27/07/2025
આપણે placebo effect વિશે તો જાણીએ જ છીએ , જ્યારે વ્યક્તિ પોઝિટિવ વિચારે ત્યારે સારું પરિણામ ,જે તે વસ્તુ- દવા-પરિસ્થિતિને લીધે ના હોય તો પણ વ્યક્તિ એના લીધે છે એવું વિચારે . જેથી ઘણી વાર ડોક્ટરો , જ્યાં દવા શક્ય ના હોય ત્યાં , સામાન્ય વિટામિનની ગોળી આપે અને દર્દીને કોઈ વાર કેન્સરનું દર્દ પણ ઓછું લાગે . એ જ રીતે , પેકેટ પર લખ્યું હોય કે , - ‘low fat - સુગર free ‘ વાંચીને , unhealthy ખોરાક પણ કોઈ પણ જાતનાં ગિલ્ટી ફીલિંગ વિના આરોગી જાય!.😊.
પણ , આજે આપણે NOCEBO effect વિશે વાત કરવાનાં છે , જે કદાચ ડૉક્ટરોમાં પણ એટલું પ્રચલિત નથી . PLACEBO થી એકદમ ઊંધું.. વ્યક્તિ નેગેટિવ વિચારે અને વિપરીત-ખરાબ પરિણામ ,જે તે દવા- પરિસ્થિતિ- વસ્તુને લીધે ના હોય તો પણ , એ અનુભવે! કેટલાક ઉદાહરણો- ૧. એક કાકાએ વાચેલું કે , મોબાઈલ ટાવરથી રેડિયેશનથી આડ અસરો થાય અને એમનાં રહેઠાણથી ૨૫૦ મીટર દૂર ના ટાવરથી એમને માથાનો દુઃખાવો ચાલું થઈ ગયેલો. ૨. એક ભાઈને એવું કે AC થી ‘સાયનસ ‘ થાય એટલે AC ચાલું કરે કે તરત એમને તકલીફ ચાલું થઈ જાય , રૂમ ઠંડો થાય એ પહેલા જ !
આજ કાલ, ગૂગલના જમાનામાં , અમે ડોક્ટરો , અનેક વાર દર્દીઓમાં આ અસર જોઈએ છે , જે થકી દર્દી ડોક્ટરો બદલાતાં રહે છે, છેલ્લે જે યોગ્ય સમજણ અને કાઉન્સેલિંગ દ્વારા જ સારું થાય .
દર્દીને દવાની આડ અસરો વિશે સાચી માહિતી આપવી એ ડૉક્ટરની ફરજ છે ( જે ઘણીવાર ગૂગલ બજાવે!😁) , સાથે આ માહિતી થકી દર્દી NOCEBO effect માં ના જતું રહે એ પણ એટલે જ જરૂરી છે . નહીંતર , ઘણી વાર , ઘણી સારી દવાઓનો ફાયદો દર્દી ગુમાવે .
NOCEBO અટકાવવાં ડૉક્ટર શું કરી શકે ?
- દર્દીને મહત્ત્વની અને જરૂરી હોય એટલી જ આડઅસરો સમજાવવી , એ પણ સારા શબ્દોમાં , જેમ કે - “ આ દવાથી અમુક દર્દીને શરૂઆતમાં માથું દુખી શકે , એ થોડા દિવસોમાં સારું થઈ જાય , એ આમ જોઈએ તો દવાની એક અસર છે , આડ અસર નથી “
- સામાન્ય આડ અસરો સામે મહત્ત્વનાં ફાયદાઓ પર વધુ ભાર મૂકવો .
- દર્દીની માનસિક સ્થિતિ , ભણતર, ડૉક્ટર પરનો વિશ્વાસ વગેરે જોઈને , કેટલી આડઅસરો સમજાવવી એ નક્કી કરવું. અલગ અલગ દર્દીઓમાં અલગ અલગ હોય શકે .
- દર્દીની ભાષામાં સમજાવવું, નહીં કે મેડિકલ શબ્દોમાં- જેમ કે , ન્યુરો સાયકિયાટ્રિક આડ અસરો થઈ શકે , એની જગ્યાએ , થોડા mood changes થઈ શકે , એવું કહી શકાય .
- દર્દીને સમજાવતી વખતે પોતાની બોડી લેંગ્વેજ યોગ્ય હોવી જરૂરી , એ પરથી દર્દીને વિશ્વાસ થતો હોય .
NOCEBO અટકાવવાં દર્દીઓ શું કરી શકે ?
- તમારાં ડૉક્ટર પર વિશ્વાસ રાખો , ગૂગલ પર નહીં .
- પોઝિટિવ રહો , જે બાબત ૧૦૦૦ માં એક ને થતી હોય એ આપણને ના જ થાય ,એવું જ વિચારવું.
- આપણે કોઈક બાબતને ઠીક કરવાં, દવા લઈ રહ્યા છીએ , નહીં કે એની આડ અસરો માટે , એટલે દવાથી તકલીફમાં કેટલી રાહત થાય એ જ વિચારો નહીં કે એની આડઅસરો વિશે . આડ અસરો જેવું જણાય તો ડૉક્ટરની સલાહ લો , ગૂગલ આધારે નહીં રહો .
- પ્રાણાયામ- પ્રાર્થના વગેરે કરવાથી postitive વિચારો વધશે.
- જે દર્દીઓને જે તે દવાઓ દ્વારા સારું થયેલું એના સંપર્કમાં રહો , નહીં કે જે દવાઓની આડ અસરોની વાતો કરતાં લોકો સાથે .. દા.ત. , જો તમને કેન્સર હોય તો કીમોથેરાપીથી સારા થયેલા લોકો સાથે વાતો કરો , ના કે કેમો થેરાપીની સમાન્ય આડ અસરોને ભડકાવીને કહેતા લોકો સાથે .
ટૂંકમાં, NOCEBO અસર ઘણી વાર દર્દીને , ઘણી ઉત્તમ દવાઓનાં ફાયદાઓથી દૂર રાખી શકે , એ ના થાય એ માટે ડૉક્ટર ઉપરાંત દર્દી અને એનાં સંબંધીઓએ પણ કાળજીઓ રાખવી ઘટે .
બાકી, ‘ગુગલિયા‘ લોકોને , પ્રેગન્સી રહે એટલે જ ઊલટીઓ , એકદમ ઓછા ડોઝમાં ‘statin ‘થી સ્નાયુનો દુખાવો , મેટફોર્મીનથી ઉબકા-કિડનીના વિચારો , વેક્સિન પછી અનેક વિચારો ,MRI નું નામ સાંભળીને જ Claustrophobia — ( લિસ્ટ ઘણું લંબાવી શકાય) થવાં માંડે !
- ડો. કલ્પેશ જોશી . MD
લોટસ હોસ્પિટલ , વલસાડ .