા કે તેનો અતિરેક થતો કેવી રીતે નિવારવો તે જાણવું ખૂબ જરૂરી છે. તે માટે અનુભવી વૈદ્યના માર્ગદર્શન નીચે ઉપવાસ કરાય તે હિતાવહ છે.
જો માણસ લાંબા કાળ સુધી નીરોગી રહેવા ઇચ્છતા હોય તો તેણે જીવનમાં ઉપવાસને જરૂરી માની તેને યોગ્ય સ્થાન દેવું પડશે. દર અઠવાડિયે, પખવાડિયે કે મહિને 1 દિવસ ઉપવાસ માટે નક્કી કરી લેવો જોઈએ. ઉપવાસ આરોગ્ય રક્ષાનો ખૂબ સરળ અને શ્રેષ્ઠ ઉપાય છે. તે માંદા માણસને દવાઓના ખર્ચાળ અને જોખમી રસ્તેથી ઉગારી લેવામાં ઘણી વાર સહાયભૂત થાય છે.
ગોંડલના પૂર્વ રાજવૈદ્ય શ્રી જીવરામ કાળીદાસ અને પશ્ચાદ્ અવસ્થામાં ગોંડલની ભુવનેશ્વરી શક્તિપીઠના સંસ્થાપક આચાર્ય ચરણતીર્થ મહારાજે પણ ઉપવાસનું મહત્વ બતાવ્યું છે. ભારતીય ધર્મશાસ્ત્રકારોએ જે ઉપવાસ બતાવ્યા છે, તે મૂલત: તો વૈદકના નિયમને અનુસરતા ‘લંઘન’નું જ સ્વરૂપ છે. લંઘન નિયમિત રૂપે કરવાથી શરીરનાં અનેક વ્યાધિઓ નાશ પામે છે.
મહર્ષિ ચરકના મતાનુસાર લંઘન(ઉપવાસ)થી શરીર હળવું દોષરહિત થઈ જાય છે. કફ-પિત્તદોષનાં રોગીઓ તથા મેદસ્વી શરીરવાળા લોકોને તેથી ઘણો લાભ થાય છે. ત્વચાદોષ, રક્તવિકાર તથા વાયુના ઉપદ્રવવાળા દર્દીઓએ મહા-ફાગણ માસમાં લંઘન (ઉપવાસ) કરવું જોઈએ. પોતાની પ્રકૃતિને અનુકૂળ આવે એ રીતે લંઘન કરવાથી માણસને અધોવાયુ, મળ-મૂત્રાદિ સાફ આવે છે, તેનું શરીર હળવું થાય છે, તેને સહજ રીતે પરસેવો છૂટે છે. તેને શુદ્ધ ઓડકાર આવે છે, તેનાં કંઠ અને મુખ સાફ થાય છે તથા ગ્લાનિ અને આળસ મટી જાય છે, વળી તેને જમવા ઉપર ઉત્તમ રુચિ થાય છે, ભૂખ-તરસ એકસાથે ઉત્પન્ન થાય છે તથા તેનો અંતરાત્મા અતિ પ્રસન્ન રહે છે.
લંઘન (ઉપવાસ) વ્યક્તિની પ્રકૃતિ અને તેનાં બળ-વય અને દર્દની સ્થિતિ જોઈ, હિતકર હોય તે રીતે યોગ્ય પ્રમાણમાં કરવામાં આવે તે ઇષ્ટ છે. અન્યથા અતિઉપવાસ બહુ હાનિકારક પણ બને છે અને તેથી વ્યક્તિનાં બળ, જઠરાગ્નિ અને આયુષ્યનો નાશ થાય છે. યોગ્ય ઉપવાસથી શરીરમાં સ્ફૂર્તિ ને બળ સચવાય છે અને દર્દની સ્થિતિમાં ઉપવાસથી દોષ અને મળવિકારનો નાશ થતાં શરીર જલદી સ્વસ્થ થાય છે.
આહારના અતિરેકથી પીડાતા અને દર્દી બનેલા માટે ઉપવાસ રામબાણ ઇલાજ છે; પરંતુ ભૂખમરો વેઠતી, વધુ ભૂખી રહેલી કે કુપોષણથી પીડાતી વ્યક્તિને ઉપવાસ કે લંઘન લાભને બદલે નુકસાન કરે છે. તેથી ઉપવાસ ખૂબ સમજણપૂર્વક અને જાણકાર વ્યક્તિની સલાહ મુજબ જ કરવા વધુ ઇચ્છનીય છે.
વૈદ્ય સંકેત ભરતભાઈ જોષી