15/08/2024
આયુર્વેદીક જીવનશૈલી ભાગ – ૭ & ૮
આહાર વિધિ
“અન્નં વૈ પ્રાણા: - અન્ન એ જ પ્રાણ છે” જેથી અહારની બાબતમાં સૌથી વધુ સાવધાની રાખવી જોઇએ. આ અંક્માં આહાર સેવન વિઘિ વિશે શસ્ત્રોક્ત ચર્ચા કરીશુ. હંમેશા અતિશય ઉષ્ણ નહિ એવો સાધારણ ગરમ તાજો ખોરાક જ ખાવો જોઇએ કારણ કે ગરમ ખોરાક સ્વાદિષ્ટ લાગે છે, ભૂખ લગાડે છે જેથી જલદી પચી જાય છે. ખોરાક સ્નિગ્ધ એટલે કે પ્રમાણસર ઘી અને તેલ યુક્ત હોવો જોઇએ જેથી જઠરાગ્નિ પ્રદિપ્ત થાય, દેહનો વર્ણ સુધરે તેમજ દેહ અને ઇન્દ્રીયોનું બળ વધે. ખોરાક પ્રમાણસર ખાવો જોઇએ માટે હોજરીને જો ત્રણ ભાગમાં વિભાજીત કરવામાં આવે તો એક ભાગ ઘન ખોરાક, એક ભાગ પ્રવાહી ખોરાક લેવો જોઇએ અને એક ભાગ ખાલી રાખવો જોઇએ એટલે કે પેટ ભરીને તૃપ્તિપૂર્વક જમવુ જોઇએ નહિ. જ્યારે પણ પચવામાં ભારે ખોરાક જ લેવાનો હોય ત્યારે હોજરી અડધી ભરાય તેટલો જ આહાર લેવો જોઇએ. પચાવામાં હલકો ખોરાક પણ અતિતૃપ્તિ પૂર્વક ના લેવો જોઇએ. હવે બધાની પાચન શક્તિ તેમજ હોજરીના પ્રમાણ સરખા હોતા નથી તો બે રોટલી – ચાર રોટલી એવુ પ્રમાણ બધા માટે એક સરખુ લાગુ પાડી શકાય નહિ. તો કેવી રીતે જાણવુ કે ખોરાક પ્રમાણસર લેવાયો છે કે નહિ? જ્યારે આહાર લીધા પછી પેટ ખૂબ ભારે કે પીડા યુક્ત થાય નહિ, ઘેન જેવુ થાય નહિ, ઉભા રહેવુ – બેસવુ – ચાલવુ- શ્વાસ - હસવુ વગેરે ક્રિયાઓ સૂખ પૂર્વક થઇ શકે અને સવાર – સાંજ સમયસર ભૂખ લાગી જાય તો જાણવુ કે ખોરાક પ્રમાણસર લેવાયો છે. ભૂખ કરતા બહુ ઓછુ જમવાથી દેહના વર્ણ અને બળનો નાશ થાય છે, મન અને ઇન્દ્રીયો દુર્બળ બને છે અને વાયુના રોગો થાય છે. માત્રાથી અધિક ખાવાથી વાત – પિત્ત – કફ઼ ત્રણેય એક સાથે પ્રકોપ પામે છે, ખોરાકની નીચેની તરફ઼ની ગતિ રોકાઇ જઇ આફ઼રો- પેટનો દુખાવો થાય છે અથવા તો ઝાડા – ઉલટી થાય છે. યોગ્ય પ્રમાણથી લીધેલુ અન્ન પણ ચિંતા, શોક, ભય, ક્રોધ, દુ:ખ, દિવસની નિદ્રા અને રાત્રિના ઉજાગરાના કારણે પચતુ નથી. પચવામાં ભારે, શીત, રૂક્ષ, વાસી, મનને અપ્રતિકૂળ, પેટમાં બળતરા ઉપજાવે તેવો, અશુદ્ધ, અયોગ્ય કાળે લીધેલો આહાર વ્યવસ્થિત પચતો નથી તેમજ કામ- ક્રોધ- લોભ- ઇર્ષ્યા – શોક – ભય થી ઉદ્વિગ્ન મન લીધેલા આહારને વ્યવસ્થિત પચવા દેતો નથી તે આમદોષ નુ કારણ બને છે જે સર્વ રોગોનું મૂળ છે. હંમેશા પહેલા જે જમ્યા હોય એ બરબર પચી જાય ત્યારે જ જમવુ જોઇએ. મનને ક્ષોભ કે ઉદ્વેગના થાય તેવા સ્થાન પર જમવું જોઇએ નહિ. બહુ ઉતાવળા કે બહુ જ ધીમુ જમવું જોઇએ નહીં. ભોજન કરતી વખતે વાતચીત કે હાસ્ય વગેરે ક્રિયાઓ ટાળી માત્ર ભોજનમાં જ મન પરોવવું જોઇએ અને સૌથી મહત્વનું આ વસ્તુ મને માફ઼ક આવે છે અને આ વસ્તુ મને માફ઼ક નથી આવતી એ બાબત ધ્યાનમાં રાખી માફ઼ક આવનારી વસ્તુઓનું જ સેવન કરવું જોઇએ. જમતા જમતા પાણી પીવુ જોઇએ જેથી ભોજન પચવામાં સરળતા રહે છે અને શરીર સમ પ્રમાણમાં રહે. જમતા પહેલા પાણી પીવાથી પાચન શક્તિ મંદ પડી જાય છે અને ખોરાક પણ ઓછો લેવાય છે જેથી શરીર પાતળુ પડતુ જાય છે જ્યારે જમ્યા પછી પાણી પીવાથી શરીરમાં કફ઼ વધે છે અને શરીર સ્થૂળ થતુ જાય છે. તરસ્યા હોય ત્યારે ભોજન ન કરવુ જોઇએ અને ભૂખ્યા હોય ત્યારે પાણી પી પેટ ના ભરવુ જોઇએ જેથી ઉદરના રોગોમો ભોગ ના બનીએ.
ભોજન કર્યા બાદ હાથ વ્યવસ્થિત ધોઇ મુખ શુદ્ધિ અર્થે કોગળા કરી એક કોગળા જેટલુ પાણી પીવુ જોઇએ. ભીના હાથની બંન્ને હથેળીઓ દ્વારા બંન્ને નેત્રોને બંધ કરી સ્પર્શ કરવો નેત્રોના સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. ભોજનોપરાંત મંત્ર દ્વારા અગત્સ્ય વગેરેનું સ્મરણ કરવું જોઇએ.- “विष्णुरात्मा तथैवान्नं परिणामश्च वै यथा । सत्येन तेन मद्भुक्तं जीर्यत्वन्नमिदं तथा ॥ अगस्तिर्ग्निर्वडवानलश्च भुक्तं ममान्नं जरयन्त्वशेषम् ॥ सुखं च मे तत्परिणामसम्भवं यच्छन्त्वरोगं मम ’चास्तु’ देहम् ॥ अंगारकमगस्तिं च पावकं सूर्यमश्विनौ । पंचैतान्संस्मरेन्नित्यं भुक्तं तस्याशु जीर्यति॥“ જેનો અર્થ થાય છે- અન્ન વિષ્ણુ છે અને પચનના અંતે બનતો રસ પણ વિષ્ણુ છે. આ સત્ય દ્વારા મારુ જમેલુ અન્ન જલદીથી પચી જાય. અગસ્તિ, અગ્નિ અને વડવાનલ મારા જમેલા અન્નને સંપૂર્ણ રીતે પચાવે, પચન પછીનુ સુખ મને પ્રાપ્ત થાય અને મારુ શરીર નીરોગી રહે. મંગલ, અગસ્તિ, અગ્નિ, સૂર્ય અને અશ્વિની કુમાર વગેરે પાંચનું જમ્યા પછીનું સ્મરણ ભોજન જલદી પચાવે છે. સ્મારણ કરતા કરતા પેટ પર હાથ ફ઼ેરવવો. જમ્યા બાદ ઔષધ યુક્ત ધૂમપાન (ધુમ્રપાન નહી), તૂરા, તીખા સ્વાદ વાળા દ્રવ્યો જેવા કે સોપારી, વાંસક્પૂર, લવીંગ, જાયફ઼ળ, વરીયાળી, પાન વગેરેનુ સેવન કરવુ જોઇએ. સવારે પાનમાં સોપારીનો ભાગ વધુ, બપોરે કાથાનો ભાગ વધુ અને સાંજે ચૂનાનો ભાગ અધિક રાખવો જોઇએ. પાનનું સેવન પ્રમાણસર કરવુ જોઇએ વધુ પડતુ સેવન કરવાથી શરીર, દ્રષ્ટિ, દાંત, કેશ, પાચન શક્તિ, શ્રવણ શક્તિ અને બળનો નાશ થાય છે. દાંતના રોગી, દુર્બળ, નેત્ર રોગી તેમજ જેમને શરીર ઝાડા ઉલટી અથવા અન્ય રીતે લોહી નીકળવાનો રોગ હોય તેવા એ પાનનુ સેવન કરવુ જોઇએ નહીં. પાન ખાતા બનતી લાળની પ્રથમ બે પિચકારી બહાર પીક્દાનમાં થૂંકવી જોઇએ એ પછીની અંદર ઉતારવી જોઇએ. બે ભોજન બાદ રાજાની સમાન થોડા સમય આરામથી બેસી, સો થી બસો ડગલા જેટલુ જ આરામથી ધીરે ધીરે ચાલવુ જોઇએ અને પછી ડાબા પડખે આડા પડખે આડા પડવુ જોઇએ. ભોજન પછી લાંબા અંતર સુધી ચાલવુ કે દોડવુ કે વ્યાયામ કરવો યોગ્ય નથી. જમ્યા પછી તરત જ લાંબા સમય બેસી રહેવાથી તંદ્રા આવે છે, આડા પડવાની ટેવથી શરીરમાં સ્થૂળતા આવે છે, ધીરે ધીરે સો ડગલા ચાલવાથી આયુષ્યની વૃદ્ધિ થાય છે અને દોડવાથી સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થાય છે. જમ્યા પછી દિવસે ઊંઘવુ જોઇએ નહી તેનાથી અપચો થાય છે અને ત્રણેય દોષ – વાત પિત્ત કફ઼ પ્રકોપ પામે છે તેમજ શરીરમાં સ્થૂળતા વધે છે. ભોજન બાદ તાપ – તડાકાનુ સેવન, પાણીમાં તરવુ, શારીરીક શ્રમ, સંભોગ, દોડવુ, ઉબાડ ખાબડ રસ્તા પર વાહન ચાલવવુ, ઊંટ, ઘોડાની સવારી, લાંબા સમય સુધી બેસવુ, વાંચવુ વગેરેનું પોણા કલાક સુધી ત્યાગ કરવો. ગત અંકમાં ચર્ચા કરી એ મુજબ જમતા જમતા ઘૂંટડે ઘૂંટડે પાણી પીવુ જોઇએ જમ્યા પછી તુરંત પાણી પીવુ જોઇએ નહી. અડધો - પોણો કલાક પછી પાણી પીવુ જોઇએ ભોજન બાદ મનને પ્રિય એવા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ,ગંધનુ સેવન કરવુ જોઇએ. જમી લીધા પછી જ્યા સુધી ભોજન પચી ના જાય અને બીજો ભોજન કાળ આવે નહિ ત્યા સુધી જમવુ જોઇએ નહી. વચ્ચે ભૂખ લાગે તો ફ઼ળો અથવા મમરા જેવા હળવા ખોરાકનુ પ્રમાણસર સેવન કરવુ જોઇએ. આયુર્વેદ શાસ્ત્ર મુજબ યોગ્ય ભોજન કાળ દિવસે બપોર પહેલાનો અને રાત્રિના પ્રથમ પ્રહરનો છે. પોતાના વ્યવસાય મુજબ નિયમોને આધીન બે ભોજન કાળ નક્કી કરી શકાય. સૂર્યાસ્ત પહેલા જમવુ એ આયુર્વેદનો સિદ્ધાંત નથી. વધુ અવતા અંકે પાણીના નિયમો પર વિસ્તૃત ચર્ચા કરીશું. જય ધન્વંતરિ જય આયુર્વેદ.
-ડો. જીતેન્દ્ર કુમાર સી. પ્રજાપતિ M.S.(Ayu.)
મસા- ભગંદર અને આયુર્વેદ નિષ્ણાત
બ્રહ્મા હોસ્પિટલ, પાલનપુર
મો – ૮૮૯૦૦ ૯૮૦૪૨
https://ayurvedaforsure.blogspot.com/2024/08/blog-post.html