12/11/2020
🦴 વિટામિન શું છે?
વિટામિન એ એક જરૂરી દ્રવ્ય છે જેનું શરીર માં એક ચોક્કસ કામ હોય છે અને શરીર માં એનું એક ચોક્કસ પ્રમાણ માં માપ પણ જરૂરી હોય છે. જો એનું માપ ઓછું થાય તો ધીમે ધીમે એના દ્વારા થતા કામ અટકી પડે છે અને શરીર માં એના બદલાવ જોવા મળે છે.
🦴 તો આ વિટામિન - ડી શું છે??
વિટામિન-ડી, એક ફેટ સોલ્યુબલ વિટામિન છે, મતલબ કે તે ચરબી માં રહે છે. સામાન્ય રીતે વિટામિન - ડી, સૂર્ય ની કિરણ(UVB) માં થી મળી રહે છે અને બીજા ખાદ્યપદાર્થ જેવા કે દૂધ, ચીઝ, પનીર, ઈંડા, ફિશ, સોયાબીન, સીરિયલ, મશરૂમ, કોડ લિવર ઓઇલ વગેરે મા મળી રહે છે.
જ્યારે સૂર્યની કિરણ(UVB) ચામડી પર પડે ત્યારે ચામડી માં રહેલા દ્રવ્ય સક્રિય થાય છે, જે યકૃત (લિવર) માં જઈને બીજા દ્રવ્ય માં પરિવર્તન થઈને, છેલ્લે મૂત્રપિંડ (કિડની) માં જઈને પૂરેપૂરા બને છે, એ દ્રવ્ય હોય છે વિટામિન - ડી. જે ફરી લિવર માં જઈને ત્યાં એકઠા થાય છે.
🦴 હાલમાં આ વિટામિન-ડી(D) ની વાતો કેમ વધારે થાય છે??
વિટામિન - ડી, આંતરડા ની દીવાલ માં રીસેપ્ટર નું કામ કરે છે. જેના થી આહાર માં રહેલા કેલ્શિયમ નું શોષણ આંતરડા માંથી લોહીમાં થઈ શકે છે. અને એ કેલ્શિયમ લોહીમાં ફરીને હાડકા અને બીજા ભાગોમાં જાય છે.
હાલમાં વયસ્કથી લઈને ઘરડા લોકો ને વિટામિન - ડી ની ઉણપ થવા લાગી છે. તમારા શરીર માં વિટામિન-ડી સામાન્ય રીતે 30 થી 100 નેનોગ્રામ/મિલિલિટર હોય જોઈએ. 20 થી ઓછું એ વિટામીનની ઉણપ દર્શાવે છે. એના લક્ષણો જલ્દી દેખાતા નથી પણ લાંબા સમય પછી દેખાય છે જેમકે જલદી થાકી જાઉં, સ્નાયુ અને હાડકા દુખવા, ડિપ્રેશન, હાડકાની ઘનતા માં ઘટાડો વગેરે હોય છે. અને પ્રયોગમાં એવું જાણવામાં આવ્યું છે કે તમારા શરીરમાં ભલે ગમે તેટલું વિટામિન - ડી જમાં હોય, પણ તમારા પેટના સારા બેક્ટેરિયા યોગ્ય કામ નહિ કરે તો વિટામિન - ડી ની કાર્યક્ષમતા ઘટી જશે. અમુક દવાઓ, આલ્કોહોલ, ફાસ્ટ ફૂડ એ સારા બેક્ટેરિયા નો નાશ કરે છે.
અઠવાડિયામાં ઓછામાં ઓછું 2 વાર સવારે 6 થી 8 ની વચ્ચે 15 મિનિટ સૂર્યની કિરણ માં બેસવાનું રાખો. કાર અને ઘરની બારીમાં થી આવતો તડકો ઉપયોગી નથી. સીધો તડકો જરૂરી છે. કાચમાંથી UVB કિરણ પસાર થતી નથી, જે વધારે ઉપયોગી હોય છે.