29/07/2024
એલર્જી એ કોઇ ગંભીર રોગ નથી પરંતુ દર્દીને બહુ જ પરેશાન કરતો રોગ છે.
એલર્જી એટલે શું?
એલર્જી એટલે કોઇપણ વસ્તુ કે પદાર્થ સામે શરીરની સામાન્ય કરતા વધુ પડતી પ્રતિક્રિયા.
એલર્જન એટલે શું?
જે વસ્તુ કે પદાર્થથી એલર્જી થાય છે તેને એલર્જન કહેવામાં આવે છે. આ એલર્જન કોઇપણ વ્યકિત માટે હાનિકારક હોતા નથી. દરેક દર્દી માટે એલર્જન અલગ-અલગ હોય છે. આ એલર્જન મોટાભાગે રોજીંદા જીવનમાં વપરાશમાં આવતી વસ્તુઓ જ હોય છે.
એલર્જન કયા કયા છે?
1) ધૂળ અને ધૂળની જીવાત (Dust and Dust Mites)
લગભગ 70-80% દર્દીઓમાં એલર્જી થવાનું મુખ્ય કારણ ધૂળ કે ધૂળની જીવાત હોય છે. ધૂળ અલગ-અલગ પ્રકારની હોય છે. જેવી કે ઘરની ધૂળ, અનાજની ધૂળ, ઘાસની ધૂળ, લાકડાની ધૂળ, પેપરની ધૂળ, રૂની ધૂળ, કપડાની ધૂળ વગેરે. ધૂળની જીવાતથી લગભગ બધી જ પ્રકારની એલર્જી થઇ શકે છે. જેવી કે એલર્જીનો શ્વાસ (દમ/અસ્થમા), એલર્જીની ખાસી, એલર્જીની શરદી, આંખની એલર્જી , ચામડીની એલર્જી (શીળસ) વગેરે.
ધૂળની જીવાત નરી આંખે જોઈ શકાતી નથી, પરંતુ એ આપણા ઘરમાં બઘી જ જગ્યાએ હોય છે. ખાસ કરીને ગાદલાં, ઓશીકાં, ચાદર, ચારસા, કારપેટ, પડદા, સોફા વગેરેમાં વધુ હોય છે.
2) પરાગરજ (Pollens)
એલર્જી થવાનું બીજું મુખ્ય કારણ ફૂલ, છોડ, ઘાસ, ઝાડ, વનસ્પતિ વગેરેની પરાગરજ છે. આ પરાગરજ પવન સાથે ફેલાય છે અને એલર્જી કરે છે. એટલે કે દર્દીના ઘરની નજીકમાં કોઇ ફુલ, છોડ, ઘાસ, ઝાડ કે વનસ્પતિ ના હોય તો પણ પરાગરજથી એલર્જી થઇ શકે છે.
3) જીવજંતુઓ (Insects)
એલર્જી થવાનું ત્રીજું કારણ ઘરમાં કે ઘરની આસપાસમાં રહેતા જીવજંતુઓ જેવા કે વંદો, માખી, મચ્છર, ફૂદ્દાં, પતંગિયા, મધમાખી, વગેરે છે. વંદા આપણા ઘરની આસપાસના 100 મીટરના વિસ્તારમાં રહેતા હોય તો પણ વંદાથી એલર્જી થઇ શકે છે.
4) પ્રાણીઓ અને પક્ષીઓ (Animal and Birds)
પાલતું પ્રાણીઓ અને પક્ષીઓ જેવા કે કૂતરાં, બિલાડાં, ગાય, ભેંસ, ઘોડો, કબૂતર, પોપટ, મરઘી વગેરેનાં સંપર્કમાં રહેવાથી એલર્જી થઇ શકે છે.
5) ખોરાક (Foods)
કોઇપણ પ્રકારના ખોરાકથી એલર્જી થઇ શકે છે. ખોરાકથી થતી એલર્જીમાં લગભગ 90% એલર્જી ફક્ત દૂધ, ઇંડા, મગફળી, ડ્રાયફ્રૂટ, સોયાબીન, ઘઉં, માછલી, માંસ, બેસન, આથાવાળી વસ્તુઓ, ખટાશવાળી વસ્તુઓ વગેરેથી થાય છે. જે વસ્તુઓ આપણે વર્ષોથી ખાતા હોઇએ તેનાથી પણ એલર્જી થઇ શકે છે.
6) ફુગ (Fungus)
ઘરમાં કે ઓફીસમાં કોઇ જગ્યાએ ભેજ લાગેલો હોય ત્યાં ફુગ થઇ જાય છે. જ્યારે આ ભેજ સુકાઇ જાય ત્યારે આ ફૂગના કણ છુટા પડી હવામાં તરતા થઇ જાય છે. આ ફુગના કણ શરીરના સંપર્કમાં આવવાથી એલર્જી કરે છે.
એલર્જીથી થતા રોગો કયા કયા છે?
1) એલર્જીની શરદી (Allergic Rhinitis)
● વારંવાર છીંકો આવવી
● નાકમાંથી પાણી પડવું
● નાકમાં ખંજવાળ આવવી
● નાક બંધ થઇ જવું
● આંખમાં ખંજવાળ આવવી
● આંખમાંથી પાણી પડવું
● કાન અને ગળામાં ખંજવાળ આવવી
● માથુ દુ:ખવુ
● કાન અને ગળામાં દુ:ખાવો થવો
● ક્યારેક ખાંસી કે કફ થઇ જવો
● ક્યારેક શ્વાસ લેવામાં તકલીફ થવી
● સુગંધ પારખવાની શક્તિ ઓછી થઇ જવી
2) એલર્જીની ખાંસી (Allergic Cough)
● વારંવાર સુકી ખાંસી આવવી
● ખાંસીની સામાન્ય દવાથી ખાંસી કાબુમાં ના આવવી
● એલર્જી ની દવાઓ લઇએ ત્યાં સુધી જ ખાંસી કાબુમાં રહેવી
3) એલર્જીનો શ્વાસ (અસ્થમા/દમ) (Allergic Asthma)
● શ્વાસ લેવામાં તકલીફ થવી
● ગભરામણ થવી
● છાતી ભીંસાવી
● ખાંસી આવવી
● ચાલતા હાંફી જવું
4) આંખની એલર્જી (Allergic Conjunctivitis)
● આંખ લાલ થવી
● આંખમાં ખંજવાળ આવવી
● આંખમાંથી પાણી પડવું
● આંખમાં બળતરા થવી
● આંખમાં સોજો આવવો
5) ચામડીની એલર્જી (Allergic Dermatitis or urticaria)
● ચામડી પર ખંજવાળ આવવી
● ચામડી પર લાલ ચકામા થવા
● ચામડી સૂકી થઇ જવી
● ચામડી પર સોજો આવવો
● આંખો પર સોજો આવવો
● હોઠ પર સોજો આવવો
6) ખોરાકની એલર્જી (Food Allergy)
● ખોરાકથી કોઇપણ પ્રકારની એલર્જી થઇ શકે છે.
ખોરાકથી થતી એલર્જીમાં અમુક ખોરાક ખાધા પછી પેટમાં દુ:ખાવો થવો, ઉલટી-ઉબકા થવા, ઝાડા થવા, માથુ દુ:ખવું, ચામડી પર ખંજવાળ આવવી, ચામડી પર લાલ ચકામા થવા, આંખ પર સોજો આવવો, હોઠ પર સોજો આવવો, ખાંસી આવવી, શ્વાસમાં તકલીફ થવી, છીંકો આવવી, નાકમાંથી પાણી પડવું, આંખ લાલ થઇ જવી, બ્લડ પ્રેશર ઘટી જવું ચક્કર આવવા વગેરે જેવી તકલીફ થઇ શકે છે.
ડૉ. જીગર ડી. પટેલ
એમ.ડી. (હોમીયોપેથી)
સરનામું - GF/46, સોમેશ્વર મોલ, મોઢેરા ચોકડી પાસે, મોઢેરા રોડ, મહેસાણા-2
વધુ માહિતી માટે સંપર્ક કરો- 8401000846