08/10/2024
નવરાત્રી મા માતાજી નુ સ્વરુપ ને ઓળખીએ.. ઉદયભાઈ પટેલ ના સમજીએ.
સ્ત્રીરૂપી માતાજીના સ્વરૂપો અથવા તો માતાજી રૂપી સ્ત્રી સ્વરૂપો
======================
નવરાત્રિ ના 9 માતાજીના તસવીર ને ધ્યાનથી જોશો તો નીચે જણાવ્યા મુજબ સ્ત્રીના જન્મ થી મૃત્યુ સુધીના અલગ અલગ રૂપો દેખાશે.
શૈલપુત્રી: માતાજીનો આ અવતાર એ સ્ત્રીનું એ સ્વરૂપ છે જેમાં માતાજી તાજી જન્મેલ બાળકી છે, હજી એનું નામ પડ્યું નથી એટલે એ પિતા ના નામથી ઓળખાય છે "શૈલપુત્રી", માતા ના આ સ્વરૂપ તાજી જન્મેલ બાળકી છે એટલે ફક્ત 2 જ હાથ છે જેમાથી એક હાથમાં શસ્ત્ર છે અને બીજા હાથમાં ફૂલ, સરળ કપડા બતાવ્યા છે.
બ્રહ્મચારિણી: આ અવતાર સ્ત્રીનું વિદ્યાર્થી સ્વરૂપ છે જેમાં એ વિદ્યા અર્ચન કરે છે સાથે સાથે બ્રહ્મચર્ય નું પાલન કરે છે, પ્રાચીન ભારતમાં 5 વર્ષથી 25 ની આયુ સુધી વિદ્યા અર્ચન કરવાનું રહેતું. વિદ્યા અર્ચન સિવાય તપ કરીને તેજ વધારવાની પણ પ્રવૃતિ કરતા હોવા જોઈએ. અહીં મોહમાયા થી દૂર રહેવાનું છે એટલે સફેદ કપડા ધારણ કર્યા છે.
ચંદ્રઘંટા: આ સ્ત્રીનું 25 વર્ષ પછીનુ સ્વરૂપ છે જેમાં સ્ત્રી તમામ શસ્ત્રો અને વિદ્યા થી સજ્જ છે. અભ્યાસ પૂર્ણ થયા બાદ અહીં માતાજીના 10 હાથ બતાવવામાં આવ્યા છે, શિક્ષણ બાદ માઁ રૂપી સ્ત્રી અસ્ત્ર અને શાસ્ત્ર ધારણ કરીને સમાજને ફેસ કરવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે.
કુષ્માંડા : કહેવાય છે કે માતાજીના આ રૂપે બ્રહ્માંડમા જીવ ની ઉત્ત્પત્તિ કરી હતી. નામની પાછળ જ "અંડા" લાગે છે, ધ્યાનથી જોશો તો માતાના હાથમાં એક માટલું છે જે ગર્ભવતી સ્ત્રીનું પ્રતીક છે.
સ્કંધમાતા : માતાજીના આ નામની પાછળ માતા લાગે છે, સ્ત્રી હવે એક બાળકની માતા બની ગઈ છે, માતાજીની છબિ મા જોશો તો ખ્યાલ આવશે કે માતાજીના ખોળામાં એક બાળક છે. આ સ્ત્રીનું એક બાળક ની માતા તરીકેનુ સ્વરૂપ છે જેની પાંચમા નોરતે પૂજા થાય છે. આ રૂપમાં માતા મમતા થી ભરેલી છે એનું પૂરું ધ્યાન બાળક પર છે એટલે હાથમાં કોઈ શસ્ત્ર નથી બતાવવામાં આવતુ. આ સ્ત્રીનું નવી નવી માતા બન્યા નો સમય એટલેકે અંદાજીત 30 વર્ષની આયુ નું સ્વરૂપ છે.
કાત્યાયની: બાળક થોડું મોટું થાય એટલે સ્ત્રીના કામકાજ વધી જાય સાથે શક્તિ પણ વધી જાય છે, માતાજીના આ સ્વરૂપમાં ક્યારેક 18 ભુજાઓ દર્શાવવામાં આવે છે. તમે પશુ પક્ષીઓ મા જોયું હશે કે બાલક સાથે હોય ત્યારે ગાય હોય સિંહણ હોય કે પક્ષી.. પોતાના બાળકના રક્ષણ માટે આક્રમક થઈ જાય છે. માતાજીના આ સ્વરુપે જ મહિષાસુર નો વધ કરેલો. આ 35 વર્ષનું સ્વરૂપ છે જેમાં એ બાળકને ઉછેરી રહી છે.
કાલરાત્રિ: માતાજીનું આ સૌથી વિકરાળ સ્વરૂપ છે, રૌદ્ર સ્વરૂપ ને શાંત કરવા માટે સ્વયં ભગવાન શિવને આવવું પડયું હતું. આ સ્વરૂપ દર્શાવે છે કે સ્ત્રી પોતાની ફરજો નિભાવી જાણે છે તો દુષ્ટો સામે ક્યારેક રૌદ્ર સ્વરૂપ પણ ધારણ કરી શકે છે.
મહાગૌરી: આ સ્વરૂપમાં માતાજીને પોતાના 2 પુત્રો અને પતિ શિવ સાથે દર્શાવવામાં આવે છે. સ્ત્રીનો આ એ સમય છે જેમાં તે સંપૂર્ણ પરિવાર લઈને બેઠી છે, તે શાંત અને સૌમ્ય જણાય છે. આ સ્વરૂપ સંપૂર્ણ સ્વરૂપ છે.
સિદ્ધિદાત્રી : માતાજીનું અંતિમ સ્વરૂપ છે, આ સ્વરૂપમાં સ્ત્રી પોતાના તમામ સાંસારિક ફરજો નિભાવી ચૂકી છે એની પાસે અને આખા જીવનના જ્ઞાન અને અનુભવનું પોટલું છે. અને આ જ્ઞાનના ઉપયોગ થી આગળની પેઢીને પ્રસ્થાપિત કરશે. સમજી લો કે આ સ્વરૂપ ઘરની દાદીમા છે. જે બધું જાણે છે અને માંગો એ આપે છે. એટલે અહીં સિદ્ધિ+દાત્રી કહેવાય છે.
મિત્રો સ્ત્રીના તમામ સ્વરૂપને માન આપવું એ જ 9 નોરતા ના માતાજીની આરાધના છે.
✒️ઉદય પટેલ ના જય માતાજી