10/07/2023
*સુરક્ષાત્મક મેડિકલ પ્રેક્ટિસ એટલે શું અને તે કઈ રીતે તમને અને તમારા પરિવાર ને અસર કરે છે?*
ડો પ્રણવ કોડિયાલ ની અંગ્રેજી પોસ્ટ નું ગુજરાતી ભાષાંતર અને સંક્ષેપ આલેખન ડૉ પ્રદીપ જોશી એમડી દ્વારા
આ લેખ ડોક્ટર ના હોય તેવા સામાન્ય જનતા માટે લખાયો છે. હેતુ છે પ્રજા માં સુરક્ષાત્મક પ્રેક્ટિસ એટલે શું એ વિશે જાગૃતતા લાવવી કારણકે બહુ ટૂંકા સમય માં આજે નહીં તો કાલે દરેક પ્રજાજન નો એની સાથે પનારો પડવાનો છે!!
જોખમ તરફ ફાંટી આંખે જોવું હમેશા કષ્ઠ આપે પણ આંખો બંધ કરી દેવાથી પણ જોખમ નામશેષ નથી થઇ જવાનું, તે ચોક્કસ તમારો વિનાશ નોતરશે
-ઇઝાક આસિમોવ
થોડા સમય પહેલા મેં મારાં એક મિત્ર સર્જન ના કન્સલટિંગ રૂમ માંથી એક નિરાશ વદને બહાર આવતા મહિલા ને જોયા. મેં મારા મિત્ર ને પૂછ્યું તમે આ મહિલા નું ઑપરેશન કરવા હું સક્ષમ નથી એવુ કઈ શા માટે તેમને બીજા કોઈ સર્જન પાસે જવા કહ્યું? હું જાણું છું કે આ ઑપરેશન મુંબઈ માં તારા થી શ્રેષ્ઠ કોઈ કરી જ ના શકે!
મારા મિત્ર એ ફીકા સ્મિત સાથે કહ્યું તું એ નથી જાણતો કે એ મહિલા શ્રીમાન ABC ના સગા છે. એ શ્રીમાન કે જેમણે આપણા એક ગાયનેક મિત્ર પર ટોળા ભેગા કરી હુમલો કરાવેલો, કારણ હતું તેની દીકરી ના સીઝેરિયન ઑપરેશન માં કોઈ નાનું કોમ્પ્લીકેશન ઉભું થયેલું.
મારા મિત્ર ડોકટરે કહ્યું તે મહિલા નું ઑપરેશન કરવા હું સંપૂર્ણ સક્ષમ પણ છું અને આત્મવિશ્વાસુ પણ છું પરંતુ મને ભય છે કે જો એ મહિલા ના ઑપરેશન માં કોઈ તકલીફ ઉભી થઇ તો એ શ્રીમાન ના ગુંડાઓ ના ટોળા મારી હોસ્પીટલ સળગાવી મુકશે અને મને પણ મારશે કે મારી નાખશે.....
હું નિશબ્દ બની ગયો. હું મારા ડોક્ટર સર્જન મિત્ર ને દોષી માનવા તૈયાર નહોતો. તેણે પોતાની સુરક્ષા ને દર્દી ની સારવાર થી વધુ જરૂરી માનેલી. સર સલામત તો પગડી હજાર..... તે મહિલા માટે મેં સહાનુભૂતિ અનુભવી. તેમની સારવાર મુંબઈ ના એક શ્રેષ્ઠ સર્જન કરી શક્યા હોત પરંતું મારા મિત્ર ડિફેન્સીંવ પ્રેક્ટિસ યાને કે સુરક્ષિત પ્રેક્ટિસ કરી રહ્યા હતા..
તમે કદાચ આ શબ્દ પહેલા નહીં સાંભળ્યો હોય! સુરક્ષાત્મક પ્રેક્ટિસ એટલે એવી પ્રેક્ટિસ જેમાં ડોક્ટર દર્દી ની સારવાર કરે ત્યારે પોતાની સુરક્ષા ને દર્દી ની સારવાર કરતા વધુ મહત્વ આપે.
આ પરિણામ છે લોકો ના ડોક્ટર પર ના શારીરિક માનસિક શાબ્દિક હુમલાઓ નું, આ પરિણામ છે ડોકટરો કાયમ લૂંટે છે જેવી માનસિકતા માં ફસાયેલી પ્રજા ના અવિશ્વાસ નું , આ પરિણામ છે દર્દી માટે શ્રેષ્ઠ કરી છૂટવા છતાં ડોક્ટર ને ઘણીવાર મળતી ગાળો, આપશબ્દો, માર, અપમાન અને અપજશ નું....
ચાલો આ જાણે સમજ્યા પણ એક સામાન્ય નાગરિક તરીકે મને કે મારા સગા સબંધી ને આના થી શું ફેર પડવાનો એવો સવાલ જો તમને થાય તો.....
સુરક્ષિત પ્રેકસ્ટિસ બે પ્રકાર ની હોય છે 1) હકારાત્મક 2) નકારાત્મક
સામાન્ય રીતે કોઈપણ ડોક્ટર પોતાના જ્ઞાન, કૌશલ્ય અને આવડત પ્રમાણે સામાન્ય રોગ નું નિદાન અને સારવાર બને તેટલા ઓછા રિપોર્ટ ના સહારે કરવાનો પ્રયત્ન કરતા હોય છે. જો સામાન્ય રોગ ના ચોકઠાં માં લક્ષણો અને નિદાન ફિટ ના થાય તો જ તે લાંબા રિપોર્ટ કરાવી અસામાન્ય રોગ વિશે વિચારતા થાય છે અથવા પોતાના કાર્યક્ષેત્ર કે આવડત ની બહાર નો કેસ ગણી બીજા તજાજ્ઞ તબીબ ને બીજો અભિપ્રાય લેવા કેસ રીફર કરતા હોય છે.
હકારાત્મક સુરક્ષિત પ્રેક્ટિસ માં ડોક્ટર કોઈ જોખમ લેવા નથી માંગતા કે જેમાં કોઈ નિદાન ચૂક થાય જેને લોકો પાછળ થી શરત ચૂક કે ગફલત માની ઉપાધિ ઉભી કરે. જેમ આક્રમકે ક્રિકેટર ડિફેન્સીંવ રમે તેમ ડોક્ટર પણ કઈ મીસ ના થઇ જાય એ ડરે લાંબા લિસ્ટ ના રિપોર્ટ કરાવે અને ઘણીવાર બીજા ડોક્ટર નો ઓપીનીયન પણ લે. પણ આ બધા રિપોર્ટ અને બીજા ડોક્ટર ના અભિપ્રાય ની ફી નું આર્થિક ભારણ અંતે કોને માથે? તમારા ને તમારા પરિવાર માથે જ.......
હવે નકારાત્મક અભિગમ વાળી સુરક્ષિત પ્રેક્ટિસ સમજીએ
ડોક્ટરો હવે પ્રસિદ્ધ, હોશિયાર, લીડિંગ જેવા વિશેષણ ધરાવી માનસિક રીતે તણાવગ્રસ્ત અને શારીરિક રીતે ઈજાગ્રસ્ત થવા કરતા ખપ પૂરતું કમાઈ, સામાન્ય ડોક્ટર માં ગણાઈ ચીલા ચાલુ પ્રસિદ્ધિ સાથે સારુ અને લાબું જીવવાની કામના કરતા થઇ ગયા છે!!
ઉપર ના સર્જન મિત્ર ના દાખલા ની જેમ ડોકટરો ને હવે અઘરા, હઠીલા, માથાભારે દર્દીઓ કે સગાઓ સાથે પનારા નથી પાડવા હોતા. આજ કારણે દર્દી ના સગાઓ નું વર્તન જોઈ ઘણીવાર ડોકટરો સાદા કોઈ કોમ્પ્લીકેશન્સ વગર ના કેસ ને પણ બીજે રીફર કરી દેતા હોય છે. ડોકટરો હવે સારવાર કરવાનો નિર્ણય પર આવતા પહેલા સેફટી ચેક કરતા થઇ ગયા છે...
તો આ બિનજરૂરી એક હોસ્પીટલ થી બીજા ની ભાગમભાગ ખર્ચા અને મુશ્કેલી માં સહન કોણે કરવાનું? તમારે જ....
હવે તમે મન માં વિચારશો કે શું આ મામલો આટલો ગંભીર છે કે ખાલી સોશિયલ મીડિયા પર ની એક માત્ર પોસ્ટ?
જવાબ છે સુરક્ષાત્મક પ્રેક્ટિસ ભારત માં સતત વધતી જાય છે અને ડોકટરો પર ના હુમલાઓ આક્ષેપો તેને સતત વધારતા જવાનાં છે
તો એક સમજદાર જાગૃત ભારતીય તરીકે મારે શું કરવું જોઈએ જેના કારણે ડોકટરો કોઈ ભય ડર કે પૂર્વગ્રહ વગર અમને સારવાર આપે તેવો સવાલ મન માં થાય તો આગળ વાંચો...
સાચી સમજણ એજ ઉપાય
મીડિયા સોશિયલ મીડિયા અને ગોસીપ માં ડોકટરોને જેટલાં બેહુદા ચીતરી માર્યા છે તેવા એ છે નહીં.... સિક્કા ની હમેશા બે બાજુ હોય છે અને આ બઘી કુથલીખોરી માં ડોક્ટર બાજુ ની વાત કોઈ ક્યારેય કરતું જ નથી!!
સમાજસેવકો, રાજકારણીઓ ને સેલિબ્રિટીસ તો પાછા સૌથી ખરાબ તેઓ ડોકટરો વિશે ખોટી ભ્રમણા ફેલાવી પોતાનો સ્વાર્થ સાધી લેતા હોય છે. એક ટીપ આપું? જરા જુઓ એ કેવી ભાષા અને શબ્દો વાપરી ડોકટરો ની બદનામી કરે છે? એ પણ પોતાની શેતાનિયત ઢાંકી.....
એક સામાન્ય વાત સમજો કે કોઈપણ ડોક્ટર તમને મારી નાખવા કે નુકશાન કરવા માં રસ ધરાવતા નથી. કોઈ પણ દર્દી ને સારુ થાય તો જ ડોક્ટર ની નામના વધે ને?
જયારે કોઈ દર્દી ને સારુ પરિણામ ના મળે ત્યારે ડોક્ટર પણ દર્દી ના સગાઓ જેટલાંજ દુઃખી ને વિચલિત થતા હોય છે.
સમજો કે તબીબી વિજ્ઞાન સંપૂર્ણ નથી તેની પણ ઘણી મજબૂરીઓ છે. એક સામાન્ય માનવી બીજા સામાન્ય માનવી નો પોતાના સીમિત જ્ઞાન અને કૌશલ્ય ના આધારે સારવાર કરે છે અને તેનું પરિણામ નિયતિ પર આધારિત હોય છે. જો તમે આસ્તિક હો તો તેને ઈશ્વર કૃપા નામ આપો ને નાસ્તિક હો તો સદનસીબ.....
સમજો કે કોમ્પ્લીકેશન્સ અને મૃત્યુ એ અનિવાર્ય હોય છે. કોઈ પણ સારવાર માં એ થઇ શકે અને થવાના જ... હા કોઈપણ સારવાર માં
તો જયારે સારુ પરિણામ મળે ત્યારે ઈશ્વર નો આભાર માનો ડોક્ટર નો નહીં તેમ જયારે કંઈક અજુગતું બને ત્યારે ડોક્ટર ને ભાંડવા કે આપજશ દેવા કરતા કુદરત અને ઈશ્વર ની મરજી કેમ નહીં??
હોસ્પીટલ એ કોઈ ફાસ્ટફૂડ રેસ્ટોરા નથી કે જ્યાં ઝડપી ધાર્યું બધું મળે. પરિણામ ને ખર્ચા સાથે ના સરખાવો. આટલા ખર્ચ્યા તો ઈચ્છીત પરિણામ મળવું જ જોઈએ એવી ભ્રમણા ના રાખો. દર્દી ગ્રાહક અને ડોક્ટર ને વેપારી બનાવી દીધા પછી હાલ સૌ ને પૈસા વસુલ પરિણામ સારવાર માં જોઈતું હોય છે.....
કોઈપણ ડોક્ટર પોતાના જ્ઞાન કૌશલ્ય અને આવડત ની ફી લેતો હોય છે. હોસ્પીટલ અને ક્લિનિક ના ખર્ચ રૂપે ફી લેતો હોય છે નહિ કે પરિણામ 100% આપવા માટે....
તમે જે ફી વધુ ગણો છો તેમાં ડોક્ટર ઉપરાંત હોસ્પીટલ ના ખર્ચા, સ્ટાફ ના પગાર, મોટા રોકાણ ના હપ્તા, આધુનિક મશીનો ની ખરીદી ને જાળવણી ના ખર્ચા વગેરે વગેરે સાથે સરકાર ને ભરવાના જાત જાત ના ટેક્સ.... જો તમારે સારવાર સાવ મફત જ કરાવી હોય તો સરકારી હોસ્પિટલ માં એ થાય જ છે પણ સરકારી મફત સારવાર માં લક્ઝરી સગવડો કે પ્રાઇવેટ લક્ઝરી સગવડો સરકારી હોસ્પીટલ ની જેમ મફત થાય એ તો શક્ય નથી ને???
આરોગ્ય પર થયેલા ખર્ચા ને વ્યર્થ કેમ ગણો છો? ફોન કાર ફ્લેટ અને ફેશન પાછળ થતો ખર્ચો જો લક્ઝરી છે તો આરોગ્ય ની જાળવણી અને રખરખાવ પાછળ ના ખર્ચા નું પણ આગોતરું આયોજન કેમ ના કરી શકાય??
જો ડોક્ટર ની સારવાર માં ભૂલ તમને લાગતી હોય તો ગ્રાહક સુરક્ષા કે કોર્ટ નો સહારો લો પણ કોઈ સામાજિક કાર્યકર કે રાજકારણી ની ચડામણી થી ડોકટરો પર શારીરિક હુમલાઓ ધમકીઓ નો શું મતલબ? તમારી ક્ષણિક મદદે આવેલા એ બધા કરતા તમારા દર્દ અને દર્દી નું હિત ડોક્ટર ના હૈયે વધુ હતું એ ના ભૂલશો....
પ્રજા ના સહયોગ અને ડોકટરો ની સાચી નીતિ ખોટું કરવાની વૃત્તિ નો ત્યાગ જ પ્રજા અને ડોકટરો વચ્ચે સતત વધતી ખાઈ ને પુરી શકશે..
આશરે 75% ભારતીય ડોકટરો એ ક્યારેક ને ક્યારેક હુમલા કે તોડફોડ નો ભોગ બનવું પડેલું છે. મોટાભાગ ના કિસ્સાઓ બહાર નથી આવતા ઘરેલુ હિંસા ના કિસ્સા ની જેમ. ભારત માં કાયદા ની પ્રક્રિયા ખુબ સમય લેતી હોવાથી લોકો અને મીડિયા પોતેજ ચુકાદો આપી કાયદો હાથ માં લઇ લેતા હોય છે અને હુમલો કરનાર તત્વો ને પણ કોઈ ખાસ નમૂના રૂપ સજાઓ થતી નથી હોતી.
ઓકે ઓકે ચાલો કબૂલ પણ ડોકટરો પણ કેટલું ખોટું કરે છે? પછી લોકો ગુસ્સે જ થાય ને?
આપણે એવા સમાજ માં છીએ જેના મોરલ નું અધઃ પતન થઇ રહ્યું છે અને ડોકટરો એ જ સમાજ ના ભાગ છે. આવા કૃત્ય માટે મેડિકલ કાઉન્સિલ કડક શિક્ષત્મક પગલાં ભરી દાખલો બેસાડવો જરૂરી છે અને સારા સાચા ડોકટરો એ પણ આવા લેભાગુ તબીબો ને છાવરવાના બંધ કરવાની જરૂર છે
દસ ને દસ વિશ ની જેમ ડોક્ટર કાયમ ખરાબ ને ખોટા જ હોય એ માનસિકતા સમાજ નહીં છોડે તો આ સુરક્ષાત્મક પ્રેક્ટિસ વધતી જશે અને આરોગ્ય સેવા ને લુણો લાગતો જશે.