05/08/2021
*ઘઉંમાંથી જ બનવા છતાં મેંદો ખાવામાં હાનિકારક કેમ છે?*
(કેતકી જાની: મુંબઈ સમાચાર)
સવાલ: મારાં બાળકોને બ્રેડ, પિઝા- બન, પાસ્તા, બર્ગર જેવી મેંદાની આઇટમો ખૂબ ભાવે છે. રોટલીના બદલે પણ નાન કે મેંદાની ફરસી પૂરીને તેઓ પ્રાધાન્ય આપે છે. તેઓનું પેટ રોજેરોજ મેંદો ખાવાથી બગડે? મેંદો ઘઉંમાંથી જ બને છે, તો તે ખાવો કેમ હાનિકારક? તેનાથી શું નુકસાન? તેના કંઇક ફાયદા પણ હશે ને? ઘઉં જ એકદમ ઝીણા દળાય તો મેંદો બનતો હોય તો તે ખાવામાં શું વાંધો?
જવાબ: પ્રિય બહેન, હા-મેંદો ઘઉંમાંથી જ બને છે. આપની આ વાત તદ્દન સાચી છે, પરંતુ કદાચ તે ઘઉંમાંથી કેવી રીતે બને છે. તે પ્રોસેસથી કદાચ તમે અજાણ છો. સૌપ્રથમ તો તમને એ જણાવું પછી તમારી મેંદા અંગેની ગેરસમજણ દૂર થશે. મેંદો તૈયાર કરવા ઘઉં ઉપર જે પ્રક્રિયા થાય છે તેમાં ઘઉંમાં રહેલું તમામેતમામ સત્ત્વ નષ્ટ થઈ જાય છે. આ પ્રક્રિયા દરમિયાન ઘઉંને અનેક પ્રોસેસિંગ લેવલમાં પસાર કરાય છે. રિફાઇન્ડ કરવામાં આવે ત્યારે ઘઉંનું ઉપરનું પડ અને તેમાં રહેલ ફાઇબર-તેનું બધું જ હટાવી દેવાય છે. આના કારણે ઘઉંના અધિકાંશ ફાઇબર અને પૌષકત્ત્વો જેમ કે વિટામિન્સ મિનરલ્સ અને ફાઇટોકેમિકલ્સ નાશ પામે છે. આ સિવાય આગળ મેંદાને બિલકુલ ધોળોધબ્બ, દૂધ જેવો સફેદ કરવા તેના પર બ્લીચિંગની રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે છે. તેમાં સુધ્ધાં સત્વહીન ઘઉંમાં કેમિકલ્સ ઉમેરાય છે જે માણસનું સ્વાસ્થ્ય ખોરવી નાખે છે. હવે આમ ઉપરોક્ત રાસાયણિક પ્રક્રિયામાં પસાર થઈ મેંદો બનેલા ઘઉં પોતાનાં તમામ મૂળ ગુણધર્મો ખોઈ બેઠેલા હોઇ તેની તાસીર જ બદલાઇ જાય છે. તેથી એસિડિક ગુણધર્મવાળો મેંદો એસિડીટી તો કરે જ સાથે વધુ સમય ખાનારનાં હાડકાં સુધ્ધાં ગાળી નાખે તેવો ખતરનાક હોય છે. તેનાથી હાડકાનું કેલ્શિયમ અને બોન ડેંસિટી ઓછી થઈ જાય છે. જેનાથી અનેક પ્રકારના વિકારો થાય છે. મેંદાની અતિશય ચિકણાશને કારણે જ્યારે માણસ ખાય ત્યારે તે આંતરડામાં ચોંટી જાય છે. આમ પચ્યા વગર આંતરડામાં ચોંટેલો મેંદો વખત જતાં શરીરમાં જ કહોવાય અને શરીરમાં અનેક રોગોનું મૂળ ઊભું કરવામાં કારણભૂત બને છે. ફાયબર શૂન્ય હોવાથી અન્ય ભોજન સાથે પાચનક્રિયાનો ભાગ બનનાર મેંદો પચવામાં ખૂબ જ વાર લાગે. જે પણ પેટ માટે અણગમતી મુશ્કેલી જેવું જ છે. જો રોજેરોજ મેંદો ખાવામાં આવે તો આ જ કારણસર જે તે વ્યક્તિની પાચનક્રિયા ધીમી કરવા સાથે જ તેના શરીરનું મેટા-બોલિઝમ પણ ક્રમશ: ધીમું થઈ જાય છે. જે વજન વધવું, માથામાં દુ:ખાવો રહેવો જેવી આફતને આમંત્રણ છે. ઉપરાંત મેંદામાં ગ્લાઇસેમિક ઇન્ડેક્સ ખૂબ જ વધુ હોય છે. તેના કારણે તેનું સેવન કર્યા બાદ શરીરમાં સાકરનું પ્રમાણ એ હદે વધી જાય છે કે પેન્કીયાઝ અતિ સક્રિય બની પર્યાપ્ત માત્રાથી વધારે ઇન્સ્યુલિન બનાવે છે. જો રોજેરોજ મેંદો ખાવ અને રોજેરોજ આ પ્રકારે શરીર વધુ સક્રિય થઈ ઇન્સ્યુલિન બનાવે તો ક્રમશ: ઇન્સ્યુલિનનું પ્રોડકશન જ ખોરવાય છે, જે શરીરને ડાયાબિટીસની ગર્તામાં ધકેલે છે. આગળ જણાવી તે પાચનની ગરબડ શરીરને પેટમાં દુ:ખાવો, કબજિયાત જેવી ભેટ પણ આપે છે. આમ પોષણ આપવામાં સદંતર નિષ્ફળ એવો મેંદો શરીર માટે કંઈ જ કામનો રહેતો નથી. તેથી જ તેને ઘઉંમાંથી બનેલો હોવા છતાં તેના કોઈ જ પોષકતત્ત્વો ના ધરાવતો હોવાથી માણસ જાતનો દુશ્મન માનવામાં આવે છે. મેંદાની પાચન સંબંધી સમસ્યાથી શરીરમાં હાનિકારક કોલેસ્ટ્રોલ (એલડીએલ) વધી જાય છે જેને કારણે હાઇ બી. પી. અને મૂડ સ્વિંગ્સ જેવી મુસીબતો પણ આવી શકે છે. મેંદામાં રહેલ વિવિધ રસાયણો-કેમિકલ્સ મનુષ્યમાં જરૂર વગર પણ ભૂખ લાગી છે’ની ઇચ્છા જગાવે છે જેથી વધુ ખાવાની આદત પડે છે અને તેથી મેંદાને કારણે જ અનિચ્છનીય એવું લઠ્ઠું પણુ આવે છે.
અહીં જણાવ્યા તેવા તમામ નુકશાન સાથે ઘણા અન્ય પણ ગેરફાયદા વધુ મેંદો ખાનારને થાય છે. કેમ કે પાચનક્રિયામાં અવરોધ શરીરના બધા જ અંગોના કામમાં એક કે બીજી રીતે અસર કરે છે. માટે રોજેરોજ મેંદો ખાવો એક્સો દસ ટકા હાનિકારક છે. અને હા, તેના સેવનથી એક પણ ફાયદો નથી જ નથી. માટે તમારાં બાળકોના ડાયેટ પ્લાનથી વહેલામાં વહેલી તકે મેંદાને બહાર કરી દેવા માટે પ્રયત્નશીલ થાવ. તેમને રુટિન ઘઉંના લોટની વિવિધ ખાદ્ય સામગ્રી જ ખાવા ફરજ પાડો.
જીભનો ટેસ્ટ બાળકોની તબિયત જોખમમાં મૂકી દે તે પહેલાં ચેતી જાવ. એકમાત્ર જીભના ચટકાના બદલે ‘સફેદ ઝેર’ કહેવાતો મેંદો તમારાં પ્યારાં બાળકોની તંદુરસ્તી ચોક્કસ જોખમમાં મૂકશે, અસ્તુ.
જાગ્યા ત્યાર થી સવાર...
તમારો શ્રીકાંત સુરતી...