24/01/2021
આંખમાંથી કણું કઢાવવાનું અજ્ઞાન
વ્હાલા મિત્રો આજે મારે વર્ષોથી ચાલી આવતી - કણું કઢાવવું,ઝૂકો ઉતરાવવો,આંખ ઠોલાવવી જેવી અજ્ઞાની અને જડપ્રથા વિશે આપની આંખો ખોલવી છે. આપણાં ભારતમાં આ અજ્ઞાનતાને લીધે દર વર્ષે 15-20 લાખ લોકોને 'કૉર્નિયલ અલ્સર'- આંખની ચાંદી/ફુલું થાય છે અને 25000-30000 લોકો કાયમી અંધાપાનો ભોગ બને છે.
આપણે મોબાઇલ-ઈન્ટરનેટના યુગમાં પહોંચી ગયા છીએ,અને ગામડાઓ પણ આ સુવિધાથી વંચિત નથી પણ આંખની અને દ્રષ્ટિની સાચવણીમાં હજુયે અજ્ઞાન છે.એમાં એમનોયે વાંક નથી,કોઈ શિક્ષિત કરવા વાળું,માહિતગાર કરવાવાળું તો જોઈએ ને!
આંખમાં કંઈક ખટકો થયો નથીને આ ચાલ્યા આડોશ-પડોશની ડોસીયુ પાસે કણું કઢાવવા. હવે માજીને ઉંમર આંટો લઈ ગઈ હોય,આંખે મોતિયો આવી ગ્યો હોય,આછું-પાતળુ દેખાતું હોય ત્યા આપણે આંખ ધરીને બેસી જોઈએ, લાખો-કરોડો ખર્ચીએ તો પણ પાછી ન આવે એ દ્રષ્ટિ ઉપર જુગાર કરવા ! અને આ ગૌરવાન્વિત ડોસીઓ સાવરણીની ગંદી સળીઓ,નાળિયેરના સડેલાં છોતાં - જે હાથ લાગ્યું એ હથિયાર લઈ આંખની કૂમળી કીકી( ઈંગ્લીશમાં 'કૉર્નિયા')ને ઠોલીને આપણને રાઈના દાણાંઓ જેવડી કાકરીઓ કાઢીને પડીકી બાંધી દે અને આપણે હરખાતા,પીડા દૂર થઈ જશે એવા સધિયારા સાથે અને ડૉક્ટરની ફી અને શહેરનો ધકકો બચાવ્યાના આત્મસંતોષ સાથે ફરી કામે લાગી જઈએ...
અને એક-બે દિવસ પછી....
દ્રષ્ટિ ધબલક,પીડા તો ધોળે દિવસે તારા દેખાય જાય એવી ને આંખ તો મારી નાયખીયે ના ખૂલે! હવે આપણી બુદ્ધિ જાગે,'ને આપણે દોડીયે સીધા આંખના ડૉક્ટર પાસે કે કોઈ પણ ભોગે આંખ બચી જાય,ભલે ગમે તે ખર્ચ થાય...
આ સર્વ સામાન્ય સ્ટોરી છે અમારી હૉસ્પિટલમાં બે દાયકા દરમિયાન આવતા ' કૉર્નિયલ અલ્સર'- આંખની ચાંદી/ફુલું ના દર્દીઓની.2001માં જે અજ્ઞાન હતું તે આ જે 2021માં પણ! આપણે એ સામાન્ય જ્ઞાન ધરાવીએ છીએ જ કે વાળ કપાવવા વાળંદ પાસે ને કપડા સીવડાવવા દરજી પાસે જ જવાનું હોય,પણ એ સામાન્ય જ્ઞાનનો ઉપયોગ ત્યારે નથી કરતા જ્યારે આંખમાં ખટકો થાય કે કણું પડે! આપણી મહામુલી આંખ આપણે આંખના ડૉક્ટરને બદલે આવી ડોસીઓના હાથમાં ધરી દઈએ.માત્ર 200-500ની ફી બચાવવા અમુલ્ય દ્રષ્ટિનું બલિદાન!
આંખની કીકીનો સૌથી ગંભીર કોઈ રોગ હોય તો એ છે કૉર્નિયલ અલ્સર'-જેને તળપદી ભાષામાં આપણે ચાંદી કે ફૂલું કહીએ છીએ.એ એક પ્રકારનું વાઈરસ,બેક્ટેરિયા કે ફૂગ જેવા જંતુઓ( માઈક્રોઓર્ગેનીઝમ)થી થતું ઈન્ફેકશન છે.
મગફળીને ઉપાડવાની અત્યારની સીઝનમાં મુખ્યત્વે ફૂગથી થતાં ફૂલાં સામાન્ય છે.જેની શરૂઆત સામાન્ય ખટકાથી થાય છે.આ સમય દરમિયાન જનસામાન્ય ભૂલ કરી બેસે ને કણું પડ્યું એમ સમજી પહોંચી જાય એ ડોસીઓ પાસે 'ને ખેલ ખલ્લાસ! સાવરણીની ગંદી સળીઓ,નાળિયેરના સડેલાં છોતાંને હવાલે આંખ!ઘણાં લોકો ઘરમાં પડેલા ગમે તે જાતનાં ટીંપા નાખે કે મેડીકલ સ્ટોરમાંથી સામાન્ય રીતે આપવામાં આવતા સ્ટીરોઈડના ટીંપા ઠપકારે! આ ટીપાં નાખો એટલે હવનમાં જાણે ઘી નાખ્યું! ફુલું બે-છક-બાર!
શરૂઆતનાં મહત્ત્વના દિવસો આમ બરબાદ થયા પછી ડૉક્ટર પાસે પહોંચીએ તો લગભગ અડધી દ્રષ્ટિ જતી રહી હોય!
ફુલાંની શરૂઆતમાં જ યોગ્ય સારવાર કરવામાં આવે તો દ્રષ્ટિ બચી જાય છે,પણ એક વખત ફુલું આગળ વધી જાય પછી બાહોશ ડૉક્ટરો માટે પણ આંખ બચાવવી મુશ્કેલ છે.ઘણાં કેસમાં મૃત વ્યકિતએ દાન કરેલી આંખની કીકીનો ઉપયોગ કરી કીકીનું પ્રત્યારોપણ( કૉર્નિયલ ટ્રાન્સપ્લાંટ) કરવાની જરુર પડે છે.જે ખુબ જ જટિલ શસ્ત્રક્રિયા છે.
મિત્રો એકદમ તળપદી ભાષામાં આપને માહિતગાર કરવાનો પ્રયાસ કર્યો છે.આપ પણ આ માહિતી આપણા સગાં-મિત્રો-સંબંધીઓને આપો.વધુમાં વધું share કરો.