24/01/2025
વીલ- વશિયતનામું કેટલાં આવે ? લિવિંગ વીલ/ મેડિકલ વીલ શું છે ? એ સમજો અને તમારું તથા તમારા પ્રિયજનોનું ભવિષ્ય સુરક્ષિત બનાવો :
દરેકનું મૃત્યુ નિશ્ચિત છે પણ આપણે ત્યાં , હયાતીમાં એની વાતો કરવાનું ટાળીએ છીએ . જ્યારે વશિયતનામાની વાત કરીએ એટલે આપણા પ્રિયજનો આવું અશુભ ના બોલાય એવું કહી વાત ટાળી દે છે. આજનાં અનિશ્ચિત જમાનામાં, કોઈ પણ ઉંમરની વ્યક્તિને કોઈ પણ સમયે કંઈ પણ થઈ શકે ત્યારે ભવિષ્યનું આગોતરું આયોજન કરવું એ દરેકની પોતાના અને પરિવાર પ્રત્યેની પ્રથમ ફરજ છે . એ માટે વશિયતનામાં -વીલ વિશે સમજવું અને એનું અમલીકરણ કરવું હિતાવહ છે .
બધાંને ખબર છે કે , એક મિલકત- સંપતિનું વસિયતનામું અને એના પાવર ઓફ એટર્ની આવે , જેમાં આપણે આપણાં મૃત્યુ બાદ આપણી સંપતિ કોને , કઈ રીતે વહેંચવી એની વિગત લખવામાં આવે , જેનું આપણાં દ્વારા નિયુક્ત વ્યક્તિ અમલીકરણ કરાવી શકે . મિલકતનું યોગ્ય વસિયતનામું ના કરવાને લીધે , મોટા ઉદ્યોગપતિઓથી માંડી નાના મધ્યમવર્ગ- ગરીબ ઘરોમાં ઘણાં નાના- મોટાં ઝઘડાઓ/મતભેદો / વર્ષો સુધી ચાલતા કોર્ટ કેસો થતાં જોયા છે , એ જોઈ કદાચ મરનાર વ્યક્તિ પરલોકમાં પણ દુઃખી થતો હશે!
એ જ રીતે , બીજું લિવિંગ વિલ એટલે કે મેડિકલ વિલ આવે . આપણે એની વાત કરીએ .
મારી ૨૫ વર્ષની આઈસીયુ પ્રેક્ટિસમાં, મેં જોયું છે કે અનેક વાર , જ્યારે દર્દી ગંભીર હોય , વેન્ટિલેટર પર કે લાઇફ સપોર્ટ પર હોય ત્યારે દર્દીના સગાઓમાં નિર્ણય અંગે અંદર અંદર મતભેદો હોય - જેમ કે , પુત્ર -વહું લાઇફ સપોર્ટ બંધ કરવાં પર હોય તો પત્ની - પુત્રીઓ ચાલું રાખવા પર હોય , ઊલટું પણ હોય શકે .બ્રેઇન ડેડ બાદ , કોઈ પ્રિયજન અંગ દાન અંગે ઉત્સુક હોય જ્યારે અન્યની ઈચ્છા ના હોય . ઘણી વાર વ્યક્તિ આર્થિક રીતે સક્ષમ હોવા છતાં, સગાઓ વધારે સુવિધાયુક્ત હોસ્પિટલો જેમાં વિદેશની હોસ્પિટલો પણ આવી શકે , ત્યાં લઈ જઈ પ્રયત્નો કરવાનું કોઈ કારણોસર ટાળતાં હોય .
આમાં દર્દીની ઈચ્છા શું હતી એ વાત જ દબાઈ જાય . હકીકતમાં તો દર્દી શું ઈચ્છે છે કે ઈચ્છતું હતું, એ અગત્યનું હોવું જોઈએ પણ , એ તો ઇચ્છા વ્યક્ત કરવાની સ્થિતિમાં જ હોતું નથી . કોઈ વ્યક્તિ એ જીવતે જીવ એવું વિચાર્યું હોય કે મારું મૃત્યુ મારા વર્ષોથી રહેતાં નિવાસસ્થાને થાય , તો કદાચ એ હોસ્પિટલનાં બિછાને , પ્રિયજનોને બદલે , ડોક્ટરો અને નર્સોની વચ્ચે અંતિમ શ્વાસ લે એવું પણ બની શકે .
જો તમે ઇચ્છતા હોય કે , આવી ગંભીર સ્થિતિમાં તમારી ઈચ્છાઓની ગરિમા જળવાય અને તમારાં અંગ દાન જેવાં ઉમદા વિચારો પૂર્ણ થાય તો , તમારે આજે જ તમારું મેડિકલ વીલ/ લિવિંગ વીલ કરી દેવું જોઈએ .
હવે જ્યારે આપણાં દેશમાં પણ , ઈચ્છા મૃત્યુ અંગે માનનીય સુપ્રીમ કોર્ટના હકારાત્મક ચુકાદાઓ આવ્યા છે, ત્યારે લિવિંગ વિલનું મહત્વ વધી જાય છે .
લિવિંગ વિલમાં વ્યક્તિ , પોતાની ગંભીર હાલતમાં, જો ડોક્ટરના મંતવ્ય મુજબ બચવાની શક્યતાઓ અત્યંત ઓછી કે ના હોય , એવાં સંજોગોમાં લાઇફ સપોર્ટ કેટલો રાખવો , ક્યાં સુધી ચાલુ રાખવો કે બંધ કરવો , એ અંગે લેખિતમાં વર્ણવી શકે . સંજોગો અનુકૂળ હોય તો કંઈ હોસ્પિટલમાં , કયાં ડૉક્ટર હેઠળ સારવાર લેવી છે , એ પણ લખી શકે . લાઇફ સપોર્ટ ચાલું રાખી , અંગો પ્રત્યારોપણની શક્યતા હોય તો તે કરવું કે નહીં ? ઉપરાંત પોતના મૃત્યુ બાદ , શક્ય હોય તો કયાં અંગો , દાન કરવાં એ પણ લખી શકે . વીલમાં પોતાની અન્ય ઇચ્છાઓ પણ લખી શકાય ,જેમ કે અંતિમ સંસ્કાર તથા ત્યારબાદની સામાજિક વિધિઓ અંગે પણ ઉલ્લેખ કરી શકે . ટૂંકમાં , પોતે નિર્ણય લેવા કે બોલવા સક્ષમ ના હોય એવાં સંજોગોમાં શું અને કેવી રીતે કરવું એ અંગે પોતે સક્ષમ હોય ત્યારે જ લખી જઈ શકે .
લિવિંગ વિલ કંઈ રીતે કરી શકાય ?
માનસિક રીતે સ્વસ્થ , કોઈ પણ પુખ્ત વ્યક્તિ આ વિલ કરી શકે .
સૌપ્રથમ તો શાંતિથી બેસી ,તમારી કેવી ઈચ્છાઓ છે એ અંગે વિચારો . તમને જરૂર લાગે તો તમારા ફેમિલી ડૉક્ટર / પરિવારજનો સાથે ચર્ચા કરી શકાય. કોઈ એક તમારું વિશ્વાસુ વ્યક્તિ જે પરિવારજન કે મિત્ર હોય શકે એને , આ વીલના અમલીકરણ અંગે નિયુક્ત કરો , એને આ અંગેની જાણ કરો. ત્યારબાદ , બધી ઈચ્છાઓ એક કાગળમાં સારા અક્ષરોમાં લખી કે ટાઇપ કરી લો .જેમાં તમે નિયુક્ત કરેલ અમલીકરણ કરાવનાર વ્યક્તિનો પણ ઉલ્લેખ કરો . તમારી સહી તથા સાક્ષીની સહી કરાવી આ વિલ , બંધ કવરમાં તમારા નિકટજન/પરિવારજનને આપી દો. આનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત/ મદદરૂપ છે કે નહીં એ અંગે , તેમજ આ બાબતોની કાયદેસરતા અંગે વકીલનો અભિપ્રાય લઈ લેવો હિતાવહ છે .
તમારું આ એક કદમ , તમારી અનિચ્છિય , ગંભીર હાલતમાં , તમારા પ્રિયજનોની તથા ડૉક્ટરની મૂંઝવણો /દુવિધાઓ દૂર કરી તમારી આલોકથી પરલોકમાં જવા સમયની ઈચ્છાઓ પૂર્ણ કરશે .
ખાસ નોંધ - આ લખનાર ભારતીય કાયદાઓનાં કે વશિયતનામાંના નિષ્ણાત નથી , કાયદાકીય જાણકારી/ સ્પષ્ટીકરણ માટે વકીલનો સંપર્ક જરૂરી . આ પોસ્ટનો હેતું ફકત અને ફક્ત , લોકોને આ વિષય પર જાગૃત કરવાનો છે .
- ડો. કલ્પેશ જોષી. લોટસ હોસ્પિટલ , વલસાડ