15/06/2023
ઘોડીયું/પારણું/હિંચકો
''જાવ ને બા, કાના ને હીંચકાવો ને!, હું રસોઈ બનાવી નાખું''. - જે ઘર માં બે-અઢી વરસ થી નાનું ઘોડીયે હીંચકતું ટાબરીયું હશે ત્યાં આ સંવાદ સામાન્ય છે.
ચાલો આજે વાત કરીએ આવા હિંચકવાની ટેવ(કુટેવ વાળા) ટેણીયા ની. ગજબ છે આ વામન. ભારે અળવીતરું હોય ને કોઈ વાતે ગાંઠે નહીં હોં. હિંચક્યા કરવાની એની ટેવ એટલી હદે વકરેલી હોય કે તમને એમ જ લાગે કે ૨૪ કલાક ના દિવસ માં આને ૩૦ કલાક હિંચકી લેવું હશે? હિંચકા સાથે વળી પાછું સ્પેસીફીક અવાજ માં એને ગમતું હોય એવું જ હાલરડું ય હાજર જોઈએ, નહીંતર લાટસાહેબ ને હિંચકા નો નશો ચડતો નથીં. ઘર માં એક માણહ ને સતત હિંચકાવવાના ધંધે રાખી ને આ 'શેઠ' રોજગારી પૂરી પાડતા હોય એમ ઉપકાર કરે છે.
એની જાહોજલાલી ની વાત જ શું કરવી?
આ ટેણીયા ની અંદર કુદરતી એવા સેન્સર 'કંપની ફીટેડ' આવે છે કે હિંચકો જરાય ધીમો પડે તો બુમરાણ મચાવી દે, ભર ઊંઘ માં હોય તો ય દરેક હિંચકે કેટલા ન્યુટન બળ વપરાય છે, એ બળ નું સાતત્ય જળવાય છે કે કેમ એ બધું એના 'મધરબોર્ડ' માં સતત અંકીત થયા કરે,,,,, અને જેવો એના મગજ ના Quality Control વિભાગ ને હિંચકવાની ગુણવત્તા માં ફેરફાર જણાય એટલે સ્વરતંતુ ને ડાયરેક્ટ ઓર્ડર જાય કે શક્ય એટલા ઊંચા ડેસીબલ ના અવાજ સાથે ગાંગરો, નહિંતર આ હિંચકાવવા વાળા 'કારીગર' ને કામચોરી કોઠે પડી જાશે. આખો દિવસ હિંચકા માં જ કાઢવા વાળા ગઠીયા ઠેર ઠેર છે ભાઈ. હજી તો જાગ્યા હોય ત્યાં ઘોડીયા માં બેઠા બેઠા ફોન જોવો કે આજુબાજુ પોતાના ફેલાવેલા રાજપાટ નું નિરીક્ષણ કરવું એ આ લોકો નો મુખ્ય ટાઈમપાસ. ક્યારેક વળી ડબલ મોજ કરવી હોય તો ખોયા માં સીધા ને બદલે આડા બેસી ને રીતસર લીમડે હિંચકતા હોય એમ કલાકો પસાર કરે બોલો. મને તો એ વાત નું આશ્ચર્ય થાય કે આટલું આટલું હિંચકવા છતાં એને કોઈ દિ' ઘોડિયું 'અપખે' નથી થાતું ને ના તો કોઈ દિ' એને ચક્કર આવે કે 'ભાઈ હિંચકો ઊભો રાખો મને ચક્કર આવે છે'.😂😂
ક્યારેક મેઈન કારીગર ને 'રજા' જો'તી હોય તો ય આ બાપડા બુમરાણ મચાવી દે-એને ગમતા કારીગરે ઘડીક ય હલવાનું નહીં, ને શેઠ ભર ઊંઘ માં છે એમ ધારી ને તમે 'રીપ્લેસમેન્ટ' માણહ મુકો એટલે બીજી જ સેકન્ડે જાગીને દેકારો ચાલું. 😂
પાયા ની નીચે જે રબર ના ડટ્ટા આવે છે એ ખાલી નવા ઘોડીયા માં જ જોવા મળે, બાકી એકાદ બે આવા ડટ્ટા તો ટાબરીયા ના ત્રાસ ને લીધે ફરાર જ હોય. જો લાદી થોડીક વધારે ઘસાઈ ગયેલી હોય કે ટેણીયું જરીક વધુ લોંઠકુ હોય તો ઘોડીયા નો એકા'દો પગ લપસ્યા કરે. હિંચકાવવા વાળા માટે એક કામ વધારે, જે બાજુ નો પાયો પોતાની ફરજ ચૂકે એને પગ ઠેરાવવાનો અને ઘોડીયું પોતાની જગ્યાએ થી દોરાવાર ય હલે નહીં એવી નકામી કોશિશ કર્યા કરવાની.
આવા કપરાં સમય માં ઘોડીયું હિંચકાવવા ય નય્ત નવા પેંતરા શીખી ગયા છીએ આપણે લોકો. દોરી લાંબી કરી ને છેક રસોડા માં બેસી ને હિંચકાવવા થી માંડી ને પગ ના અંગુઠે દોરી ની આંટી ચડાવીને હિંચકાવતા આપણે શીખી ગયા. હવે તો સંગીત વાગવા સાથે હિંચકાવે એવી મોટરું આવી ગઈ બોલો.
ઘોડીયું ય ભારે નકટું, એનું એટલું વ્હાલું થઈ જાય કે જ્યાં ત્યાં પ્રસંગે ય જવાનું થાય તો પેક થાય એવું ઘોડીયું ગાડી માં પહેલું જઈને ડીકી માં ગોઠવાઈ જાય. રેસ્ટોરન્ટ/હોટેલ વાળાં ય સુવિધા માટે ઘોડીયાં રાખવા માંડ્યાં છે. ઘોડીયા નાં વ્યસનીઓ નો એક નોખો વર્ગ છે, અને બધે ય એમણે દહેશત ફેલાવી રાખી છે આ સ્પેશિયલ સુવિધા મેળવવા. આ સુવિધા ના આપો તો તમે ગમ્મે એવા પ્રસંગ માં ભલે હોવ, તમારા સગા ભાઈ ના લગન ભલે ને હોય, તમને અડધે પ્રસંગે ઘરે પાછા વાળે એવા બંધાણી હોય આ.
બાળરાજા ને ઘોડીયું કોઠે પડી ગયા પછી ભુલવાડવા માટે આખા ઘર ને તપ કરવું પડે હોં. એ ૩-૪ દિવસ ( સોરી , રાત) દરેક ના જીવન નો યાદગાર સમય હોય, એક એક મિનીટ કાઢવી કેવી અઘરી પડે એ 'શેઠ'ના લગભગ બધાં 'કારીગરો' ને યાદ હશે...!!!!😄
Rakesh