
23/08/2025
સ્ટેશન-માસ્તરની સગર્ભા સ્ત્રી એક વરસના છોકરાને તેડીને પોતાના ઘરને ઓટે ઊભી ઊભી બૂમો પાડતી હતી : "ખબરદાર - એઇ ગાડાવાળાઓ, કોઇને છાણના પોદળા લેવા ન દેશો."
"એ હો બેન." કહીને ગાડા-ખેડુ એક સાંધાવાળાને છાને સ્વરે મર્મ કરતો હતો : "માસ્તરાણી છે ને?"
"નહિ ત્યારે?" સાંધાવાળો સામા સવાલથી ગાડાવાનોના આવા અજ્ઞાનની નવાઇ દાખવતો હતો.
"તે છાણ છાણ કાં કૂટી રહી છે?"
"શું કરીએ, ભઈ?" સાંધાવાળો કશીક ફરિયાદ કરવા જતો હતો.
"આ વાણિયાબામણાંને ભારેવગાં થાય ત્યારે શું છાનાનાય ભાવા થાતા હશે?" બીજા ગાડા-ખેડુએ આંખ ફાંગી કરી રહ્યું.
"શી આ વાતો કરો છો તમે?" લાંબા વાળવાળો જુવાન પસાયતો કાંઈ સમજતો નહોતો.
"ઇ સમજવાની તમારે હજી વાર છે, સુરગભાઇ!"
"તમે ઑડિયાં તો ઠીકઠાક કરી લ્યો! પછેં સમજાશે!"
કેડ-ભાંગલો સ્ટેશનનો કાયમી ભિખારી પણ હસવામાં ભળ્યો. એને કમરથી નીચેનું અંગ ઘવાયેલ સારસ પક્ષીના ટાંટિયાની પેઠે લબડતું હતું.
સાંધાવાળાએ એ માનવ-કીડા તરફ ફરીને કહ્યું : "તું તો દાંત કાઢ્ય જ ને મારા બાપ! તેંય કસબ કરી જાણ્યું દુનિયામાં. બે હજાર ભેગા કરી લીધા ભીખમાંથી ને ભીખમાંથી."
"સાચેસાચ?" ગામડિયા ચમક્યા.
"પૂછો મોટા માસ્તરને."
"ક્યાં સાચવે છે?"
"મામદ ખાટકીને ચોપડે વ્યાજ ચડાવે છે લૂલિયો."
"હેં એલા?"
"હવે, ભઈ વાત મૂકોને!" એમ કહેતો પગ-ભાંગલો ભિખારી બેઠક ઘસડાતો-ઘસડતો મોટી ખડમાંકડીની માફક ચાલ્યો ગયો. દૂર બેસીને એ હિંસક નજરે સાંધાવાળા તરફ તાકી રહ્યો.
સાંધાવાળાએ ફાંગી આંખ કરીને ગાડાવાળાઓને કહ્યું : "ખબર છે? કમ નથી, હો! શી વેતરણ કરે છે - જાણો છો?"
સાંભળનારાઓના કામ ચમક્યા.
"એને પરણવું છે: હે- હે-હે-હે..."
અને પાંચ જણા નિચોવાતા કપડાની માફક મરડાઇને હસ્યા.
દૂરથી શંકાશીલ બનેલી સ્ટેશન-માસ્તરની વહુએ તીણી ચીસે પૂછ્યું : "અલ્યા, કેમ દાંત કાઢો છો?"
"એકાદ દી આંહી આવીએ તો દાંતેય ન કાઢવા અમારે?"
ને બીજાએ ઉમેર્યું : "ઘરે પોગ્યા પછી તો રોવાનું છે જ ને, બાઇ!"
"રહો તમે રોયાઓ! એલા, સાહેબને બોલાવી લાવ. એને સીધા કરે." માસ્તર-પત્નીએ સાંધાવાળાને હુકમ કર્યો.
"એ લ્યો બોલાવું." કહી સાંધાવાળો આ સ્વાભાવિક ભાઈબંધો પ્રત્યે આંખ મારતો સ્ટેશન તરફ ચાલ્યો ગયો.
"ગાડી છૂટી... છે..." એવો માસ્તરનો પુકાર પડ્યો. ડંકા બજાવીને થોડી વારે સાંધાવાળો સાંધાનો હૅન્ડલ દબાવી, ઉપર ઘોડો પલાણીને બેસી ગયો. મડદા જેવા સ્ટેશનમાં નવસૃષ્ટિ સળવળી ઊઠી. ગાડી આવી ત્યારે ચારેય ગામડિયા દરવાજાની બહાર 'રેલિંગ'ની પડઘી ઉપર પાંજરાપોળની પીંજરગાડીમાંથી ડોકિયું કરી જોતાં ઓશિયાળા કૂતરાંની માફક તાકી રહ્યા.
હાંફતી-હાંફતી ગાડી ઊભી રહી. કેટલાંક ઉતારુઓ ઊતરતાં હતાં, તેમાં અમલદાર કયો તે આ ચાર જણ એકદમ નક્કી ન કરી શક્યા. ભૂલભૂલમાં ભળતા પોશાકવાળા બે-ચારેકને સલામો પણ કરી નાખી.