04/06/2021
ઓફિસો 100 ટકા સ્ટાફની હાજરી સાથે રાબેતા મુજબ કામકાજ કરી શકશે : કોરોનાની થાળે પડતી પરિસ્થિતીને જોઇને હવે રાજ્ય સરકાર દ્વારા સરકારી કામકાજ રાબેતા મુજબ શરૂ કરવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે કે હવે રાજ્ય સરકારની બધી કચેરીઓ શનિવાર 5 જૂનના રોજ ખુલ્લી રહેશે : સોમવાર 7 મી જૂનથી રાજ્ય સરકારની તમામ કચેરીઓ તેમજ ખાનગી ક્ષેત્રની ઓફિસો 100 ટકા સ્ટાફની હાજરી સાથે રાબેતા મુજબ કામકાજ કરી શકશે.
****
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરીસ સાથે ટેલીફોનીક વાતચીત કરી હતી. અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરીસે કોરોના રસીની વૈશ્વિક ફાળવણીની અમેરિકાની યોજનાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જાણકારી આપી હતી. કોરોના કાળમાં પ્રવાસી ભારતીયો દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલી મદદ માટે પ્રધાનમંત્રી મોદીએ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરીસનો આભાર વ્યકત કર્યો હતો.
****
અમેરિકાના રોજગારી માટેના ગ્રીન કાર્ડની દેશ-આધારિત મર્યાદા હટાવવાની જોગવાઇ ધરાવતા ખરડાને પ્રતિનિધિસભામાં રજૂ કરાયો છે, અમેરિકામાં જો આ ખરડો પસાર થયા બાદ કાયદો બને તો તેનો લાભ કાયમી રેસિડન્ટ કાર્ડ -ગ્રીનકાર્ડની રાહ જોઇ રહેલા આઇટી ક્ષેત્રમાંના ભારતના સેંકડો વ્યાવસાયિકોને થશે. અમેરિકાની હાલની ઇમિગ્રેશન સિસ્ટમમાં ગ્રીન કાર્ડ ફાળવવા માટે દેશ દીઠ સાત ટકાની મર્યાદા રાખવામાં આવી હોવાથી ભારત જેવા મોટી વસતિ ધરાવતા દેશના લોકોને અન્યાય થાય છે. ખરડામાં ફેમિલી-સ્પૉન્સર્ડ વિઝાની દેશ દીઠ મર્યાદા વધારીને ૧૫ ટકા કરવાની જોગવાઇ છે.
****
ગુજરાત ST નિગમ દ્વારા બનેલા 9 બસ સ્ટેશન અને ડેપો-વર્કશોપનું ઈ-લોકાર્પણ અને 5 બસ સ્ટેશન અને ડેપો-વર્કશોપનું ઈ-ખાતમુહૂર્ત મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરાયુ : સાણંદ, લીંમડી, સંતરામપુર, પાલનપુર, પીપળાવ, વાઘોડિયા, ડેમાઇ, ભાવનગર, મોરબી, વાંકાનેર, વિરપુર, સરધાર અને દ્વારકામાં બસ સ્ટેશન ડેપો-વર્કશોપનું લોકાર્પણ-ખાતમૂહુર્ત કરાયુ
****
સર્વોચ્ચ અદાલતે પત્રકાર વિનોદ દુઆ સામે હિમાચલ પ્રદેશના શિમલા ખાતે નોંધાયેલો રાજદ્રોહનો કેસ કાઢી નાખતા જણાવ્યું હતું કે દરેક પત્રકાર રક્ષણનો હકદાર છે. વિનોદ દુઆના યૂટ્યૂબ શોના સંબંધમાં તેમની સામે હિમાચલ પ્રદેશના એક સ્થાનિક નેતાએ કેસ કર્યો હતો.
****
ભારતના ભાગેડુ વેપારી મેહુલ ચોક્સીને ડોમિનિકાના મેજિસ્ટ્રેટ દ્વારા જામીન આપવાનો ઇનકાર કરાયા બાદ અને એન્ટિગુઆ અને બારબુડાની કેબિનેટ દ્વારા ચોક્સીને ડોમિનિકાથી સીધો ભારત મોકલવાની તરફેણમાં લેવામાં આવેલા નિર્ણય પછી ડોમિનિકાની કોર્ટે ગુરુવારે કેસની સુનાવણી મોકૂફ રાખી હતી. નવી સુનાવણી માટે કોઈ તારીખ જાહેર કરવામાં આવી નથી.
****
રાજકોટ જિલ્લાના વેજા ગામમાંથી એક જ પરિવારના ત્રણ સભ્યોની લાશ કૂવામાંથી મળી હતી. મૃત હાલતમાં મળેલા બે યુવક અને એક યુવતી પિતરાઈ છે. અને તેમની ઉંમર 16,17 અને 18 વર્ષની જ છે. પોલીસ તપાસમાં ત્રણેયે આપઘાત કર્યો હોવાનો ખુલાસો થયો છે.
****
વડોદરાના અનગઢ ગામમાં પત્નીના પ્રેમીની પતિ અને પત્નીએ હત્યા કરી : રાજુ ગોહિલના લગ્ન દોઢ વર્ષ અગાઉ આણંદના સામરખા ગામની શિવાની સાથે થયા છે પણ લગ્ન અગાઉ શિવાની અને ગામના યુવાન મિલન ઉર્ફ સંજય પરમાર સાથે ત્રણ વર્ષથી પ્રેમ સબંધ હોય શિવાનીએ લગ્ન બાદ પણ પ્રેમી સાથે સંપર્ક ચાલુ રાખતા પતિ રાજુએ પત્ની શિવાનીના આ પ્રેમીને ફોન કરીને અનગઢ પોતાના ઘરે બોલાવ્યો અને પ્રેમી સંજય પાસે પત્ની શિવાનીના ફોટા માંગતા બંને વચ્ચે બોલાચાલી થતા રાજુ ગોહિલે આવેશમાં આવી સંજયના માથામાં લાકડીનો ઘા કર્યો અને શિવાનીએ પ્રેમી સંજયને ઝેરી દવા પીવડાવી ઘરની બહાર કાઢી મુકયો હતો : સંજયને ગોત્રી હોસ્પિટલમાં લઇ જતાં તબીબોએ સંજયને મૃત જાહેર કર્યો હતો : પોલીસે દંપતી સામે હત્યાનો ગુનો નોંધી બન્નેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
****