11/08/2020
અત્યાર સુધી માત્ર ગુજરાત માં જ લગભગ ૨૫ જેટલા ડોક્ટર્સ છેલ્લા ત્રણ મહિનામાં કોરોના સામે ની જંગ માં શહિદ થયી ચુક્યા છે અને સમગ્ર દેશ માં આ ગણતરી લગભગ ૨૦૦ ના આંકડા ને પાર કરી ગયી છે..અને આ માત્ર કોરોના ને લીધે મૃત્યું પામ્યા હોય એવા ડોક્ટર્સ નો આંકડો છે. કોરોનાગ્રસ્ત થયી ને સ્વસ્થ થયા હોય એ આંક જુદો. અને સામાન્ય પ્રજા માં મૃત્યુઆંક લગભગ ૨- ૩ ટકા જેટલો છે ત્યારે ડોક્ટરો માં આ જ મૃત્યુઆંક લગભગ ૧૧-૧૨ ટકા જેવો થવા જાય છે.
યુધ્ધગ્રસ્ત પરિસ્થિતિ માં જે કામ સૈનીકો સીમા પર કરતા હોય છે એ જ કામ અત્યારે ડોક્ટરો સીમા ની અંદર કરી રહ્યા છે.
પોતાના જીવ ના જોખમે પણ સમાજ કાજે એવા દુશ્મન સાથે બાથ બિડી ને મંડ્યા છે જે દુશ્મન નરી આંખેથી દેખાતો પણ નથી. કદાચ આને કટોકટી ના સમય ની તબીબી ફરજ નો ભાગ ગણવા માં આવે અને એ ફરજ મોટા ભાગ ના તબીબો સુપેરે નિભાવી પણ રહ્યા છે . પણ તો પછી એમને જવાનો ની જેમ સન્માનિય દૃષ્ટિએ જોવાની વાત તો દૂર રહી પણ તબીબી આલમ પર રીતસર ના માછલાં ધોવાની હવે તો જાણે ફેશન ચાલી છે. મેડિકલ નો મ ય ના આવડતો હોય એવાં લોકો હવે ફાટી ને ધૂમાડે થાય છે અને ઉપર થી શિખામણો નો ધોધ વ્હેડાવે. "તમારે આમ કરવું જોઈએ ને તમારે તેમ તો નો જ કરાય"."આવું તો તમારા થી થાય જ કેમ? "
આમાંથી એક ને પણ પીપીઈ કીટ આપીને માત્ર અર્ધો કલાક કોરોના વોર્ડ માં ખાલી આંટો મારવાનો કહેશો ને તો પણ એકેય ઉભો નહિ રહે ,બધા ઉભી પૂંછડીએ ભાગશે.પણ છેલ્લી ઘડીએ લવાયેલ દર્દી ને જો ડૉક્ટર પૂરતા પ્રયત્નો છતાં ના બચાવી શકે તો આવા pseudo ભડવીરો ના રોષ નો ભોગ બની જાય.
તાજેતર માં જ છેલ્લા એક મહિના ની અંદર એક જેવા જ બે બનાવ બન્યા જેમાં રાજકોટ ના રેસકોર્સ રિંગ રોડ પર મોર્નિંગ વૉક માં નિકળેલ અમુક નાગરિક હાર્ટ એટેક ને લીધે રસ્તા પર જ ઢળી પડયા અને સંજોગવાશત બંને બનાવ માં મોર્નિંગ વૉક માં જ નીકળેલ અને ત્યાંથી પસાર થતા ડોક્ટર્સ એ કોરોના કાળ માં પોતાનો જીવ જોખમ માં નાંખી ને એમને cardiac thumps અને mouth to mouth શ્વાસોચ્છવાસ આપીને બચાવવા ના પ્રયત્નો કર્યા. એમને ન માત્ર પોતાનો નાગરિક ધર્મ બજાવ્યો પણ ડૉક્ટરી ફરજ પણ અદા કરી અને એ પણ નિઃસ્વાર્થ ભાવે. એક કિસ્સા માં રાજકોટ ની જાણીતી સ્ટર્લિંગ હોસ્પિટલ માં ફરજ બજાવતા ડૉ. અજીતસિંહ વાઢેર હતા જેમને એક પેરામેડીકેલ સ્ટાફ નો પણ સહકાર મળેલ અને બીજાં કિસ્સા માં રાજકોટ ના જાણીતા ગાયનેકોલોજિસ્ટ ડૉ બીના ભટ્ટ હતા. બંને ડોક્ટર્સ ના સોશ્યિલ મીડિયા પર ખૂબ વખાણ થયા. અને થવા જ જોઈએ. સારા કામ ને બિરદાવવું જ રહ્યું. કમનસીબે બંને કિસ્સામાં દર્દી હોસ્પિટલ પહોંચ્યા ત્યાં સુધી માં એમનું પ્રાણપનકહેરુ ઉડી ચૂક્યું હતું પણ વિચારવાની વાત એ છે કે આવો જ scenario હોસ્પિટલમાં થયો હોત અને ડોક્ટર્સ પોતાના બધા પ્રયત્નો છતાં દર્દી ને બચાવી ના શકત તો એમને આવી વાહવાહી મળી હોત કે પછી અજ્ઞાની સગાં વ્હાલા ના રોષ નું ભોગ બનવું પડ્યું હોત. બંને પરિસ્થિતિ માં ડોક્ટરોએ તો પોતાના થી બનતા બધાં પ્રયત્નો જ કર્યા હતા તો પછી આવું કેમ?
આવો જ બીજો એક કિસ્સો કદાચ તમારી આંખ અને દિમાગ ઉઘાડે..
તા-૯/૮/૨૦: BAPS હોસ્પીટલ, covid ICU, સુરત
એક દર્દી નુ ઓક્સીજન લેવલ અચાનક ઘટવા લાગ્યુ,એના ફેફસા કોરોના સામે હાર માની બેઠા અને ઇન્ટુબેશન કરી વેન્ટીલેટર પર મુકવાની જરુરીયાત ઉભીથઇ, ત્યાના અનુભવી ડોક્ટર એ પોતાની રીતે બધા પ્રયત્નો કરી થાક્યા પણ દર્દી ની સાંકડી સ્વાસનળી મચક આપતી ન હતી,
આવા કિસ્સામા એનેસ્થેટીસ્ટ ડોક્ટર જ નળી નાખવાનુ હુનર ધરાવતા હોય છે પણ એ ગણત્રી ની મીનીટો મા એનેસ્થેટીસ્ટ લાવવા ક્યાથી ? જો ૩-૫ મીનીટ મા ઇન્ટુબેટ ના થાય તો દર્દી જીવ ગુમાવે..
અને જેમ સાક્ષાત ભગવાન હાજર થયા હોય એ રીતે ડો.સંકેત મહેતા જે પોતે કોરોના સંક્રમણ થી ત્યા દાખલ હતા અને એમની કંડીશન સારી ન હોવાથી HiFlow oxygen પર હતા. એમણે આ બધુ જોયુ અને અચાનક શરીર મા જોમ ભેગુ કરી ઓક્સીજન લેતા લેતા પેલા દર્દી ને ઇન્ટુબેટ કરી જીવ બચાવ્યો..
લખી રાખજો મીત્રો આવા ગાંડાઓ ખાલી ભારતમા જ પાકે જે પોતાના જીવ ની પરવા કર્યાવીના દર્દી ના જીવ બચાવે.
અમે આપ સૌને, સમાજ ને બે હાથ જોડી ને વિનંતી કરીએ છીએ કે અમારી ઉપર ભરોસો રાખો. અમારે નથી જોયીતું કે અમને ભગવાન નું રૂપ માનો . અમે પણ માણસ છીએ ,માત્ર મેડિકલ ક્ષેત્રે થોડું ઘણું જાણીએ છીએ એટલે આપના દુઃખ દર્દ મટાડવાની કોશિશ કરીયે છીએ પણ ઈશ્વરની ઈચ્છા આગળ અમારું પણ કશું ચાલતું નથી. જો ચાલતું હોત તો અમે અમારા ડોક્ટર બંધુઓ ને શુ કામ મૃત્યું પામવા દઇએ.
ફરીવાર એક વિનંતી
🙏🙏🙏