20/06/2025
1) ડેન્ગ્યુ થયો હોય એ કેમ ખબર પડે અને કયાં લક્ષણો દેખાય તો હૉસ્પિટલમાં દાખલ થવું જોઈએ?
ગુજરાતમાં હાલના સમયમાં અમદાવાદ સહિત અનેક શહેરોમાં ડેન્ગ્યુના કેસમાં વધારો જોવા મળ્યો છે. ચોમાસા દરમિયાન ખાસ કરીને બાળકોમાં તાવનું પ્રમાણ વધી જતું હોય છે.
ડેન્ગ્યુના તાવમાં શરીરના સાંધા અને હાડકાં એટલા દુખે છે કે દર્દી માટે દુખાવો અસહ્ય બની જતો હોય છે. આથી તેને લોકભોગ્ય ભાષામાં 'હાડકાંતોડ' તાવ પણ કહે છે.
2) ડેન્ગ્યુ તાવનાં લક્ષણો કયાં છે?
- ચેપી મચ્છર માણસને કરડે તેના પછીના પાંચથી છ દિવસમાં માણસોમાં ડેન્ગ્યુ વાઇરસનાં લક્ષણો દેખાવાનું શરૂ થાય છે.
- છ થી સાત દિવસ સુધી સતત તાવ આવે છે, સતત માથું દુખે, શરીર તૂટે એટલે કે ખૂબ દુખાવો અનુભવાય, સાંધા દુખે અને જો ડેન્ગ્યુને કારણે શરીરમાં આંતરિક હાનિ પહોંચવાનું શરૂ થાય ત્યારે ઝાડાં ઊલટી શરૂ થાય છે. અને તે કાબુમાં નથી આવતા. કેટલાક કિસ્સામાં આંતરિક રક્તસ્ત્રાવને કારણે શરીર પર લાલ ચાઠાં પડે અને ખંજવાળ આવે છે.
ડેન્ગ્યુનાં લક્ષણો
* છ થી સાત દિવસ સુધી સતત તાવ
* માથું દુખવું
* શરીર તૂટવું
* સાંધા દુખવા
* ઝાડાં ઊલટી
* શરીર પર ચાઠાં પડે અને ખંજવાળ આવે
3) કયાં લક્ષણો દેખાય તો હૉસ્પિટલમાં દાખલ થવું જોઈએ?
- ડાયાબિટીસ, હૃદયની સમસ્યા હોય, કિડનીની સમસ્યા હોય તો એવા કિસ્સામાં ત્રાકકણ અને શ્વેતકણ ઘટતા સ્થિતિ જીવલેણ બની શકે છે.
- ડેન્ગ્યુ સમયે ડૉક્ટરના સંપર્કમાં રહો અને જો ડૉક્ટર કહે કે નિરીક્ષણ માટે દાખલ થવું પડશે તો દાખલ થવું જોઈએ. એનાથી કદાચ કોઈ રક્તસ્ત્રાવ થાય તો તાત્કાલિક ઇલાજ કરી શકાય.
- જેમનો ખોરાક અતિશય ઓછો છે અને જેઓ ખોરાક પાણી કે અન્ય પ્રવાહી ના લઈ શકે તેમણે, જેમને પેશાબ એકદમ પીળા રંગનો થાય કે જેમનો પેશાબ લાલ રંગનો થાય તો હૉસ્પિટલમાં દાખલ થવું પડે છે.
- જેમને ઊલટીઓ ખૂબ થઈ રહી હોય તેમને જેમને ઝાડા ખૂબ થઈ રહ્યા છે તેમના શરીરમાં પાણી ઘટી જતું હોય છે. આવા કિસ્સામાં હૉસ્પિટલમાં દાખલ થવું પડે છે.
- ઝાડામાં, પેશાબમાં કે નાકમાંથી લોહી નીકળતું હોય તો તે આંતરિક રક્તસ્ત્રાવનું સૂચક છે. આથી સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ થવું પડે.
4) ડેન્ગ્યુ થાય ત્યારે કઈ બાબતોનું ધ્યાન રાખવું?
- ડેન્ગ્યુ થયા પછી તેમાંથી સાજા થવાનો એક જ ઈલાજ છે આરામ અને પાણી.એવા લોકો જેઓ શરીરના વજનના અનુપાતમાં સાડા ત્રણથી ચાર લીટર પ્રવાહી શરીરમાં જાય તેવો પ્રયાસ કરવો જોઈએ. જેમાં સંતરા મોસંબીનો જ્યુસ, નાળિયેર પાણી, પીવાનું પાણી સહિતનાં પ્રવાહી લેવાં જોઈએ.
- નુસખાઓ કરવાનું ટાળો. જેમ કે કોઈ ઉકાળા, દ્રવ્યો વગેરે ના લેવા. કોઈ ઍન્ટિબાયોટિક પણ નથી લેવાની.
5) ડેન્ગ્યુ કયા કિસ્સામાં જોખમી બની શકે છે?
- આમ તો જેને ડેન્ગ્યુ થયો હોય તેવા દર્દીઓ એક થી બે અઠવાડિયાના સમયગાળામાં સાજા થઈ જતા હોય છે.
- છતાં કેટલીક વાર ત્પ્લેટલેટ એટલા ઘટે કે લીવરને નુકસાન કરી જાય લોહી એટલું પાતળું થઈ જાય કે એ બધેથી રિસવા લાગે તો તેને ડેન્ગ્યુ હૅમરેજીક ફીવર કહેવાય. ડેન્ગ્યુની આવી અસરોમાંથી પસાર થયા પછી દર્દી જ્યારે ઘરે હોય ત્યારે પણ ખાન-પાનથી લઈ ઘણી બાબતોની કાળજી રાખવી જરૂરી હોય છે.
- આની સાથે કેટલાકને ડેન્ગ્યુ શૉક થતો હોય છે. તેમાં દર્દીના શરીરમાંથી ઘણું લોહી વહી જાય છે. દર્દીનું બીપી ડાઉન થવા લાગે છે. આ સમયે દર્દીની તબીબી દેખરેખની જરૂર પડતી હોય છે.
6) ડેન્ગ્યુ મટી ગયા પછી શું ધ્યાન રાખવું?
- ડેન્ગ્યુમાંથી સાજા થયા પછી દર્દીને ઘણી નબળાઈ રહી જતી હોય છે. આવા સમયે તેમને થાક ખૂબ લાગતો હોય છે. તમારા તબીબના સંપર્કમાં રહો અને જો થાક કે નબળાઈની સમસ્યા વધારે હોય તો ડૉક્ટરના માર્ગદર્શન મુજબ દવા લો. જાતે જ પેઇનકિલર કે શક્તિની દવાઓ ના લેવી.
- વાળ ઊતરવાની સમસ્યા સામાન્ય રીતે આ પ્રકારના ભારે તાવ પછી ઘણા દર્દીઓને થતી હોય છે. આવા સમયે વાળ ખરતા રોકાય નહીં તો ડૉક્ટરને બતાવી દવા શરૂ કરો.
- આવી સમસ્યા ના થાય એ માટે પાણી પૂરતા પ્રમાણમાં પીવો, બહારનો ખોરાક ના ખાવ.