
27/05/2025
*બાળક માટે ઘર એ જ પાઠશાળા : આપણું વર્તન એ જ તેનો અભ્યાસક્રમ..!*
ડૉ.કૃણાલ પંચાલ
*ક્ષણે ક્ષણ શિક્ષણ*
*માનવીય સંબંધો, કાર્ય પ્રત્યેની નિષ્ઠા, જીવન પ્રત્યેનો અભિગમ, મહેનતનું મહત્વ, વ્યવહારની કુશળતા, સચ્ચાઈ અને પ્રામાણિકતાના મૂલ્યો બાળક છ વર્ષ સુધીમાં ઘરમાંથી જેવુ વાતાવરણ મળે તે માંથી જ શીખી જતું હોય છે. આ સમય વીતી જાય તો પછી બાળકને મૂલ્ય શીખવાડવું બહુ દોહલ્યુ છે..!*
પુસ્તક વાંચીને તરવાની રીત શીખી ન શકાય, તરવા માટે તો નદી કે સરોવરમાં ઝંપલાવાવું જ પડે..! એ જ રીતે બાળઉછેર એ પ્રાયોગિક પ્રક્રિયા હોવાથી તેના વિશેના માત્ર પુસ્તકોના વાંચનથી શ્રેષ્ઠ બાળઉછેર શક્ય નથી. અહીં જરૂર છે તેના અમલીકરણની.. મોટાભાગે જીવનમાં પણ એવું જ બનતું હોય છે કે આપણે કથાઓ અને વ્યાખ્યાનો ખૂબ સાંભળીએ પરંતુ તેનો અમલ ન થવાના કારણે અંતે તો ત્યાંના ત્યાં જ રહીએ છીએ..!
બાળકનું પ્રત્યેક વર્તન આપણા વર્તનનું પ્રતિબિંબ હોય છે. કેમ કે બાળક બધું જ જોઈને શીખે છે. બાળકના વર્તનને સમજવા માટે એક વાસ્તવિક ઘટના મારે આપ સૌને કહેવી છે. એક દિવસ બાળમંદિરમાં ચાર વર્ષનો દીકરો જ્યારે શિક્ષિકા તેમને પ્રવૃત્તિ કરાવી રહી હતી ત્યારે કોઈ વાતે પણ ગમો થતાં અચાનક ચિલ્લાઈને બોલ્યો, 'એક ઝાપટ આપી દઈશ..!' હંમેશા ખૂબ ડાહ્યો અને પ્રસન્ન રહેતો આ બાળક અચાનક ગુસ્સાથી લાલ થઈને આવા શબ્દો બોલે એ શિક્ષિકા માટે વજ્રઘાત સમાન હતું. પ્રથમ દૃષ્ટિએ શિક્ષિકાએ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ આજના દિવસે તેનું સમગ્ર વર્તન કંઈક જુદું જ હતું.
શાળામાં રજા પડી અને જ્યારે બાળકના મમ્મી તેને તેડવા માટે આવ્યા ત્યારે શિક્ષિકાએ પૂછ્યું કાલે ઘરમાં કોઈ ઝઘડો થયો હતો..? પેલા બહેને સહેજ અંચકાઈને સામો પ્રશ્ન પૂછ્યો, શું થયું ? કેમ આવો પ્રશ્ન પૂછો છો ? શિક્ષિકાએ પુનઃ પૂછ્યું, 'ઘરે કોઈના વચ્ચે ઝઘડો થયો હતો ?' જવાબમાં માતાએ સઘળી હકીકત જણાવતા કહ્યું કે બહેન છેલ્લા કેટલાક દિવસથી અમારા બંને જણાં વચ્ચે ખૂબ ઝઘડો ચાલી રહ્યો છે. તેના પપ્પાએ મારા પર હાથ પણ ઉપાડ્યો છે..! મને વારંવાર ઝાપટ મારવાની અને ઘરમાંથી કાઢી મૂકવાની ધમકીઓ મળે છે..! શિક્ષિકાને સઘળી બાબત સમજાઈ ગઈ. તેની શંકા સાચી પડી. બીજા દિવસે માતા-પિતાને બોલાવી તેમના વર્તનની દીકરા પરની અસર ગંભીરતાથી સમજાવી. આ ઘટના પછી બાળક પર ઝઘડાની અસર દૂર કરવામાં શાળાને બહુ સમય લાગ્યો..! ખૂબ વ્યક્તિગત ધ્યાન આપવું પડ્યું..મિત્રો, પ્રશ્ન એ છે કે શું દરેક બાળકને આવા શિક્ષિકા કે શાળા મળે છે ? અને જો નથી મળતા તો તેણે અનુભવેલા ઝઘડાના મૂળ તેને ક્યારેક જેલ સુધી લઈ જઈ શકે છે..!
ઉપરોક્ત ઘટના પરથી કહી શકાય કે, ઘરમાં બનતી તમામ ઘટનાઓ બાળકના ઉછેર ને બહુ ગાઢ અસર કરે છે. આવા સમયે આપણી ફરજ બને છે કે બાળકને ઉત્તમ વાતાવરણ આપીએ. માનવીય સંબંધો, કાર્ય પ્રત્યેની નિષ્ઠા, જીવન પ્રત્યેનો અભિગમ, મહેનતનું મહત્વ, વ્યવહારની કુશળતા, સચ્ચાઈ અને પ્રામાણિકતાના મૂલ્યો બાળક છ વર્ષ સુધીમાં જ શીખી જતું હોય છે. આ સમય વીતી જાય તો પછી બાળકને શીખવાડવું બહુ દોહલ્યું છે..!
જેવી રીતે બાવળ વાવીને મીઠી કેરીની અપેક્ષા ન રાખી શકાય તેવી જ રીતે ઘરમાં ખરાબ અનુભવો આપીને ઉત્તમ મનુષ્ય નિર્માણની અપેક્ષા કદી ન રાખી શકાય..! બાળકના ઉત્તમ ઉછેર માટે તેની સાથે બાળક થવું અને તેના ઘડવૈયા બનીને વર્તન કરવું ખૂબ અનિવાર્ય છે. જેવી રીતે માટલું ઘડતી વખતે કુંભાર અંદરથી ટેકો આપે છે અને ઉપરથી ટાપલી મારે છે. આ જ પ્રક્રિયા બાળઉછેરમાં પણ અનુસરવા જેવી છે..!
બાળક સાથેનો સંવાદ મીઠાશવાળો, પ્રેમાળ અને ઋજુ હોય એ ખૂબ આવશ્યક છે. કારણ કે કડક કે કઠોર વચનોથી બાળકના મનને આઘાત થાય છે. જેની અસર આજીવન તેના વ્યક્તિત્વમાં જોવા મળે છે. બાળકને ક્યારેય ડરાવું ન જોઈએ. ઘણીવાર માતા-પિતા વાઘ ઉપાડી જશે. પોલીસ લઈ જશે. બાવો ઉપાડી જશે. આવા વાક્યો બોલે છે જે બાળકને આજીવન ડરપોક બનાવવા માટે પૂરતા હોય છે.
ઘરમાં વારંવાર જૂઠું બોલવા ટેવાઈ ગયેલા માતા-પિતાએ પણ ચેતવાની જરૂર છે. બાળકની સામે ઘરે બેઠા હોવા છતાં ફોનમાં એવું કહીએ કે, 'હું બહાર છું થોડીવાર પછી આવું છું..!' આવું કહેનાર માતા-પિતા બાળક પાસે સત્ય બોલવાની અપેક્ષા રાખે એ કેટલું વાજબી ?
બાળ કેળવણીના બ્રહ્મા શ્રી ગિજુભાઈ બધેકા 'મા બાપોને' પુસ્તકમાં લખે છે કે, "બાળકનું સ્વતંત્ર અસ્તિત્વ સ્વીકારી મોટા લોકોને જેમ જ તેની સાથે વર્તન કરવું હિતાવહ છે." આ વાત માત્ર માતા-પિતાને નહીં પરંતુ શિક્ષકોને પણ એટલી જ લાગુ પડે છે કારણ કે વર્ગખંડના પ્રત્યેક બાળક સામે શિક્ષક શ્રેષ્ઠ વર્તન કરશે તો જ સાચા અર્થમાં તેજસ્વી બાળકથી તેજસ્વી ભારતનું નિર્માણ શક્ય બનશે..!
*શીખવા જેવું :* બાળક સાથે બાળક બની રહીએ. પ્રેમપૂર્વક સંવાદ કરીએ. બાળકને ક્યારેય ડરાવીએ નહીં. મૂલ્ય જીવી બતાવીએ. મૂલ્યની વાતો ન હોય..!
(લેખક ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીમાં અધ્યાપક છે.)
મો: 9429297737